રૂપાલા વિવાદથી રાજકીય લાભ લેવાના બદલે કોંગ્રેસમાં આંતરિક ટાંટીયાખેંચ

શહેર કોંગ્રેસની બેઠકમાં તડાફડી : સોરાણી સહિત ડઝન આગેવાનોનો વોકઆઉટ

Saurashtra, Politics | Rajkot | 02 April, 2024 | 04:07 PM
ઈન્દ્રનીલ રાજયગુરૂએ બોલાવેલી બેઠકમાં મહેશ રાજપૂત, ડો. વસાવડા, ગાયત્રીબા સહિતના આગેવાનોને નહીં તેડાવાયા મામલે આંતરિક ડખ્ખો: કાર્યકરો સ્તબ્ધ
સાંજ સમાચાર

રાજકોટ,તા.2
લોકસભાની ચૂંટણી માટેના કોંગ્રેસના રાજકોટના ઉમેદવાર હજુ જાહેર થયા નથી અને પ્રચારકાર્ય પણ શરૂ થયુ નથી ત્યાં પાર્ટીમાં આંતરિક ડખ્ખા શરૂ થઈ ગયા હોય તેમ શહેર કોંગ્રેસ કાર્યાલય પર યોજાયેલી બેઠકમાં બબાલ થઈ હતી. કોર્પોરેશનના વિપક્ષી નેતાના પતિ પ્રવિણ સોરાણી તથા અન્ય કેટલાક કાર્યકરો અધવચ્ચે જ બેઠક છોડી ગયા હતા. બેઠકમાં પાર્ટી આગેવાનોને આમંત્રણ નહીં અપાતા આ ઘટનાક્રમ સર્જાયાની ચર્ચા છે.

લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર જાહેર થવા બાકી છે છતાં પાર્ટી દ્વારા બૂથ લેવલથી માંડીને અનેકવિધ તૈયારીઓ કરવામાં આવી જ રહી છે. પુર્વ ધારાસભ્ય અને પ્રદેશ નેતા ઈન્દ્રનીલ રાજયગુરુએ આજે શહેર કોંગ્રેસની બેઠક બોલાવી હતી પરંતુ મહેશ રાજપૂત, ડો. હેમાંગ વસાવડા, અશોકસિંહ વાઘેલા, ગોપાલ અનડકટ, ગાયત્રીબા વાઘેલા સહિતના આગેવાનોને આમંત્રણ નહી આપતા મુદો ઉઠયો હતો અને તેમાં આંતરિક તડાફડી સર્જાતા વિપક્ષી નેતાના પતિ પ્રવિણ સોરાણી તથા અન્ય એકાદ ડઝન કાર્યકરો અધવચ્ચેથી જ બેઠક છોડી ગયા હતા.

સૂત્રોએ એમ કહ્યું કે શહેર કોંગ્રેસની મીટીંગના સંદેશા ગઈ સાંજે પાઠવવામાં આવ્યા હતા જે અંતર્ગત આગેવાનો-કાર્યકરો રેસકોર્ષ સ્થિત કાર્યાલયે પહોંચ્યા હતા. બેઠકના પ્રારંભે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ બુથ કમીટી રચવા સહિતની કામગીરી કરવા માટે આહવાન કર્યુ હતું. આ તકે પ્રવિણ સોરાણીએ પાર્ટીના આગેવાનોની ગેરહાજરીનો મુદો ઉઠાવ્યો હતો અને તેને પગલે આંતરિક તડાફડી બોલી ગઈ હતી.

પ્રવિણ સોરાણીએ વાતચીતમાં કહ્યું કે, મહેશ રાજપૂત, ડો. વસાવડા સહિતના અર્ધોડઝન આગેવાનો ન હોવા વિશે પોતે સવાલ કર્યો હતો ત્યારે ઈન્દ્રનીલ રાજયગુરુએ ‘તે જોવાનુ તમારુ કામ નથી’ તેમ કહીને બેસી જવા ઈશારો કર્યો હતો ત્યારે પોતે એમ કહ્યુ કે ‘તો આ બેઠક કોંગ્રેસની નહીં પણ ઈન્દ્રનીલની લાગે, આવુ ન ચાલે’ ત્યારે પુર્વ ધારાસભ્યએ એવો તોછડો જવાબ આપ્યો હતો કે ‘આમ જ ચાલશે, બેસવુ ન હોય તો નિકળી જવાની છુટ્ટ છે’. આવા જવાબ પછી પોતે અને અન્ય 15 જેટલા આગેવાન કાર્યકરો નિકળી ગયા હતા.

શહેર કોંગ્રેસની બેઠકમાં તડાફડીને પગલે કાર્યકરો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. જો કે, સોરાણી અને કેટલાક કાર્યકરો નિકળી ગયા બાદ બેઠક આગળ ચાલી હતી. કેટલાંક કાર્યકરો કાર્યાલયની બહાર જ રહ્યા હતા.

કોંગ્રેસમાં ચુંટણી પુર્વે જ આંતરિક મતભેદો સપાટી પર આવ્યા છે. ભાજપમાં રૂપાલા વિવાદનો રાજકીય લાભ લેવાના બદલે આંતરિક ઝઘડામાંથી બહાર આવતા ન હોવાનો પણ પાર્ટીમાં ગણગણાટ હતો.

 

કોંગ્રેસનીં નહીં; ઇન્દ્રનીલની બેઠક યોજાયાનો ઘાટ હતો: પ્રવિણ સોરાણી
કોંગ્રેસ નેતા પ્રવિણ સોરાણીએ વાતચીતમાં જણાવ્યું હતું કે પાર્ટીની મીટીંગમાં અન્ય આગેવાનોમી અનુપસ્થિતિ અને આમંત્રણ નહીં અપાયાનો મુદ્ો ઉઠાવતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ‘આમ જ ચાલશે’નો જવાબ આપ્યો હતો. આ બેઠક કોંગ્રેસની છે કે ઇન્દ્રનીલની તેવું મેં પૂછયું હતું ત્યારે પૂર્વ ધારાસભ્યએ ‘આમ જ ચાલશે’નો જવાબ આપ્યો હતો. કોર કમીટીના સભ્યો જ હાજર ન હોય તેવી મીટીંગનો શું અર્થ? તેવો સવાલ પ્રવિણ સોરાણીએ ઉઠાવ્યો હતો.

 

ઇન્દ્રનીલ-સોરાણી વચ્ચે ‘વેર’ જુનું!
કોંગ્રેસમાં જ થઇ રહેલી ચર્ચા પ્રમાણે આજની બેઠકમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ તથા પ્રવિણ સોરાણી વચ્ચે તડાફડી થઇ હતી પરંતુ તેમાં કોઇ નવાઇ નથી કારણ કે બન્ને વચ્ચે દુશ્મનાવટ જુની છે. પ્રવિણ સોરાણીના ધર્મપત્નીને કોર્પોરેશનમાં વિપક્ષી નેતા બનાવવાનું નક્કી થયું હતું ત્યારે ઇન્દ્રનીલે તેમને ફોન પર દાવો પાછો ખેંચવા કહ્યું હતું તેની ઓડિયો ક્લીપ વાઇરલ થઇ હતી અને ત્યારે જબરો આંતરિક વિવાદ સર્જાયો હતો. ત્યારથી બન્ને વચ્ચે નોર્મલ સંબંધ શક્ય નહીં બન્યાની ચર્ચા છે અને હવે આજની ઘટનાથી વિવાદ વધુ વકરવાની ભીતિ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj