કંબોડિયામાં આયોજિત કાનૂની સહાય પરિષદમાં ભારત તરફથી રાજકોટના ભાવનાબેન જોશીપુરાએ પ્રતિનિધિત્વ કર્યુ

Local | Rajkot | 25 May, 2024 | 03:12 PM
લગ્ન વિષયક તકરારના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કાનૂન સંદર્ભે પ્રવર્તમાન સ્થિતિની કરી છણાવટ
સાંજ સમાચાર

રાજકોટ, તા.25
પ્રાચીન ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિનો જ્યાં આજે પણ ખૂબ જ પ્રભાવ છે અને જ્યાં સદીઓ જૂનું ભવ્ય વિશ્વવિખ્યાત અંગકોરવાટ વિષ્ણુ મંદિર આવેલું છે તેવા કંબોડિયા દેશના પાટનગર નોમ પેન્હ ખાતે બાર એસોસિએશન ઓફ ધી કિંગડમ ઓફ કંબોડિયાના યજમાનપદે આયોજિત બેક ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન લીગલ એઇડ" પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાર એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ પ્રશાંત કુમાર અને લો એશિયાના પ્રમુખ શ્યામ દિવાનની આગેવાનીમાં દેશના ધારાવીદોનું પ્રતિનિધિ મંડળ કંબોડિયા ખાતે આયોજિત આ મહત્વપૂર્ણ પરિષદમાં ભાગ લેવા અર્થે પહોંચ્યા હતા.

બાર એસોસિએશન ઓફ ઇન્ડિયાના નેશનલ એક્ઝિક્યુટિવ મેમ્બર અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી ભાવનાબેન જોષીપુરા આ પ્રતિનિધિ મંડળમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કંબોડિયા સર્વોચ્ચ અદાલતના પ્રમુખ ચીફ જસ્ટિસ ચિવ કેંગ દ્વારા કરવામાં આવ્યું હતું. ધારાશાસ્ત્રી અને પ્રથમ મહિલા મેયર ભાવનાબેન જોશીપુરાએ નિ:શુલ્ક અને સક્ષમ કાનૂની સહાયમાં સ્વૈચ્છિક સંસ્થાઓની ભૂમિકાના વિષય ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને ખાસ કરીને વર્તમાન સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે નિ:શુલ્ક અને સક્ષમ કાનૂની સહાયની જોગવાઈ કરવામાં આવી છે.

પરંતુ આ વ્યવસ્થા સાચા લાભાર્થીઓ સુધી કેવી રીતે પહોંચી શકે અને તેમાં સ્વૈચ્છિક સંસ્થાઓ ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે તે વિષય ઉપર વિચારો વ્યક્ત કર્યા હતા. લગ્ન વિષયક તકરારના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કાનૂન સંદર્ભે પ્રવર્તમાન સ્થિતિની છણાવટ પણ કરી હતી. કોન્ફરન્સમાં 30થી વધારે દેશના પ્રતિનિધિઓએ એ વિષય ઉપર ગંભીરતાપૂર્વક તારણ પર આવેલ કે સંસ્થાગત સ્તર ઉપર તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વાંગીણ પ્રયત્નો છતાં વિશ્વભરના બે તૃતીયાંશ લોકો હજુ પણ નિ:શુલ્ક અને સક્ષમ કાનૂની સહાય મેળવવામાં અનેકવિધ અવરોધોનો સામનો કરી રહેલ છે, જેની અંદર ખાસ કરીને લીગલ એડના ક્ષેત્રમાં ધારાશાસ્ત્રીઓની સંખ્યા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. 

આ ઉપરાંત સાચા લાભાર્થીઓ સુધી લીગલ એડની સુવિધાની જાણકારી આપવી ખૂબ જ જરૂરી માનવામાં આવી હતી, કંબોડિયામાં 2023 થી 2028 વર્ષ માટે નિ:શુલ્ક અને સક્ષમતાની  સહાય દરેક વ્યક્તિને મળી રહે તે માટે ખાસ યોજના બનાવેલી છે.કોન્ફરન્સમાં કંબોડિયા સરકારના સાતથી વધારે મંત્રાલયો પ્રત્યક્ષ સામેલ થયા હતા.

આ ઉપરાંત વિવિધ દેશોના ન્યાયમૂર્તિ ઓ ધારાશાસ્ત્રીઓ આંતરરાષ્ટ્રીય સંગઠનો, શૈક્ષણિક સંગઠનો યુનિવર્સિટીઓ સંયુક્ત રાષ્ટ્ર સંઘ વિકાસ કાર્યક્રમ, સંયુક્ત રાષ્ટ્ર સંઘ માનવ અધિકાર હાઇ કમિશનર ના પ્રતિનિધિ સહિત અલગ અલગ આંતરરાષ્ટ્રીય સ્તરના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. બાર એસોસિયેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ અને સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ધારાશાસ્ત્રી પ્રશાંત કુમારે આ પ્રસંગે સવિશેષ રીતે કાનૂની સહાયના પ્રકલ્પમાં ધારાશાસ્ત્રીઓની સહભાગીતાને સામાજિક ઉત્તરદાયિત્વની સંકલ્પના જણાવવાની સાથે ભારતમાં નિ:શુલ્ક અને સક્ષમ કાનૂની સહાય કેવી રીતે આપવામાં આવે છે તેની પૂરી વિગત આંતરરાષ્ટ્રીય મંચ ઉપર રજૂ કરી હતી. 

એશિયા ના ધારાશાસ્ત્રીઓના કેન્દ્રીય /પ્રમુખ સંગઠન લો એશિયાના પ્રમુખ શ્યામ દીવાને સમાજ જીવનના વંચિત વર્ગ માટે ન્યાય સહાયની વ્યવસ્થાને વધુ સક્ષમ બનાવવા પર ભાર મૂક્યો હતો. બોમ્બે હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ નીતિન ઠક્કર, ઉદય વરુંજીકર, કાયદા વિદ જે.પી. ગુપ્તા કર્ણાટક હાઈકોર્ટ બાર એસોસિએશનના શ્રીરંગા સહિત ભારતીય પ્રતિનિધિ મંડળમાં સભ્યો જોડાયા હતા.

♣વિશ્વભરના બે તૃતીયાંશ લોકો નિ:શુલ્ક અને સક્ષમ કાનૂની સહાય મેળવવામાં કરી રહ્યા છે અનેકવિધ અવરોધોનો સામનો: 30થી વધુ દેશના પ્રતિનિધિઓ હાજર રહ્યા

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj