રાજકોટ, તા. 19
નવા નાણાંકીય વર્ષના બજેટને વાસ્તવિકતાથી ઘણુ દુર ગણાવીને કોંગ્રેસે નવા વર્ષમાં શાસકો યોજનાઓ પૂરી કરી શકે તેવી પ્રાર્થના કરીને વિપક્ષના સહકાર માટે ખાતરી આપી હતી અને અધુરી યોજના મામલે તેઓ ખોટા હોય તો કાયદેસર કાર્યવાહી કરવા પડકાર ફેંકયો હતો.
વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા બનાવવામાં આવતા બજેટ ફક્ત વાહ-વાહ મેળવવા માટે કરતા હોય તેવું લાગી રહ્યું છે પરંતુ બજેટ વાસ્તવિકતાથી ખૂબ જ દૂર હોય છે.
(1) રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે ઓવરબ્રિજ બનાવવા માટે વર્ષ 2023/ 24 ના બજેટમાં 10 કરોડની જોગવાઈ કરી જે આજ સુધી બન્યો નથી ઉપરાંત નવા 2025 /26 ના બજેટમાં પણ સમાવેશ કર્યો નથી. (2) પી.ડી.એમ. કોલેજ ફાટક બ્રિજ નું કામ જે 2023 /24 ના બજેટમાં સમાવેશ કર્યું ત્યાર પછી ના એટલે કે 2024 /25 ના બજેટમાં પણ કર્યું હતું.
તો આ બ્રિજ હજુ બન્યો નથી પરંતુ નવા વર્ષના બજેટમાં પણ ઉલ્લેખ નથી. (3) કટારીયા ચોકડી બ્રિજનું કામ વર્ષ 2023/ 24 ના બજેટમાં સમાવેશ કર્યો હતો ત્યાર પછીના વર્ષ 2024 /25 માં કોઈ ઉલ્લેખ નથી.
(4) આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ નું કામ 2024 /25 ના વર્ષના બજેટમાં 18700 લાખની જોગવાઈ કરી હતી ત્યારબાદ 2025 /26 ના વર્ષ ના બજેટમાંથી રીવર ફ્રન્ટ જ ગાયબ થઈ ગયો છે. એન્વાયરમેન્ટ ક્લિયરન્શ મળી ગયું છે તો કેમ કામ કરતા નથી અને જો ના મળ્યું હોય તો શા માટે ડ્રેનેજ ની ગંદકી આજી નદીમાં નાખવામાં આવે છે તેનો યોગ્ય માર્ગ કાઢી રિવરફ્રન્ટ બનાવવો જોઈએ.
(5) આજી 1 ડેમ સાઈટ ખાતે 150 એમએલડી ફિલ્ટર પ્લાન્ટ બનાવવા માટે 15188 લાખની જોગવાઈ 2023/ 24 ના વર્ષમાં કરી હતી પરંતુ નવા બજેટમાં કોઈ ઉલ્લેખ નથી
વશરામભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, (6) ન્યારી 1 ડેમ સાઇટ ખાતે 150 એમએલડી કેપેસિટી નો ફિલ્ટર પ્લાન્ટ બનાવવા માટેની વર્ષ 2024/25 ના બજેટમાં 15184 લાખની જોગવાઈ કરવામાં આવી હતી તપાસ કરતાં જાણવા મળ્યું કે હજુ સુધીમાં જમીન જ મળી નથી તો પ્લાન્ટ ક્યાંથી બને (7) ન્યારી 1 સાઈટ ખાતે ઇનટેક વેલ બનાવવાનું કામ ની જોગવાઈ રૂ.1463 લાખ ની વર્ષ 2024 25 માં કરી હતી પરંતુ હજુ જમીન મળી નથી.
(8) માધાપર પાસે કોમ્યુનિટી હોલ બનાવો બનાવવા માટેનું કામ કરવા 5 કરોડની જોગવાઈ 2024 25 ના બજેટમાં કરી પણ ક્યાંય બન્યો નહીં. (9) કિશોરસિંહ સ્કૂલ અને વિક્રમ સારાભાઈ સ્કૂલને મોડર્ન સ્કૂલ (આધુનિક સ્કૂલ) બનાવવા માટે 2024 /25 માં 2 બે કરોડ જેવી રકમ ની જોગવાઈ કરી પણ બની નથી.
(10) આજી. જી.આઇ.ડી.સી. પાસે બ્રિજ બનાવવા ની જોગવાઈ 4 કરોડની કરી પણ બન્યો નથી (11) મોરબી રોડ અને માધાપર પાસે સ્મશાન બનાવવા માટેના કામ 4.5 કરોડની જોગવાઈ 2024/ 25 ના બજેટમાં થઈ પણ કાંઈ કામ થયું નથી. (12) દરેક ઝોનમાં પાર્ટી પ્લોટો બનાવવા મધ્યમ વર્ગના લોકોને ફાયદો થાય તેના માટે 2024 25 ના બજેટમાં 1.5 કરોડની જોગવાઈ કરી પરંતુ કામ ક્યારે થશે.
ખોખડદળ નદી અને સ્માર્ટ સીટીને જોડતા રોડ પર બ્રીજ, ઈસ્કોન મંદીર સામે રીંગરોડ પર ફાયર બ્રિગેડ, ત્રણ નવી એનીમલ હોસ્ટેલ, ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાયન સ્ટેચ્યુ વગેરે કામ થયા નથી. 2024 /26અને 2023/24 ના બજેટમાં ટોટલ કામોમાંથી 55 થી 58 % જ કામો થયા છે તો આવું અ વાસ્તવિક બજેટ બનાવવાનું કારણ શું?
ટેક્સમાં વધારો નહીં કરી વાહ વાહ ખાટવા નીકળેલા ભાજપના શાસકો પહેલા કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની અને ભાજપના મોટા મોટા વગદારોનો બાકી ટેક્સ ઉઘરાવો તો એક વર્ષ સુધી રાજકોટની જનતાને વીજળી પાણી અને ટેક્સ મફતમાં મળે તેટલા રૂપિયા બાકી છે હિંમત હોય તો ઉઘરાવી જોવો તેવો પડકાર ફેંકયો છે. આ રીતે બજેટ વાસ્તવિકતાથી ખુબ દુર હોવાનું વશરામભાઇએ કહ્યું હતું.
10 કોર્પોરેટરો ગેરહાજર : અધ્યક્ષ સ્થાનેથી બે ઠરાવ
સ્થાનિક ચૂંટણીમાં જીત બદલ મુખ્યમંત્રીને અભિનંદન
રાજકોટ, તા. 19
આજના જનરલ બોર્ડમાં ભાજપના 9 કોર્પોરેટર અને અન્ય એક કોર્પોરેટર ગેરહાજર હતા. બજેટ અને એક રાષ્ટ્ર એક ચૂંટણીના ઠરાવ કોંગ્રેસના ટેકાથી સર્વાનુમતે મંજૂર થયા હતા. તો પાલિકાની ચૂંટણીમાં જીત બદલ અભિનંદન ઠરાવ ભાજપની બહુમતીથી પસાર કરાયો હતો.
આજના બોર્ડમાં મંત્રી ભાનુબેન બાબરીયા ગેરહાજર હતા. તો પ્રીતિબેન દોશી, અશ્વિન પાંભર, કંચનબેન સિધ્ધપુરા, રસીલાબેન સાકરીયા, રવજીભાઇ મકવાણા, ડો. દર્શિતાબેન શાહ, કાળુભાઇ કુગસીયા, પુષ્કરભાઇ પટેલના રજા રીપોર્ટ હતા. અન્યમાંથી વજીબેન ગોલતર ગેરહાજર હતા.
કુલ 72માંથી 62 સભ્યો હાજર હતા. અધ્યક્ષસ્થાનેથી બે ઠરાવ હતા. ચેતનભાઇ સુરેજાએ નીતિનભાઇ રામાણીના ટેકાથી ચૂંટણીમાં જીત બદલ મુખ્યમંત્રીને અભિનંદન આપતો ઠરાવ રજૂ કર્યો હતો તો નિલેશ જલુએ ભારતીબેન મકવાણાના ટેકાથી એક રાષ્ટ્ર, એક ચૂંટણી અંગે પ્રસ્તાવ મૂકયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy