રાજકોટના બોગસ દસ્તાવેજ કૌભાંડમાં કોમ્યુટર ઓપરેટર ચાર દિવસના રિમાન્ડ પર: સીટની રચના

Crime | Rajkot | 13 December, 2024 | 11:57 AM
♦ મઘરવાડા, રામપર, મવડી, રૈયા સર્વે નંબર સહિતની 17 મિલ્કતોના બોગસ દસ્તાવેજ બનાવી નાંખ્યાનું ખુલ્યું હતું: બીલખા પ્લાઝામાં આવેલ આરોપી હર્ષના ફ્લેટમાંથી બનાવટી દસ્તાવેજ બનાવવાનું કારખાનું મળી આવ્યું
સાંજ સમાચાર

♦ ડીસીપી જગદીશ બાંગરવાની અધ્યક્ષતા હેઠળ સીટ હવે ઝીણવટભરી તપાસ કરશે: અનેક અધિકારીઓની પણ સંડોવણી હોવાની આશંકા

 

રાજકોટ. તા.13
રાજકોટમાં બોગસ દસ્તાવેજ બનાવી મિલકતો પચાવી પાડવાનું મોટુ કૌભાંડ સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. સબ રજીસ્ટાર ઓફીસમાં થયેલી અરજીનાં અનુસંધાને ગઈકાલે પ્ર.નગર પોલીસે ફેમીલી કોર્ટ પાસે આવેલ સબ-રજીસ્ટ્રારની ઓફીસનાં કોમ્પ્યુટર ઓપરેટર જયદીપ ઝાલાને દબોચી પુછતાછ હાથ ધરતાં મોટો ધડાકો થયો હતો.

જેમાં મઘરવાડા સહીતની 17 થી વધુ કરોડોની મિલકતોનાં બોગસ દસ્તાવેજ બની ગયાનું સામે આવતાં પોલીસે બે કોમ્પ્યુટર ઓપરેટર અને એક એડવોકેટ સામે ગુનો નોંધી પકડાયેલ કોમ્પ્યુટર ઓપરેટરને ચાર દિવસના રીમાન્ડ પર લેવામાં આવ્યો છે. તેમજ કૌભાંડની તપાસમાં ડીસીપીની અધ્યક્ષતામાં સીટની રચના કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આ કૌભાંડમાં હજું કેટલાય લોકોની સંડોવણી અને અનેક કિંમતી જમીનોના બોગસ દસ્તાવેજ બની ગયાં હોવાની પ્રબળ આશંકા છે. બનાવ અંગે રાજકોટમાં ન્યુ સ્વાતિપાર્કમાં રહેતાં અને સબ રજીસ્ટર ઝોન-1 માં સબ રજીસ્ટર તરીકે ફરજ બજાવતાં અતુલભાઈ મધુભાઈ દેસાઈએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હર્ષ સાહલીયા ઉર્ફે હર્ષ સોની, જયદીપ ઝાલા અને કિશન ડી ચાવડાનું નામ આપતાં પ્ર.નગર પોલીસ મથકનાં પીઆઈ ભાર્ગવ ઝણકાંતે આઈપીસી 420,464,467,468 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જયદીપ ઝાલાની ધરપકડ કરી અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. 

ગઈ તા.24-10 ના રૈયાના સર્વે નં.277/1 પ્લોટના નં.42 ના ગામ નમૂના નં.2 નોંધ રદ કરવાના કામે કાગળ મળેલ હતો. જે નોંધની તપાસ કરતાં સ્કેનિંગ વાળા દસ્તાવેજ અને 1972 ના ખરા દસ્તાવેજમાં વિસંગતા જણાતા પોલીસને જાણ કરી હતી.જે બાદમાં પ્ર.નગર પોલીસે ગઈરાતે શંકાસ્પદ જયદીપ ઝાલા (રહે.કેસરકૃપા ખોડીયાર કૃપા સોસાયટી શેરી નં.3) કોઠારીયા રોડને પકડી પાડી પોલીસ મથકે લાવી પીઆઈ પીયુષ ડોબરીયા અને ટીમે તેની સઘન પુછતાછ હાથ ધરવામાં આવી હતી.

પોલીસ પાસે જયદીપ ઝાલાએ વટાણા વેરી મોટો ખુલાસો કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મઘરવાડામાં આવેલ એક મિલકત જે જુની શરતની હતી. તેમની માલીકી ધરાવતાં વૃદ્ધાનું અવસાન થતાં તે મિલકતનાં બોગસ દસ્તાવેજ બનાવી નાખ્યાનું સામે આવ્યું હતું.

ઉપરાંત પોલીસે જણાવ્યું હતું કે એકથી વધુ આરોપીઓએ જે મિલકતનાં માલીકોનું અવસાન થયેલ હોય કે વિદેશ રહેતા હોય તેવી અનયુઝ મિલકતો શોધી તેનાં દસ્તાવેજમાં ટોળકી દ્વારા કોઈ એક વ્યકિતનો ફોટો તેમજ તેમનાં બોગસ આધારકાર્ડ પાનકાર્ડ બનાવી તે મિલકત પચાવી પાડવાની મોડસ ઓપરેન્ડીથી કામ કરતી હતી.

પ્રાથમીક તપાસમાં મઘરવાડા ગામ, રામપર, મવડી, રૈયા સહીત અન્ય વિસ્તારોની મળી કુલ 17 થી વધુ મિલકતોનાં બોગસ દસ્તાવેજો બનાવી કરોડોની મીલકતો પચાવી પાડવાનું કૌભાંડ સામે આવી રહ્યું છે. હાલ પોલીસે કોમ્પ્યુટર ઓપરેટર જયદીપ ઝાલાને સકંજામાં લીધો હતો બનાવ અંગે ઝોન-1 સબ-રજીસ્ટ્રાર કચેરીનાં અધિકારી અતુલ દેસાઈની ફરીયાદ પરથી ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરાઈ છે.બાદમાં પુછતાછમાં તેમની સાથે મળતીયામાં હર્ષ સોની અને કિશન ચાવડાનું નામ ખુલતાં તેની પોલીસે શોધખોળ હાથ ધરી હતી.

વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હર્ષ સોની હોવાનું અને કિશન ચાવડા એડવોકેટ હોવાનું સામે આવ્યું હતું. કિશન ચાવડાએ દસ્તાવેજ મેળવવા અરજી કરી હતી અને તે દસ્તાવેજ મેળવવા જયદીપને મોકલતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. પોલીસે હાલ અલગ અલગ સ્થળોએ દરોડા પાડી વધુ દસ્તાવેજો એકઠાં કરવા કામગીરી હાથ ધરી છે.ગઈકાલે પોલીસે બીલખા હાઉસમાં આવેલ આરોપી હર્ષ સોનીના ફ્લેટમાં પણ દરોડા પાડી બંધ બારણે તપાસ હાથ ધરી હતી. 

પોલીસે નવમાં માળે આવેલ ફ્લેટના મુંબઈ રહેતા માલિકને પણ જાણ કરી રાજકોટ બોલાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસને ફ્લેટમાંથી મોટા પ્રમાણમાં દસ્તાવેજો, બોગસ સ્ટેમ્પ, સ્ટેમ્પ બનાવવાનું મશીન સાહિતનું સાહિત્ય કબ્જે કરી બનાવટી દસ્તાવેજ બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું હતું.  વધું તપાસ પ્ર. નગર પીઆઈ પિયુષ ડોબરીયા અને ટીમે હાથ ધરી છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj