પડધરીના ફતેપરમાં ઢોર માર મારતા ઘવાયેલા અશ્વિન ગજેરાનું મોત

Local | Rajkot | 22 May, 2024 | 04:04 PM
ઇજા થવાથી મોત થયાનું ખુલશે તો હત્યાનો ગુનો દાખલ થશે, હાલ સારવાર દરમિયાન હાર્ટએટેક આવી ગયાની શંકા
સાંજ સમાચાર

►મારથી મોત થયું કે, બીજું કોઈ કારણ? મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે ખસેડ્યો

►બે દિવસ પહેલા આડા સંબંધની શંકાએ ફતેપર અને વણપરીના ચાર શખ્સે અશ્વિનને વાડી વિસ્તારમાં લઈ જઈ ધોકા - પાઈપથી માર મારી રાત્રે 1.30 વાગ્યે તેના ઘરના ડેલા બહાર ફેંકીને જતા રહ્યા હતા

રાજકોટ, તા.22
પડધરીના ફતેપરમાં ઢોર માર મારતા ઘવાયેલા અશ્વિન ગજેરાનું મોત થતા ચકચાર મચી ગઇ છે. મારથી મોત થયું કે, બીજું કોઈ કારણ? તે જાણવા મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે ખસેડાયો હતો. ઇજા થવાથી મોત થયાનું ખુલશે તો હત્યાનો ગુનો દાખલ થશે. હાલ સારવાર દરમિયાન હાર્ટ એટેક આવી ગયાની શંકા છે. બે દિવસ પહેલા આડા સંબંધની શંકાએ ફતેપર અને વણપરીના ચાર શખ્સે અશ્ર્વિનને વાડી વિસ્તારમાં લઈ જઈ ધોકા - પાઈપથી માર મારી રાત્રે 1.30 વાગ્યે તેના ઘરના ડેલા બહાર ફેંકીને જતા રહ્યા હતા. અશ્ર્વિનને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવારમાં તેણે દમ તોડી દીધો હતો.

આ અંગે પોલીસ સૂત્રોએ આપેલી વિગત મુજબ, શનિવારે રાત્રે પડધરી તાલુકાના ફતેપર રહેતા અશ્વિન પરસોત્તમ ગજેરા (ઉ.વ.36)ને આડા સંબંધની શંકાએ વાડી વિસ્તારમાં લઈ જઈ ધોકા પાઈપ વડે બેફામ માર મારવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ, આરોપીમાં વણપરીના ભરત બાળા અને ફતેપરના અશોક છગન બોરીચા સહિતના ચારેક લોકોના નામ સામે આવ્યા છે. આરોપીઓએ બેફામ માર માર્યા બાદ રાત્રે 1.30 વાગ્યે અશ્ર્વિનને અર્ધ બેભાન જેવી હાલતમાં તેના ઘરના ડેલા બહાર નાખીને આરોપીઓ જતા રહ્યા હતા. પરિવારજનોને જાણ થતાં અશ્ર્વિનને રાજકોટની દોશી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં તે સારવાર હેઠળ હતો. આજે સવારે સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો.

આ અંગે જાણ થતાં પડધરી પીએસઆઇ જી.જે.ઝાલા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ, બનાવ બે દિવસ પહેલાનો છે. જે તે સમયે ડોકટરે ફક્ત પગ ફ્રેક્ચર હોવાનું જણાવેલ. જેથી મૃત્યુ હાર્ટ એટેકથી થયાની શંકા છે. પણ સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા પછી જ જાણવા મળશે. આ તરફ રૂરલ એલસીબી, એસઓજી સહિતનો સ્ટાફ પણ દોડી ગયો હતો. આરોપીઓને રાઉન્ડપ કરવા તજવીજ થઈ હતી. આ તરફ અશ્વિનભાઈના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેસવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, મૃતકને મારામારી દરમિયાન સામાન્ય ઇજા થઇ હતી અને પગ ભાંગી ગયો હતો. કોઈ મોટી ઇજા નહોતી. જેથી હાલ ફોરેન્સિક પીએમ કરાવી મૃત્યુનું કારણ ઇજા છે કે પછી અન્ય કોઈ કારણ છે. જો મૃત્યુનું કારણ ઇજા હોવાનું ફોરેન્સિક રિપોર્ટથી માલુમ થશે તો હત્યાનો ગુનો દાખલ થશે.

►બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો

 અશ્વિન ગજેરા ખેતી કામ કરતો. તે અપરણિત હતો. તેને બે બહેનો જ્યોતિબેન કિયાડા અને ભાવિષાબેન ભંડેરી છે. બંને બહેનો સાસરે છે. પિતા 33 વર્ષ પહેલાં જ અવસાન પામ્યા હતા. હાલ અશ્વિન માતા સહિતના પરિવારજનો સાથે રહેતો હતો. બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj