ગેમઝોનમાં નિર્દોષ 27 જિંદગી ભુંજાઇ જવાની ઘટના બાદ સરકારે દરેક જિલ્લામાં આદેશ મોકલ્યા : રાજકોટમાં 8, સુરતમાં 5 કેસ દાખલ

રાજકોટ સહિત રાજયભરમાં ગેરકાયદે ગેમઝોન સામે ધડાધડ ગુના : તંત્ર તુટી પડયું

Gujarat | Ahmedabad | 29 May, 2024 | 11:19 AM
શાળા, મોલ, થીયેટર, માર્કેટ, ધાર્મિક સ્થળોએ પણ ફાયર એનઓસીની તપાસ કરવા આદેશ : કલેકટરોની ટીમ નીકળી પડી : તમામ એસપીને સૂચના પરથી પૂરા રાજયમાં કાર્યવાહી શરૂ
સાંજ સમાચાર

અમદાવાદ, તા. 29
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે સર્જાયેલા કરૂણ અગ્નિકાંડની ઘટનાના ઘેરા પડઘા પડવાનું સરકારમાં ચાલુ છે. ગઇકાલે રાજય સરકારે ગેમ ઝોન સહિતના જે જાહેર સ્થળોએ જયાં વધુ ભીડ થતી હોય, તેવા સ્થળોએ ફાયર એનઓસી ન હોય તો ગુના નોંધવા આદેશ કરી દીધા છે. તમામ કલેકટરોને આ સુચના મોકલાતા મામલતદાર, નાયબ મામલતદાર અને પોલીસની સંયુકત ચકાસણી શરૂ થઇ છે અને રાજકોટના આવા આઠ ગેમ ઝોન, સુરતના પાંચ ગેમ ઝોન સહિતના સ્થળોએ સંચાલકો સામે ગુના નોંધાતા ખળભળાટ મચ્યો છે. 

સરકારે ગેમ ઝોન, મોલ, થીયેટર, માર્કેટ, સ્કુલ, મંદિર, મસ્જિદ સહિતની જગ્યાઓ પર આ ફાયર એનઓસીની ચકાસણી કરવા આદેશ આપ્યો છે. ર8 લોકોના મૃત્યુ બાદ સરકારે જેમની પાસે ફાયર એનઓસી ન હોય તેઓ સામે  ગુનો દાખલ કરાવવા કલેકટરોને આદેશ આપતા આ અંગે જિલ્લા પોલીસ વડાઓને પણ સૂચના આપવામાં આવી છે.  રાજકોટ જેવી દુર્ઘટનાનું રાજયમાં કયાંય પુનરાવર્તન ન થાય તેવી કાર્યવાહીના આદેશ આપ્યા છે. 

રાજયમાં અગાઉ આગની અનેક ઘટનાઓ લોકો જીવતા ભૂંજાયા છે અને રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ હોઇ કોર્ટે પણ ફાયર સેફટીને લઈને સરકારની ઝાટકાણી કાઢી છે. રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં 28 લોકોનાં મૃત્યુની ઘટના બાદ સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને જેની પાસે ફાયર એનઓસી ન હોય તેની સામે ગુનો નોંધવા આદેશ કર્યો છે. જેને લઈને કલેક્ટરોએ જિલ્લા પોલીસ વડાને સૂચના આપી દીધી છે.

જેમાં ગુના નોંધવા માટે સ્પષ્ટ ઉલ્લેખ કરી અને કડક પગલાં ભરવા આદેશ આપ્યા છે. આ હુકમના પગલે રાજકોટના 8 અને સુરતના પાંચ ગેમ ઝોન સંચાલકો સામે ગુનો દાખલ કરીને પોલીસ સ્ટેશને બેસાડી દેવામાં આવ્યા છે.  અધિકારીઓના જણાવ્યા અનુસાર દરેક જગ્યાએ સ્થાનિક મામલતદાર-નાયબ મામલતદાર અને પોલીસ સંયુક્ત રીતે ચકાસણી કરવા જશે. 

જો કોઈ એકમ પાસે ફાયરની એનઓસી નહી હોય તો તે એકમ સામે તાત્કાલિક ગુનો નોંધવા માટેની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. આ સૂચનાનો તાત્કાલિક ધોરણે અમલ કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.

રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારે એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમઝોનની મંજૂરી માટે નવા નિયમો બનાવ્યા છે તે અનુસાર એમ્યુઝમેન્ટ પાર્ક, ગેમઝોન, બાટિંગ તેમજ રોપ-વેની મંજૂરી માટે નવા નિયમો બનશે. એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમઝોન માટે 2 પ્રકારનાં સર્ટિફિકેટ જારી કરાશે. તેમજ તમામ એકમો માટે પ્રાથમિક અને કાયમી એમ 2 પ્રકારનાં સર્ટિફિકેટ લેવા ફરજિયાત બનશે. કાયમી અને હંગામી બાંધકામ માટે અલગ અલગ સર્ટિફિકેટ લેવાં ફરજિયાત કરવામાં આવશે. 

નવી વેબસાઇટનું ગૃહ, મહેસૂલ, ટાઉન સહિતના વિભાગોની વેબસાઇટ સાથે જોડાણ હશે. તમામ એકમોની ઓનલાઇન મંજૂરી, સ્થળ તપાસ અને સર્ટિફિકેટ વેબસાઇટ પર અધિકારીઓ જોઈ શકશે તેમજ આગામી એક મહિનામાં નવા નિયમો અને સર્ટિફિકેટને લઈ વેબસાઇટની કામગીરી પૂર્ણ કરાશે. હાલ તો સરકારે આ તમામ ગેમ ઝોન સામે સીલીંગ બાદ પોલીસ કેસની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

‘સીટ’નો રીપોર્ટ સરકારના ટેબલ પર : સવારથી ફરી બેઠક શરૂ
પોલીસ સહિતના તંત્રની બેદરકારીનો પ્રાથમિક અહેવાલમાં ઉલ્લેખ : ગમે ત્યારે નવા ધડાકા : અધિકારીઓ સાથે ગૃહમંત્રીની ચર્ચા
અમદાવાદ, તા. 29

સમગ્ર રાજયમાં ગેમ ઝોન સહિતના મનોરંજન સ્થળો અને જાહેર સ્થળોએ ફાયર એનઓસીની ચકાસણી શરૂ થઇ ગઇ છે ત્યારે ગઇકાલે આ ઘટનાની પ્રાથમિક તપાસનો રીપોર્ટ ‘સીટ’ દ્વારા સરકારને સોંપી દેવામાં આવ્યો છે. તેમાં પોલીસની ઘોર બેદરકારીનો ઉલ્લેખ હોવાનો માનવામાં આવે છે. તે બાદ આજે ગૃહમંત્રી અને સીટની ટીમ વચ્ચે મીટીંગ શરૂ થઇ છે. 

રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાને પગલે રાજ્યભરમાં આવેલા અલગ-અલગ ગેમ ઝોન પર તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ અંતર્ગત જે તે ગેમ ઝોન દ્વારા ફાયર સેફ્ટી સહિતના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું છે કે નહીં એ વાતની ચકાસણી કરવામાં આવી હતી.

તપાસમાં ઘણી જગ્યાએ સામે આવ્યું હતું કેm ગેમ ઝોન માલિકો દ્વારા નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતુ તેવા ગેમ ઝોનને સીલ મારી દેવાયા છે. તો બીજા કેટલાક જયાં નિયમોનું પાલન થયું હતું તે ગેમ ઝોનને પણ નવો આદેશ ન મળે ત્યાં સુધી હંગામી ધોરણે બંધ કરાવાયા છે. રાજ્યના તમામ મહાનગરોમા આવેલા ગેમ ઝોનની તપાસ પૂર્ણ થઇ છે.

રાજ્યના 8 મહાનગરોમાં કુલ 101 ગેમ ઝોનની તપાસનો રીપોર્ટ રાજ્ય સરકારને સોંપાયો છે. 101 ગેમ ઝોન પૈકી 20 ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા છે, અને 81 ગેમ ઝોન હંગામી ધોરણે બંધ કરાવાયા છે.

સૌથી વધુ અમદાવાદ શહેરમાં 34 ગેમ ઝોન પૈકી પાંચ સીલ કરી દેવાયા છે અને 29 ગેમ ઝોન હંગામી ધોરણે બંધ કરાવાયા છે. રાજકોટ શહેરમા 12 ગેમ ઝોન પૈકી 8 સીલ કરાયા છે, તો 4 હંગામી ધોરણે બંધ કરાવાયા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj