વડોદરા, તા. 26
વડોદરાના માંજલપુરમાં ચાલી રહેલા રોયલ મેળામાં મોટી દુર્ઘટના થતા ટળી હતી. હેલિકોપ્ટરની એક નાના બાળકોની રાઇડમાં અચાનક લોક ખુલી જતા બાળકો નીચે પટકાયા હતા. ત્યાં હાજર સૌ કોઈએ બૂમરાડ કરીને તાત્કાલિક રાઈડ બંધ કરાવી દીધી હતી. આ ઘટનામાં ચાર બાળકોને સામાન્ય ઈજા થઈ છે. તંત્ર પણ દોડતું થયું હતું અને હાલ આ રાઈડ બંધ કરી દેવામાં આવી છે.
માંજલપુરમાં હાલ રોયલ નામથી મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં દરરોજ મોટી સંખ્યામાં લોકો પહોંચતા હોય છે. તેવામાં બુધવારે સાંજે આ મેળામાં નાના બાળકોની રાઈડમાં લોક ખુલી ગયું હતું. નાની હેલિકોપ્ટર વાળી રાઈડમાં બાળકો બેઠા હતા અને અચાનક આ રાઈડમાં એક હોલિકોપ્ટરનું લોકો ખુલી ગયું હતું. એક બાળકી નીચે પડતા લોકોએ બુમરાણ કરી હતી. રાઈડ ચલાવનારે તરત જ રાઇડ બંધ કરી દીધી હતી. ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો હતો.
રોયલ મેળામાં આવેલા જયેશભાઈએ જણાવ્યું હતું કે, આ જે રાઇડ ચાલતી હતી હેલિકોપ્ટરની એમાં ઓવર સ્પીડિંગ થઈ ગઈ તો અમે ઓપરેટરને બૂમ મારી પણ, એ ભાગી ગયો હતો. છોકરાઓ બધા નીચે પડવા માંડ્યા હતા. એટલે અમે હેલિકોપ્ટર પકડીને પછી વાયર ખેંચી અને રાઈડ બંધ કરી હતી. આશરે ત્રણથી ચાર છોકરાઓ પડ્યા હતા. બધાને વાગ્યું હતું. જેમાં ત્રણથી ચાર વર્ષના બાળકો હતા.
અન્ય એક મહિલાએ જણાવ્યું હતું કે, છોકરાઓને રાઈડમાં બેસાડ્યા હતા અને આ લોકોએ એકદમ ફુલ સ્પીડ કરી દીધી હતી અને છોકરાઓ ચાલુ રાઈડમાં પડવા માંડ્યા હતા. દરવાજા પણ ખુલી પડ્યા હતા. લગભગ ત્રણથી ચાર બાળકો પડ્યા હતા.
હાલ સમગ્ર મામલે રોયલ મેળાના સંચાલક હેમરાજ મોરેએ જણાવ્યું હતું કે, બાળકો રાઈડમાં બેઠા હતા. કેટલાક બાળકો તોફાન કરતા દરવાજો ખુલી ગયો હતો. જ્યારે વાલીઓએ પણ હોબાળો કરતા ઓપરેટર ગભરાઈને ભાગી ગયો હતો. તમામ રાઈડનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. આ ઘટના ઘટી તેનું અમને દુ:ખ છે તમામ મુલાકાતીઓને રિફંડ કરી દેવાયું છે. સમગ્ર રાઈડનું લાઇસન્સ પણ અમે લીધેલું છે.
ઘટના સ્થળે આવી પહોંચેલા જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલે જણાવ્યું હતું કે, રોયલ મેળા ના સુપરવાઇઝર અને ઓપરેટરની અમે અટકાયત કરી છે. સુપરવાઇઝર હેમરાજ મોરે અને હેલિકોપ્ટર રાઈડના ઓપરેટરની અટકાયત કરી છે.
મેળામાં રાઈડ્સ માટે લેવાની જરૂરી પરવાનગી લેવામાં આવી છે કે નહીં તે દિશામાં પણ તપાસ થશે. મેળાની આડમાં જુગાર ધામ ચાલતું હોવાની પણ આશંકા છે તે દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરશે તેમ જણાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy