ૐ જામદગ્નાય વિદ્મહે મહાવીરાય ધીમહિ, તન્નો પરશુરામ: પ્રચોદયાત

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભગવાન પરશુરામ જયંતીની ઉજવણી : ઠેર ઠેર સ્થળે શોભાયાત્રા

Saurashtra, Dharmik | Rajkot | 10 May, 2024 | 12:17 PM
સવારે મહાઆરતી પૂજન બાદ બપોરે અન્નકૂટ દર્શન : સાંજે વાજતે ગાજતે માર્ગો ઉપર શોભાયાત્રા બાદ મહાઆરતી- મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો થકી ‘જય પરશુરામ’નો નાદ ગુંજી ઉઠયો : રાજકોટ, અમરેલી, જુનાગઢ, કેશોદ, મોરબીમાં ભૂદેવોએ આરાધના કરી
સાંજ સમાચાર

રાજકોટ, તા. 10
આજે અખાત્રીજ-અક્ષય તૃતિયાના દિને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા આરાધ્ય દેવ બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામ ભગવાનના પ્રાગટય દિને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ઠેર ઠેર સ્થળોએ પરશુરામ મંદિર આરતી, પૂજન, છપ્પન ભોગ, મહાપ્રસાદ સાથે વાજતે-ગાજતે સુશોભિત ફલોટ સાથે શોભાયાત્રા સહિતના ધાર્મિક  કાર્યક્રમોનું બ્રહ્મસમાજના વિવિધ મંડળો-સંસ્થા ગ્રુપ દ્વારા થયા છે. 

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અંશાવતાર પરશુરામ ભગવાનની વાત કરીએ તો વૈશાખ સુદ ત્રીજની પાવન તિથિએ વિષ્ણુ આવ્યા. ભગવાનના છઠ્ઠા અંશાવતાર ગણાતા ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. તેમના પ્રચંડ અને વિરાટ વ્યકિતત્વનો પરિચય ભગવદ્ ગોમંડળમાંથી મળે છે, તદ્યઅનુસાર વિશ્વામિત્રના જુહુ કુળના ઋષિ જમદગ્નિ અને ઇકવાકું વંશની રાજકન્યા રેણુકાના પુત્રોમાં સૌથી નાના પુત્ર રામ(પરશુરામ) હતા.

એક દિવસ રેણુકા સ્નાન કરવા નદીએ ગઈ હતી. ત્યાં તેણે રાજા ચિત્રરથને પોતાની સ્ત્રી સાથે જલઠ્ઠીડા કરતો જોયો અને કામવાસનાથી ઉદ્વિગ્ન થઈ ઘેર આવી. તેની આ દશા જોઈને જમદગ્નિ બહુ જ ગુસ્સે થયા અને પોતાના પુત્રોને રેણુકાનો વધ કરવા આજ્ઞા કરી, પરંતુ સ્નેહવશને લીધે કોઈનાથી તેમ થઈ શક્યું નહીં.

એવામાં પરશુરામ આવ્યા. પરશુરામે આજ્ઞા મળતાં જ માતાનું મસ્તક કાપીનાખ્યું તેથી જમદગ્નિએ પ્રસન્ન થઈને વરદાન માગવાનું કહ્યું પરશુરામે કહ્યું કે, પહેલાં તો મારી માતાને સજીવન કરો, પછી એ વરદાનો આપો કે, હું પરમાયુ પ્રાપ્ત કરૂં અને યુદ્ધમાં મારી સામે કોઈ ટકી શકે નહીં. જમદગ્નિએ તેમ જ કર્યું.બાળપણમાં રેણુકા માતાના હાથ નીચે તેણે શિક્ષણ લીધું હતું. ભીષ્મ અને દ્રોણાચાર્ય અને સૂર્યપુત્ર કર્ણએ પણ પરશુરામ પાસેથી ધનુરર્વિદ્યાનું શિક્ષણ લીધું હતું.

ભગવાન શિવે પરશુરામને પોતાનું ત્રયંબક નામનું ધનુષ આપીને કહ્યું હતું કે, જયારે એ ધનુષ ભાંગશે ત્યારે તારું તેજ જશે અને રામાવતાર થશે. આ શિવવાણી ત્રેતાયુગને અંતે સિદ્ધ થઈ હતી. રાજકોટ શહેરમાં ત્રિકોણબાગ, બહુમાળી ચોક વિસ્તારમાં બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવ ઉજવવા આકર્ષણ પંડાલમાં ભગવાન પરશુરામની સ્થાપના કરી છે. બ્રહ્મસેના દ્વારા શોભાયાત્રાનું સવારે આયોજન કરાયું છે. 

આ શોભાયાત્રા પાણીના ઘોડા, પેડક રોડથી શરૂ થઇ પટેલ વાડી, ભાવનગર રોડ, પાંજરાપોળ, ગરૂડની ગરબી,  રામનાથપરા, હાથીખાના પેલેસ રોડ, ભુપેન્દ્ર રોડ, બાલાજી મંદિર, મોટી ટાંકી ચોક, જિલ્લા પંચાયત, બહુમાળી ભવન,  ચૌધરી હાઇસ્કુલ થઇને પંચનાથ મંદિરે સમાપન થશે.

જયારે પરશુરામ જન્મોત્સવ સમિતિ ત્રિકોણબાગ દ્વારા પંચનાથ મહાદેવ મંદિરથી ત્રિકોણબાગ, માલવીયા ચોક,  યાજ્ઞિક રોડ, જિ.પં. ચોક, કિસાનપરા ચોક, હનુમાન મઢી ચોક, રૈયા ચોકડી, પરશુરામ ધામ સુધી પસાર થશે. બ્રહ્મસમાજની વિવિધ પાંખ દ્વારા ભગવાન પરશુરામની પૂજન, અર્ચન, મહાઆરતી, શોભાયાત્રા સાથે ઉજવણી કરવામાં આવી છે. 

અમરેલી
ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા આરાધ્ય દેવ બ્રાહ્મણોના આરાઘ્ય દેવ શ્રી પરશુરામ ભગવાનનો પ્રાગટય દિવસ એટલે અક્ષર તૃતીયા (અખાત્રીજ)ના પવિત્ર દિવસે ભૂદેવો ઘ્વારા અનેકવિધ કાર્યઠ્ઠમોનું જિલ્લાના તમામ તાલુકા મથકોએ આયોજન કરવામાં આવ્યું છે, તેમજ અમરેલી શહેરમાં જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ ઘ્વારા દાદાની જન્મજયંતિ નિમિતે સાંજે 5 કલાકે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા પણ નીકળનાર છે.

સવારે 8  કલાકે પરશુરામ દાદાનું પુજન, બપોરના 12 કલાકે પરશુરામ મંદિર ખાતે આરતી તથા અન્નકોટના દર્શન તેમજ સાંજના પ કલાકે શોભાયાત્રા શરૂ થશે તેમજ શોભાયાત્રા 7:30 કલાકે પુર્ણ  થતા મહાઆરતીનું આયોજન કરેલ છે.

ભગવાનશ્રી પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા આજે સાંજે પ કલાકે નાગનાથ મંદિર થઇ રાજકમલ ચોક થઇ લક્ષ્મીનારાયણ મંદિર, એસ.ટી. ડેપો, સ્ટેશન રોડ થઈ પરશુરામમંદિર રેલ્વે સ્ટેશન પાસે શોભાયાત્રાનું સમાપન થશે. આ શોભાયાત્રામાં વિવિધ વેપારી સંગઠનો ઘ્વારા તેમજ સંસ્થાઓ ઘ્વારા ઠંડા-પીણા તેમજ પાણીની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે.

ત્યારબાદ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પરશુરામ જન્મોત્સવ અંતર્ગત છેલ્લા કેટલાક દિવસોથી ભૂદેવો ઘ્વારા અનેકવિધ સમિતિઓ બનાવી અને સમિતિઓને કામગીરી સોંપવામાં આવેલ હતી. 

આ ભવ્યાતિભવ્ય શોભાયાત્રાને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજ યુવા પાંખ, મહિલા પાંખ, જિલ્લા પાંચ દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યું છે. તેમ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ મુકુંદભાઇ મહેતા તથા મહામંત્રી ભગીરથ ત્રિવેદીની યાદી જણાવે છે.

કેશોદ
આજે  ભુદેવો ના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામ ની જન્મ જયંતિની ભવ્ય  ઉજવણીને  લઇને ગઇકાલે સાંજે એક બાઈક રેલી જુનાગઢ અને કેશોદમાં યોજવામાં આવી હતી અને તે રેલી શહેરના તમામ માગોે પર ફરી હતી ત્યારે હવે  આજે  સાંજના પાંચ વાગ્યે કેશોદમાં ભવ્ય પરશુરામ ભગવાનની શોભાયાત્રા નિકળશે  અને તેમાં મોટી સંખ્યામાં ભુદેવો ઉપસ્થિત રહેશે અને તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

મોરબી
મોરબીમાં આજે પરશુરામ જન્મ જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે અને પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સાંજે પરશુરામ જયંતી નિમિતે શોભાયાત્રા યોજાશે અને ત્યાર બાદ પરશુરામ ધામ મંદિર ખાતે મહા આરતી અને મહા પ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જયંતિની પૂર્વ સંધ્યાએ પરશુરામ ધામ ખાતે દાંડિયા રાસનુ આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ પરશુરામ જયંતિ નિમિતે મોરબીમાં દર વર્ષની જેમ મોરબીના મુખ્ય માર્ગો પર ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને વાઘપરા શેરી નંબર-14 માં આવેલ ગાયત્રી મંદિરથી શોભાયાત્રા બપોરે ચારે વાગ્યે શરૂ કરવામાં આવશે.

મોરબીના નવલખી ફાટક પાસે આવેલ પરશુરામ ધામ ખાતે શોભાયાત્રાને પૂરી કરવામાં આવશે ત્યાર બાદ ત્યાં મહાઆરતી અને મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાર બાદ આગામી વર્ષ માટેની પરશુરામ યુવા ગ્રૂપની ટીમને જાહેર કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઈ જોષી તેમજ ચિંતનભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ, જયદીપભાઈ મહેતા, નયનભાઈ પંડ્યા, ઋષિભાઇ મહેતા, રોહિતભાઈ પંડ્યા, અમૂલભાઈ જોષી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ ધામ ખાતે પરશુરામ જયંતિની પૂર્વ સંધ્યાએ દાંડિયા રાસનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ પરિવારો જોડાયા હતા અને દાંડિયા રાસ બાદ પ્રસાદ નો લહાવો લીધો હતો. 

પરશુરામ જયંતિ હોવાથી મોરબીના મુખ્ય માર્ગો પર ભગવાનશ્રી પરશુરામજીની ભવ્ય શોભા યાત્રા યોજાશે જે મોરબીના વાઘપરા 14 ગાયત્રી મંદિરથી શરૂ થઈ નવલખી ફાટક પરશુરામ ધામ સુધી જશે.આ સમગ્ર આયોજનમાં મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઈ જોષી, ચિંતનભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ, જયદીપભાઈ મહેતા, નયનભાઈ પંડ્યા, ઋષિભાઇ મહેતા, રોહિતભાઈ પંડ્યા, અમૂલભાઈ જોષી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. 

જુનાગઢ
આજે વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજના ભગવાન પરશુરામજીના જન્મોત્સવની ભાવ સાથે સોરઠ જીલ્લામાં ઉજવણી કરવામાં આવી રહી છે. જુનાગઢમાં સાંજે ભુતનાથ મંદિર નજીકના ગ્રાઉન્ડ ખાતે સમુહ ભોજન (મહાપ્રસાદ)નું  આયોજન કરવામાં આવ્યું છે ગત સાંજે પૂર્વ સંધ્યાએ બાઇક રેલી, મહાઆરતી યોજાઇ હતી. 
આજે અખાત્રીજના શુભ દિને બ્રાહ્મણોના દેવતા ભગવાન પરશુરામનો જન્મોત્સવમાં આરતી-મહાઆરતી બાદ બપોરના 4 કલાકે તળાવ દરવાજા નજીકના જાગનાથ મંદિરથી શોભાયાત્રા નીકળશે.

જેમાં હજારોની સંખ્યામાં  ભાઇ બહેનો, અબાલ વૃધ્ધ, યુવાનો-યુવતીઓ, મહિલાઓ બાળકો ઉમટી પડશે. વહેલી સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સોરઠ જીલ્લામાં ગામે ગામ શહેરે શહેરમાં યોજવામાં આવી રહ્યા છે. આજે બપોર બાદ જુનાગઢમાં વિવિધ ફલોટસ જોડાશે. સુરીલા બેન્ડવાજા સાથે શોભાયાત્રામાં પરંપરાગત ડ્રેસ સાથે જાગનાથ મંદિરથી શોભાયાત્રામાં જોડાશે.  સાંજે ભુતનાથ મંદિર ખાતે સંપન્ન થશે. જયાં રાત્રે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. 

ભાવનગર
આજે ભગવાન પરશુરામ જન્મોત્સવની ભાવનગરમાં ભવ્ય ઉજવણી થઈ હતી.  ભાવનગર શહેરમાં આજે સવારે ભગવાન પરશુરામ જન્મ જયંતી નિમિત્તે શહેરના કાળિયાબીડ સદગુરુ આશ્રમથી ભવ્ય શોભા યાત્રા નીકળી હતી જેમાં બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો  મોટી સંખ્યામાં જોડાયા હતા.

સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આજે પરશુરામજી જન્મોત્સવની સણોસરામાં ઉજવણી થઈ હતી.આ પ્રસંગે શોભાયાત્રા તથા મહાપ્રસાદ માટે અગ્રણીઓ દ્વારા આયોજન કરવામાં આવેલ. અક્ષય તૃતિયા પરશુરામજી જન્મોત્સવની સણોસરામાં ભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ હતી. સણોસરા પંથક સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા થયેલાં આયોજન મુજબ શોભાયાત્રા, ધર્મસભા તથા મહાપ્રસાદ માટે અગ્રણીઓ કાર્યકર્તાઓનું સંકલન કરવામાં આવ્યું હતું.

સિહોરમાં ભગવાન પરશુરામ જયંતીની તા.10ને શુક્રવારે બંધન પાર્ટી પ્લોટ સિહોર ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાશે જેમાં સવારે 7:30થી 8:30 સુધી પૂજનવિધિ, સવારે 8:30 કલાકે ખારાકૂવા ચોકથી બંધન પાર્ટી પ્લોટ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સવારે 10 કલાકે મહાઆરતી, 10:40થી 11:30 બ્રહ્મસભા અને 11:30થી બ્રહ્મચોર્યાશી પ્રસાદ.શોભાયાત્રા દરમ્યાન કલશધારી કન્યાઓ, વિપ્રવર્યોના મંત્રોચ્ચાર, ડીજેના તાલે રાસ-ગરબા, બ્રહ્મ બટુકોની વેશભૂષા, હનુમાનજી અને શિવજીના વેશ સહિત નૃત્યો, ગગનભેદી જય ગર્જનાઓ કરવામાં આવેલ.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj