રાજકોટ તા.17
ગુજરાત સહિત દેશભરમાં ગરમી-ઉનાળાનો માહોલ વહેલો સર્જાઈ થયો હોય તેમ તાપમાનમાં અત્યારથી જ વધારો થઈ ગયો છે. જેને પગલે વિજ માંગમાં પણ મોટો વધારો થયો છે.ગત વર્ષની સરખામણીએ ચાલુ ફેબ્રુઆરી માસમાં જ વિજ માંગમાં 11 ટકાથી વધુનો વધારો થયો છે.
રાજયના ઉર્જા વિકાસ નિગમનાં સુત્રોએ કહ્યું હતું કે ગુજરાતમાં ચાલુ ફેબ્રૂઆરી માસમાં વિજ ડીમાંડ 23633 મેગાવોટ પર પહોંચી ગઈ છે. જે ફેબ્રુઆરી 2024 નાં 21248 મેગાવોટ હતી. ગત વર્ષ કરતાં 11.22 ટકાનો વધારો સુચવે છે. 2023 નાં ફેબ્રુઆરીમાં વીજ ડીમાંડ 59185 તતા 2022 માં તે 17374 હતું છેલ્લા વર્ષોમાં વિજ ડીમાંડમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે.
રાજયમાં હજુ સાચો ઉનાળો તો બાકી જ છે.એપ્રિલ-મે ના દિવસોમાં વીજ ડીમાંડ કયા સ્તરે પહોંચશે. તે સવાલ છે છતા અત્યારથી જ વધતી વીજ ડીમાંડના ટે્રન્ડને ધ્યાને રાખીને ભર ઉનાળામાં કોઈ વિજ સમસ્યા પેદા ન થાય તે માટે આગોતરૂ આયોજન ગોઠવવામાં આવ્યુ છે.
દેશમાં જાન્યુઆરી મહિનો જ અત્યાર સુધીનો સૌથી ગરમ જાહેર થયો હતો. ફેબ્રુઆરીમાં પણ સમાન સ્થિતિ રહેવાની આગાહી છે. માર્ચમાં તો મે મહિના જેવી જ આકરી ગરમી પડવાની આગાહી છે એટલે કે દેખીતી રીતે વીજ ડીમાંડમાં હજુ મોટો વધારો થવાનું માનવામાં આવી રહ્યું છે.
વિજ તંત્રનાં સુત્રોએ કહ્યું કે ઘર વપરાશની વિજળીની ડીમાંડમાં મોટો વધારો અપેક્ષીત છે.કારણ કે ફ્રીજ-એસી વગેરેનો વિજ વપરાશ વધી જશે. ઔદ્યોગીક વિકાસ તો છે જ ઉદ્યોગોની વિજ ડીમાંડ યથાવત જ છે. નવા-નવા એકમો સ્થપાવા સાથે ઔદ્યોગીક વિજ માંગમાં પણ વધારો થઈ રહ્યો છે.
એક સીનીયર અધિકારીએ કહ્યું કે તાપમાનમાં હવે ઉતરોતર વધારો થવાનું સ્પષ્ટ છે. અત્યાર સુધી અમદાવાદ જેવા શહેરોમાં જ એસીનું ચલણ વધુ હતું પરંતુ હવે તે ગામડાઓ સુધી પહોંચી ગયુ છે. રાહતની વાત એ છે કે છેલ્લા એક વર્ષમાં સૌર ઉર્જાને ઘણુ પ્રોત્સાહન મળ્યુ છે એટલે આંશીક રાહત મળી શકશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy