(આનંદ લાલ) સલાયા,તા.19
સલાયા નગર પાલિકાના ચૂંટણીના પરિણામ ઉપર આ વખતે સૌ કોઈની નજર હતી. દ્વારકા જિલ્લામાં ત્રણ નગર પાલિકાની ચૂંટણી હતી જેમાં સૌથી વધુ મતદારો ધરાવતી અને સૌથી વધુ 98 ઉમેદવારો સાથે સલાયા નગર પાલિકાની ચૂંટણી લડાઈ હતી.
જેમાં ચાર રાષ્ટ્રીય પક્ષોએ પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. જેમાં ભાજપ અને AIMIM પાર્ટીના સુપડા સાફ થઈ ગયા હતા. ગત ટર્મમાં ભાજપને એક નંબરના વોર્ડમાં 4 બેઠકો મળી હતી. જેમાં મોટા માર્જિનથી ભાજપે આ બેઠકો જીતી હતી. પરંતુ આ વખતે ભાજપ ના ગઢ સમાન એક નંબરના વોર્ડમાં પણ ભાજપ એક પણ સીટ જીતી શક્યું નથી.
એક નંબરમાં ચારેય બેઠકો ઉપર આપના ઉમેદવારો વિજેતા થયા છે. હાલ ચૂંટણી ના પરિણામો આવી ગયા છે. સલાયા નગર પાલિકામાં કોંગ્રેસના 15 ઉમેદવારો વિજેતા થયા છે. તેમજ આમ આદમી પાર્ટીના 13 ઉમેદવારો વિજય થયા છે. જેથી નગરપાલિકા માં શાસન કોંગ્રેસનું આવશે. ગત ટર્મમાં પણ કોંગ્રેસનું શાસન હતું અને આ વખતે પણ કોંગ્રેસે નગરપાલિકા જાળવી રાખી છે.
પરંતુ કોંગ્રેસના હાથમાં માત્ર 15 સીટો આવી છે. ગઈ ટર્મમાં કોંગ્રેસ પાસે 24 બેઠકો હતી. એટલે એમને પણ પ્રજાએ થોડો પરચો બતાવ્યો છે. હાલ સલાયા નગર પાલિકામાં 28 સીટો છે. જેમાંથી 13 આપ પાર્ટીની છે અને 15 કોંગ્રેસની છે. આપ પાર્ટીએ આ વખતે સલાયામાં ખુબજ સારું પ્રદર્શન કર્યું છે જેનો એક માત્ર શ્રેય નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ સાલેમામદ કરીમ ભગાડ (સાલુ પટેલ) અને એમની ટીમને જાઈ છે.
સાલુ પટેલના અગાઉના કામો જોઈને જ લોકોએ એમની પાર્ટીના 13 ઉમેદવારોને વિજય બનાવ્યા છે.પરંતુ એક કોર્ટના ચુકાદામાં હાલ સાલુ પટેલ જેલમાં છે. જેલમાં હોવા છતાં વોર્ડ નંબર એકમાં તેઓ અને એમની આખી પેનલ વિજેતા બની છે. કોંગ્રેસના પણ પૂર્વ પ્રમુખ અબ્બાસ ભાયાનું ચૂંટણીની જાહેરાત બાદ દુ:ખદ અવસાન થયું હતું.
જેથી એમના લીધે પણ કોંગ્રેસને થોડી સીટો ઘટી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અબ્બાસ ભાઈ ભાયાનો પણ સલાયામાં ભારે દબદબો હતો. હવે એમના પુત્ર ઇરફાન ભાયાએ કોંગ્રેસમાં કમાન સંભાળી હતી. જે ઇરફાન ભાયા પણ વોર્ડ નંબર 5 માંથી કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા છે. આમ હવે સલાયા નગર પાલિકામાં કોંગ્રેસનું શાસન આવશે.
હાલ સલાયામાં ઘણા પ્રશ્નો છે જેવાકે ભૂગર્ભ ગટર,સફાઈ,પાણી વિતરણ અને સ્ટ્રીટ લાઈટો તેમજ નગર પાલિકા પણ આર્થિક રીતે ખુબજ નબળી છે જેથી કોંગ્રેસે પણ ભારે મહેનત કરવી પડશે પ્રજાના વિશ્વાસને જીતવા માટે. હાલમાં જ કોંગ્રેસના પીઢ કાર્યકર અને સેવાભાવી નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અબ્બાસ ભાયાનું દુ:ખદ અવસાન થયું હોઈ કોંગ્રેસ દ્વારા કોઈ વિજય સરઘસ નહીં કાઢી અને શાંતિ પૂર્વક જીતને વધાવી હતી.
આ વખતે પ્રથમ વાર જ ચૂંટણી લડનાર AIMIM પાર્ટીને એક પણ સીટ મળી નથી પણ તેમના ઘણા ઉમેદવારોને સારા એવા મતો મળ્યા છે.આમ સલાયાની ચૂંટણીમાં ઘણી એવી બેઠકો છે જ્યાં સામાન્ય માર્જિનથી હાર જીત થઈ છે. આ વખતે સલાયામાં મતદાનમાં 135 મત નોટા માં પડ્યા છે. જેમાં સૌથી વધુ 31 નોટા ના મત એક નંબરના વોર્ડમાં પડ્યા છે.
હવે નગર પાલિકામાં કોંગ્રેસની સરકાર બનશે તેમજ આમ આદમી પાર્ટી વિરોધ પક્ષમાં બેસી અને પ્રજાના પ્રશ્નો શાસક પક્ષ સુધી પહોંચાડશે એવું લાગી રહ્યું છે. કોંગ્રેસમાં પ્રમુખનો તાજ કેમના ઉપર ઢોળાઇ એ હાલ કહેવું મુશ્કેલ છે. જાણવા મળેલ વિગત મુજબ આ વખતે નગર પાલિકા સલાયામાં પ્રમુખ માટે મહિલા અનામત છે તેવું જાણવા મળી રહ્યું છે. (તસ્વીર: આનંદ લાલ સલાયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy