(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી,તા.19
વાંકાનેર પાલિકાની ચૂંટણીની મતગણતરી પૂરી થઈ ગયા બાદ વિજેતા ઉમેદવારો તેના ટેકેદારો સહિતના સાથે તેના વોર્ડમાં જતાં હતા.વાંકાનેરના માર્કેટ ચોક પાસેથી વોર્ડ નંબર 6 માં ભાજપના વિજેતા થયેલા ઉમેદવારો તેના ટેકેદારોની સાથે જઈ રહ્યા હતા અને વિજય સરઘસમાં આતિશબાજી કરવામાં આવી રહી હતી અને ઢોલ નગારા વાગી રહયા હતા ત્યારે દુકાન પાસે ફટાકડા ફોડવા બાબતે બે જુથ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારે ભાજપ સામે ભાજપ હોય તેવો ઘાટ સર્જાયો હતો.
વાંકાનેર પાલિકાની 28 બેઠકમાંથી 21 બેઠક ઉપર ભાજપ વિજેતા બનેલ છે બીજ કોઈ વોર્ડમાં સરઘસ નીકળ્યા ન હતા પરંતુ વોર્ડ નંબર 6 કે જેના ઉપર સહુ કોઇની નજર હતી તે વોર્ડમાંથી વાંકાનેર પાલિકાના માજી મહિલા પ્રમુખ જયશ્રીબેન સેજપાલ દ્વારા આપમાંથી ઉમેદવારી કરવામાં આવી હતી.
તેના દીકરા અમિત સેજપાલની વાંકાનેરના માર્કેટ ચોકમાં દુકાન આવેલ છે જો કે, વોર્ડ નંબર 6 માંથી આપમાંથી ઉમેદવારી કરનારા જયશ્રીબેન ચૂંટણીમાં હારી ગયા હતા.
જેથી કરીને ભાજપના વિજેતા બનેલા ઉમેદવારોના વિજય સરઘસની સાથે જઈ રહેલા લોકોમાંથી કેટલા ટીખડખોર દ્વારા અમિત સેજપાલની દુકાન પાસે ફટાકડા ફોડયા હતા જેથી બે જુથ્થ વચ્ચે ઘર્ષણ થયું હતું.
ત્યાર બાદ ડીવાયએસપી, પીઆઇ સહિતના અધિકારીઓએ અને કર્મચારીઓ ત્યાં દોડી આવ્યા હતા અને મામલો થાળે પડ્યો હતો. આ બનાવ સંદર્ભે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
આ બાબતે ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્યુ હતું કે, માર્કેટ ચોકમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા ત્યારે ફટાકડાના તણખા ફ્રુટની દુકાનમાં પડ્યા હતા. જેથી કરીને બોલાચાલી થયેલ હતી અને ઘર્ષણ થયું હતું. હાલમાં પરિસ્થિતી કંટ્રોલમાં છે અને સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલેખનીય છે કે, જયશ્રીબેન સેજપાલ ગત ચુંટણીમાં ભાજપમાંથી ચૂંટાયેલ હતા અને ત્યાર બાદ પ્રમુખ પદ માટે થયેલા વિવાદના લીધે ભાજપના સભ્યો વચ્ચે ઊભા ફડિયાં થઈ ગયા હતા અને ત્યાર બાદ પ્રમુખ તરીકે જયશ્રીબેન સેજપાલ ચૂંટાયેલ હતા.
તેઓની બોડીને સરકારે સુપરસીડ કરી હતી જેથી તેઓને ભાજપમાંથી ટિકિટ મળે તેમ ન હતું જેથી કરીને આપમાંથી ચૂંટણી લડ્યા હતા અને તે હારી ગયા હતા જો કે, માથાકૂટ થયેલ હતી ત્યારે ભાજપ સામે ભાજપ હોય તેવો ઘાટ સર્જાયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy