કલેકટર કચેરીના પરિસરમાં ‘ભ્રષ્ટાચાર બંધ કરો-ન્યાય આપો’ના કોંગ્રેસના કાર્યકરો-આગેવાનો દ્વારા સુત્રોચ્ચાર

પુરવઠા અધિકારીને ડીસમીસ કરો: કોંગ્રેસ દ્વારા કલેકટર સમક્ષ ધા

Saurashtra | Rajkot | 29 May, 2024 | 04:56 PM
TRP અગ્નિકાંડ સમયે સંગ્રહીત 3000 લીટર પેટ્રોલ-ડીઝલ કોની મહેરબાનીથી રખાયું હતું
સાંજ સમાચાર

► જિલ્લા પુરવઠા વિભાગ અને સબંધિત કંપની સામે પગલા લેવા માંગ

► ખાનગી શાળા-કલાસીસો દ્વારા અનઅધિકૃત રીતે ખડકાયેલા ડોમના પુરાવા પણ રજૂ કરાયા

રાજકોટ તા.29
 શહેરના નાનામવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ સમયે ત્યાં સ્થળ પર 3000 લીટર પેટ્રોલ ડીઝલનો જથ્થો અનઅધિકૃત રીતે સંગ્રહીત હોવાનું ખુલતા આ પ્રકરણમાં જીલ્લા પુરવઠા અધિકારીને ડીસમીસ કરવાની માંગણી સાથે શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાની હેઠળ કાર્યકરો અને હોદેદારોએ કલેકટર કચેરી ખાતે ઉમટી પડી આ મામલે કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

 આ તકે કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરોએ કલેકટર કચેરીના પરિસરમાં ભ્રષ્ટાચાર બંધ કરો-ન્યાય આપોના સુત્રોચ્ચાર કરી કલેકટર કચેરીને ગજવી મુકી હતી. કલેકટર પ્રભવ જોશીને કરાયેલ આ રજુઆતમાં શહેરમાં ખાનગી શાળાઓ, કલાસીસો અને કોમ્પ્લેક્ષો દ્વારા અનઅધિકૃત રીતે ખડકાયેલા ડોમ સ્ટ્રકચરના પુરાવા પણ રજૂ કરવામાં આવેલ હતા. તેની સાથોસાથ એવું પણ જણાવાયું હતું કે ખાનગી શાળાઓ અને કલાસીસોમાં ગેરકાયદેસર રીતે ખડકાયેલા આ ડોમ સ્ટ્રકચરને નહીં હટાવાય તો કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરી આ ડોમ સ્ટ્રકચરને દુર કરવામાં આવશે.

 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા તથા શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં માત્ર થોડી મિનીટોમાં ભયાનક આગ લાગવા માટે જવાબદાર આ ગેમઝોનના સંચાલકો દ્વારા બીનઅધિકૃત રીતે બનાવ સ્થળે સંગ્રહીત કરવામાં આવેલ હજારો લીટર પેટ્રોલ ડીઝલ અને પ્રતિબંધીત નેપ્થા જેવો જવલનશીલ પદાર્થ જવાબદાર છે. આ બાબતે જીલ્લા પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓની ફરજ બેદરકારી અને આ ઝોન સીલ પેટ્રોલ ડીઝલ જેવા પદાર્થો સપ્લાય કરનાર કંપનીઓની ગુન્હાહીત બેદરકારી સામે આવી છે. ત્યારે આ બાબતે પગલા લેવા તેઓએ માંગણી કરી હતી.

 તેઓએ જણાવ્યું હતું કે કોઈપણ પેટ્રોલ પંપે બોટલમાં છુટુ પેટ્રોલ આપવાની શખ્સ મનાઈ છે ત્યારે 3000 લીટર જેટલો પેટ્રોલ ડીઝલનો જથ્થો આ ગેમઝોનમાં કઈ રીતે પહોંચ્યો તેની તપાસ કરવા અતિ આવશ્યક છે. જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા આ ટીઆરપી ગેમ ઝોનને આ પેટ્રોલ ડીઝલનો જથ્થો સંગ્રહીત કરવા માટેની કોઈ પરવાનગી આપવામાં આવી હતી ખરી? તે બાબતની પુરવઠા વિભાગને કોઈ જાણ હતી ખરી? તે અંગે તપાસ કરી કાર્યવાહી કરવા જણાવાયું હતું.

 આ ટીઆરપી ગેમઝોનમાં જે પેટ્રોલ ડીઝલનો જથ્થો સંગ્રહીત કરવામાં આવ્યો હતો જે 28થી વધુ જીંદગીઓને ભરખી જવાનું મુખ્ય કારણ બન્યું છે આ જથ્થો કઈ કંપની દ્વારા કયારથી કયા વાહનો મારફત સપ્લાય કરવામાં આવતો હતો તે બાબતની તપાસ કાર્યવાહી અતી જરૂરી છે. છેલ્લા ચાર વર્ષથી પેટ્રોલ ડીઝલનો આ જથ્થો આ ગેમઝોનના સંચાલકો દ્વારા ઉપાડવામાં આવતો હતો આ બાબતે નકકર પગલા લેવા કોંગ્રેસના આગેવાનોએ માંગણી દોહરાવી હતી.

 આ રજુઆતમાં કોંગ્રેસના આગેવાનો અશોકસિંહ વાઘેલા, મયુરસિંહ પરમાર, મુકુંદ ટાંક, રોહીતસિંહ રાજપૂત, જયેન્દ્રસિંહ ચાવડા, રહીમભાઈ સોરા, નાગજીભાઈ વિરારી, મયુરભાઈ શાહ, જયાબેન ચૌહાણ, મેઘજીભાઈ રાઠોડ, કેતનભાઈ તાડા, કે.બી. જોશી, આદીત્યસિંહ ગોહિલ, નરેન્દ્રભાઈ સોલંકી, હીરલબેન રાઠોડ, નયનાબા જાડેજા, કૃષ્ણદતભાઈ રાવલ, સંજયભાઈ અજુડીયા, મયુરભાઈ માલવી સહિતના આગેવાનો જોડાયા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj