પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નામે બનાવટી ન્યુઝ પ્લેટ વાયરલ કરાતા પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદ

Gujarat | Rajkot | 19 April, 2024 | 03:15 PM
♦ ‘કોની પાસેથી મત લેવા એ એમને શીખવાડવું નહીં, ક્ષત્રિયો કે કોળીનાં મતની જરૂર નથી અમારે’ આવું લખાણ વિજયભાઇ રૂપાણીના નામે એબીપી અસ્મિતાની ન્યૂઝ પ્લેટમાં ફરતું થયું હતું, ન્યુઝ ચેનલે આ મેસેજ બનાવટી હોવાની પુષ્ટિ કરતા ફરિયાદ કરવામાં આવી છે
સાંજ સમાચાર

♦ હિતશત્રુઓનું કૃત્ય, કાવતરૂ ઘડી કાલ્પનિક નિવદેનો ઉભા કરી વિજયભાઇની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા પ્રયત્ન: રાજ્યની કાયદો વ્યવસ્થા અને સામાજિક સમરસતા પર આડ અસર થવાની સંભાવના હોય, તત્કાલ પગલાં લેવા અનુરોધ

 

રાજકોટ, તા.19
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને બદનામ કરવા કાવતરુ ઘડી તેમના નામે કાલ્પનિક અને ખોટા નિવેદનો ઉભી કરી બનાવટી ન્યુઝ પ્લેટ ખોટી ઉભી કરી અને સોશ્યલ મીડિયામાં વાયરલ કરનાર આરોપીઓ સામે ફોજદારી ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા વિજયભાઇ રૂપાણીએ રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ લેખીત ફરિયાદ કરી છે.

થોડા દિવસોથી વિજયભાઇ રૂપાણીના નામે અમુક ચોક્કસ રાજકીય તેમજ સામાજિક હિતશત્રુઓ દ્વારા ખોટા અને કાલ્પનિક નિવેદનો ઉભા કરી એબીપી અસ્મિતા ન્યુઝ ચેલનું બનાવટી અને ખોટું ન્યુઝ પ્લેટ ઉભું કરી અને તે કાલ્પનિક નિવેદનો બનાવટી ન્યુઝ પ્લેટમાં એડીટ કરી અને સોશ્યાલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે.

ત્યારે આવું નિવેદન આજદિન સુધી તેઓ દ્વારા કરવામાં આવ્યું જ નથી તેવું જણાવતા વિજયભાઇએ પોલીસ કમિશનર રૂબરૂ ફરિયાદ કરેલ છે જેમાં તેઓના નામે આવા ખોટા નિવેદનો ઉભા કરી ખોટી બનાવટી ન્યુઝ પ્લેટમાં આ કાલ્પનિક નિવેદન એડીટ કરી અને વાયરલ કરવાવાળા વ્યકિતઓ વિરુધ્ધ ફોજદારી ફરિયાદ નોંધી અને તાત્કાલીક કાયદાકિય કાર્યવાહી હાથ ધરવા અનુરોધ કરેલ છે.

વિજયભાઇએ તેઓની ફરિયાદમાં વધુમાં જણાવેલ હતું કે, સ્વયંમ એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલ કે જેનું બનાવટી અને ખોટું ન્યુઝ પ્લેટ ઉભું કરવામાં આવેલ હતું તે ન્યુઝ ચેનલે પણ તેઓની ચેનલના માધ્યમથી સ્પષ્ટતા કરેલ હતી કે આવું કોઇ ન્યુઝ પ્લેટ ચેનલ દ્વારા બનાવવામાં આવેલ જ નથી અને ન્યુઝ પ્લેટમાં જણાવેલ નિવેદન તથ્ય વિહોણું છે.

સમાજમાં ભાગલા પાડવા, તેઓની દાયકાઓ જુની નિષ્કલંક કારકિર્દીને હાની પહોંચાડવા અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા આવી ખોટી ન્યુઝ પ્લેટ ઉભી કરવામાં આવી છે અને જે વ્યકિતઓએ આ હિન કૃત્ય કરેલ છે તેઓ વિરુધ્ધ તાત્કાલીક કાર્યવાહી કરી આ ફેક ન્યુઝ અટકાવવામાં આવે તે અનિવાર્ય છે. વિજયભાઇને ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ દાયકાઓથી સમાજની સેવા કરી રહ્યા છે. અમો સાર્વજનિક જીવનમાં પ્રવેશ્યા ત્યારથી લઇ અને આજદિન સુધી સામાજિક સમરસ્તાને સમર્પિત જવાબદારીપૂર્વકનું સાર્વજનિક જીવન જીવી રહ્યા છે.

ઘણા સંવેધાનિક હોદ્ાઓ ભાંગવી ચુક્યા છે. હોદ્ાઓની જવાબદારીનું નિર્વહણ કરતા સમયે દરેક સમાજને સાથે લઇ અને કાર્ય કરવાનો સફળ પ્રયત્ન કર્યો છે. તેઓની નિષ્કલંક રાજકીય અને સાર્વજનિક કારકિર્દી રહી છે અને સર્વસમાજમાં તેઓ બહોળી પ્રતિષ્ઠા ધરાવીએ છે. સર્વસ્વિકૃત પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા અમુક અસામાજિક તત્વો તેમના નામે ‘કોની પાસેથી મત લેવાં એ એમને શીખવાડવું નહીં, ક્ષત્રિય કે કોળીના મતની જરૂર નથી અમારે.. વિજય રૂપાણી’ આવા બનાવટી અને કાલ્પનિક ખોટા નિવેદનો ઉભા કરી અને ન્યુઝ ચેનલનું બનાવટી અને ખોટું ન્યુઝ પ્લેટ ઉભું કરી વાયરલ કર્યું હતું. સત્ય એ છે કે વિજયભાઇએ ક્યારેય આવું નિવેદન આપ્યું નથી. ન્યુઝ ચેનલે પણ આ ન્યુઝ પ્લેટ ખોટી હોવાનું સ્પષ્ટીકરણ કરેલ છે.

સમગ્ર ભારતમાં હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને ગુજરાત રાજ્યમાં ચૂંટણી પ્રચાર અંતર્ગત વિજયભાઇને ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક તરીકે સમગ્ર રાજ્યમાં સભાઓ સંબોધવા જવાની ફરજ પડેલ છે. તેઓ સંજોગોમાં તેમના નામનો ખોટી રીતે ઉપયોગ કરી તેમના નામે ખોટા કાલ્પનિક નિવેદનો ઉભા કરવાનો હિન પ્રયત્ન થઇ રહ્યો છે જેની સીધી આડ અસર રાજ્યની કાયદા વ્યવસ્થા ઉપર તેમજ સામાજિક સમરસતા ઉપર સાથે ભારતીય જનતા પાર્ટી ઉપર પડે તેવી પુરી સંભાવના છે જેથી આવા આરોપીઓ સામે કાયદાકિય પગલા હાથ ધરવા પોલીસ કમિશનરને ફરિયાદમાં જણાવાયું છે. આ ફરિયાદમાં વિજયભાઇ વતી એડવોકેટ અંશભાઇ ભારદ્વાજ રોકાયેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj