રીક્ષા ગેંગને ઉઘાડી કરતા પેસેન્જરની હત્યાનો પ્રયાસ

Crime | Rajkot | 24 February, 2024 | 04:22 PM
♦ અગાઉ માત્ર ચોરીને જ અંજામ આપતી રીક્ષા ગેંગ હવે લોહી તરસી બની, પાકિટ સેરવી લીધા બાદ પેસેન્જરને જાણ થઈ જતા માથે રીક્ષા ચડાવી પાઈપથી માર માર્યો
સાંજ સમાચાર

♦ મોરબી રોડ પરની ઘટના, ઇજાગ્રસ્ત હોટલ કર્મીઓ જયપાલસિંહ જાટ અને મનોજકુમાર જાટ સારવારમાં ; મનોજની હાલત ગંભીર : બી.ડિવિઝનમાં ગુનો દાખલ

રાજકોટ, તા.24
શહેરમાં અગાઉ માત્ર ચોરીને જ અંજામ આપતી રીક્ષા ગેંગ હવે લોહી તરસી બની હોય તેમ પાકિટ સેરવી લીધા બાદ પેસેન્જરને જાણ થઈ જતા તેણે બોલાચાલી કરતા માથે રીક્ષા ચડાવી પાઈપથી માર માર્યો હતો. મોરબી રોડ પર આ ઘટના બની હતી. ઇજાગ્રસ્ત હોટલ કર્મીઓ જયપાલસિંહ જાટ અને મનોજકુમાર જાટને સારવારમાં ખસેડાયા હતા. જેમાં મનોજની હાલત ગંભીર છે. બી.ડિવિઝન પોલીસમાં હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા જયપાલસિંહ વિરેન્દ્રસિંહ જાટ (ઉ.વ. 22, રહે. ધ રોયલ કાસ્ટલ પ્લાઝા હોટલ મોરબી રોડ બેડી ચોકડીની બાજુમાં રાજકોટ, મુળ વતન તોંચીગઢ થાના એગ્લાસ, અલીગઢ ઉતરપ્રદેશ)એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, હું હોટલ માલિક હુશેનભાઈની હોટલ ધ રોયલ કાસ્ટલ પ્લાઝામાં કામ કરું છું. ત્યાં રહું છે. છેલ્લા દોઢેક મહીનાથી હોટલમાં મેનેજર તરીકે નોકરી કરું છું.

મારી સાથે મનોજકુમાર ચંદ્રપાલસિંહ જાટ(ઉ.વ.32) જે જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈકાલે તા.23/02/2024ના રાત્રીના આશરે નવેક વાગ્યાની આસપાસ હું અને મારો મિત્ર મનોજકુમાર કુવાડવા રોડ ડી-માર્ટની બાજુમાં આવેલ શ્રી ટેલીકોમ નામની મોબાઈલની દુકાને મોબાઈલ ખરીદ કરવા માટે ગયેલ હતા. આ મોબાઈલ મનોજકુમારને ખરીદ કરવાનો હતો.

શ્રી ટેલીકોમમાંથી મનોજકુમારે એક મોબાઈલ ખરીદ કરેલ બાદ હું અને મનોજકુમાર અમે બંને જણા ત્યાંથી ચાલતા ચાલતા ગ્રીનલેન્ડ ચોકડી ખાતે ગયેલા અને ત્યાંથી અમારે બેડી ચોકડીએ અમારી હોટલે જવાનું હતું અમે ગ્રીનલેન્ડ ચોકડી પાસે મોરબી રોડ તરફ જવાના વણાંકમાં ઉભા હતા તે વખતે દશેક વાગ્યે એક ઓટો સીએનજી રીક્ષા કાળા વુડવાળી જેમાં ગ્રીન લીલા પટ્ટા હતા જે રીક્ષામાં પાછળની સીટમાં ત્રણ અજાણ્યા માણસો બેઠેલ હતા અને એક માણસ રીક્ષા ડ્રાઈવિંગ કરતો હતો.

જે રીક્ષા આવતા અમે બેડી ચોકડી જવા અમે રીક્ષાની પાછળની સીટમાં બેસી ગયેલ આ ઓટો રીક્ષા આશરે પાંચસો મીટર જેટલી ચાલતાં રીક્ષા ચાલક આગળ જઈ રીક્ષા ઉભી રાખેલ અને અમોને રીક્ષા ચાલકે કહેલ કે રીક્ષાની સીટ તુટેલી છે તમે બંને અહીંયા ઉતરી જાવ તેમ કહી અમને બંનેને ત્યાં રોડ ઉપર નીચે ઉતારી દીધેલ અને રીક્ષા ત્યાંથી જતી રહેલ બાદ તુરત જ મનોજકુમારે મને કહેલ કે મારુ પાકિટ રીક્ષામાં પડી ગયેલ છે. જેથી ત્યાં નજીકમાં એક રીક્ષા આવતી હોય અમોએ આ રીક્ષાને ઉભી રખાવેલ અને તે રીક્ષા વાળાને કહેલ કે આગળ જતી રીક્ષામાં મારૂ પર્સ પડી ગયેલ છે

તમે જલ્દી તે રીક્ષાની પાછળ લ્યો જેથી તુરંત જ આ રીક્ષાવાળાએ પીછો કર્યો. પહેલી રીક્ષાને થોડે આગળ જઈને ઉભી રખાવેલ અને અમો રીક્ષા પાસે જતા મનોજકુમારે કહેલ કે મારૂ પર્સ રીક્ષામાં પડી ગયેલ છે. જેથી રીક્ષાની પાછળની સીટમાં એક શખ્સ જેને કાળા કલરનું જેકેટ પહેરેલ હતુ તેને કહેલ કે તમારું પર્સ રીક્ષામાં પડી ગયેલ હતું. તેમ કહી મનોજકુમારનું પર્સ પાછું આપી દીધેલ.

આ રીક્ષા ચાલક સહીત ચારેય ઈસમો રીક્ષા નીચે ઉતરી ગયેલા અને કહેવા લાગેલ કે અમે કોઈ તમારું પર્સ ચોરેલ નથી તમારૂ પર્સ રીક્ષામાં પડી ગયેલ હતુ. આ ચારેય જણા અમારી સાથે બોલાચાલી કરી ઝગડો કરવા લાગેલ અને આ ચારેય જણા ભેગા મળીને મને અને મનોજકુમારને ઢીકાપાટુનો મુંઢ મારમારવા લાગેલા જેથી હું અને મનોજકુમાર આ લોકોથી છુટીને મોરબી રોડ તરફ ભાગવા લાગેલ મારી આગળ મનોજકુમાર દોડતા હતા અને તેઓની પાછળ હું દોડતો હતો

દરમ્યાન આ ચારેય જણા રીક્ષા લઈને અમારી પાછળ આવેલ અને પ્રથમ મારી ઉપર રીક્ષા ચડાવી મને મારવાનો પ્રયત્ન કરેલ જેમાં હું રોડથી ખસી જતાં આ રીક્ષા ચાલકે મારા જમણા પગ ઉપર રીક્ષા ચડાવી દીધેલ અને મને જમણા પગના અંગુંઠામાં ઈજા થયેલ અને હું રોડ ઉપર ફંગોળાય ગયેલ બાદ આ રીક્ષાવાળાઓએ મનોજકુમાર ઉપર મારી નાખવાના ઈરાદે જીવલેણ હુમલો કરી રીક્ષાથી ટકકર મારી મનોજકુમારને રોડ ઉપર પછાડી દીધેલ

આ લોકોએ તેઓ પાસેની રીક્ષા ત્યાં ઉભી રાખીને આ લોકો ચારેય જણા નીચે ઉતરેલા જેમાં એક કાળા કલરના ઝાકીટ વાળા શખ્સની પાસે એક લોખંડની પાઈપ હતી જેનાથી મનોજકુમારને માથાના ભાગે તથા શરીરે માર મારેલ ત્યારબાદ આ લોકો તેઓની રીક્ષા લઈને જતા રહેલા. મનોજકુમાર અર્ધબેભાન હોય, 108માં સારવાર માટે અમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બી.ડિવિઝન પોલીસે આઇપીસી 307, 323,114 વગેરે મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ એસ.એમ. જાડેજાએ હાથ ધરી છે. પોલીસને શંકા છે કે, આરોપીઓ પેસેન્જર બેસાડી તેના ખિસ્સામાંથી પાકિટ, મોબાઈલ વગેરે ચોરતી રીક્ષા ગેંગના સાગરીત છે. જેથી તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj