રાજકોટ, તા.3
લઘુ ઉદ્યોગ ભારતી-સૌરાષ્ટ્ર સંભાગ આયોજીત આઇઆઇએફ-2025ના કારણે સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતને ડિફેન્સ અને મેડિકલ ડિવાઇસના ઉત્પાદન ક્ષેત્રે વિકાસ સાધવાની ઉજળી તકો ઉપલબ્ધ બનશે અને ઉદ્યોગ ગૃહો પોતાના વિકાસ સાથે દેશના વિકાસમાં પણ સહભાગી બની શકશે. એમ લઘુ ઉદ્યોગ ભારતીના મેન્ટર હંસરાજભાઇ ગજેરા અને એક્સ્પોના ચેરમેન ગણેશભાઇ ઠુંમરે જણાવ્યું હતું રાજકોટ ખાતે એક્સ્પોના લોન્ચીંગ સાથે તાજેતરમાં એમએસએમઇ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. એક્સ્પોમાં જોડાનાર સ્ટોલ હોલ્ડરોને સરકારની વિવિધ સ્કીમ અંતર્ગત મળવા પાત્ર સબસીડી પણ મળશે એવી જાહેરાત કરવામાં આવી હતી.
લઘુ ઉદ્યોગ ભારતી-સૌરાષ્ટ્ર સંભાગના મેન્ટર હંસરાજભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે, રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં ચાલીસથી વધુ પ્રકારની ઇન્ડસ્ટ્રી વિકસી છે પણ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના બહુ ઓછી કંપનીને મળી છે. કંપનીનાં બ્રાન્ડીંગનું મહત્વ સમજાવતા તેમણે કહ્યું કે વૈશ્ર્વિક સ્તરે બિઝનેસ વધારવા બ્રાન્ડ બનવું જરૂરી હોય છે. ઇન્ડીયા ઇન્ડસ્ટ્રીયલ ફેર-2025 આ જે તે ઉદ્યોગોની બ્રાન્ડને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રાન્ડીંગ માટેનું યોગ્ય પ્લેટફોર્મ બની રહેશે. તેમણે લોકોના આ ફેરમાં જોડાઇને પોતાના ધંધાના વિકાસ સાથે નવી રોજગારીનું સર્જન કરવા અનુરોધ કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતને તમામ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માગે છે તેમાં પણ ખાસ દેશની સરહદો સલામત રાખતા ડિફેન્સ ક્ષેત્રમાં આપણે સ્વાવલંબી બનીએ એ માટે તેમના પ્રયાસો છે. શસ્ત્ર સરંજામ પાછળ ખૂબ મોટું હુંડિયામણ આપણે ચૂકવીએ છીએ ત્યારે ભારતમાં શસ્ત્રો અને ડિફેન્સને લગતી વિવિધ વસ્તુઓ બને એ માટે વર્તમાન સરકાર દ્વારા ખૂબ સાથ-સહકાર મળી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના ઉદ્યોગો પોતાના મૂળ ઉદ્યોગ સાથે ડિફેન્સ અને મેડિકલ ડિવાઇસના ઉત્પાદન ક્ષેત્રે પણ આગળ વધે તો પોતાના બિઝનેસના વિકાસ સાથે દેશસેવામાં તેમનું યોગદાન આપી શકશે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથિરીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે ઓટોમોબાઇલ સાથે મેડિકલ ડિવાઇસ ઉત્પાદન માટે બહુ મોટો સ્કોપ છે. તેમણે ઇન્જેક્શન, સ્ટેથોસ્કોપ, એન્ડોસ્કોપીના દૂરબીન, ઓપરેશન થીયેટરના વિવિધ સાધનો વગેરે મેડીકલ ક્ષેત્રમાં ઉપયોગી સાધનોના ઉત્પાદન સાથે રોજગારીની નવી તકો ઉભી થશે એમ કહ્યું હતું.
આઇઆઇએફ-2025ના ચેરમેન ગણેશભાઇ ઠુંમરે એક્સ્પોના ફાયદા ગણાવતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના ઉદ્યોગ ગૃહોને પોતાની પ્રોડક્ટ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્વતર પર પ્રદર્શીત કરવાની તક ઘરઆંગણે અમોએ ઉપલબ્ધ બનાવી છે. એક્સપોસમાં જોડાનાર સ્ટોલ હોલ્ડરોને સરકારની સબસીડી પણ નિયમપ્રમાણે મળવા પાત્ર છે.
આ પ્રસંગે આર.એસ.એસ.ના પ્રાંત સંઘ ચાલકજી મુકેશભાઇ મલકાન પ્રાંત સહવ્યવસ્થા પ્રમુખ ડો. નરેન્દ્રભાઇ દવે, પ્રાંત કાર્યકારીણી સદસ્ય સેવા ભારતી ગુજરાતના કિશોરભાઇ મુંગલપરા, રાજકોટ મહાનગર સહ સંઘચાલકજી ડો. જીતેન્દ્ર અમલાણી, સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક મહેશભાઇ જીવાણી, લઘુ ઉદ્યોગ ભારતીના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ બલદેવભાઇ પ્રજાપતિ, રાષ્ટ્રીય સહમંત્રી શ્યામજી સલુજા, ગુજરાત પ્રદેશ મહામંત્રી ઇશ્ર્વરભાઇ સઝન, સૌરાષ્ટ્ર સંભાગ પ્રમુખ દિનેશભાઇ ડાંગરીયા, ઉદ્યોગપતિ રમેશભાઇ ટીલાળા તેમજ રાજકોટના વિવિધ ઔદ્યોગિક એસો.ના પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
► લઘુ ઉદ્યોગ ભરતી સૌરાષ્ટ્ર સંભાગ આયોજીત ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીઝે ફેર-2025ના લોન્ચીંગ અને એમ.એસ.એમ.ઈ. સેમીનારની તસ્વીરી ઝલક.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy