બેવડી ઋતુમાં ફરી રોગચાળો વધ્યો : નવા 1596 દર્દી નોંધાયા

Saurashtra | Rajkot | 26 February, 2024 | 03:53 PM
અઠવાડિયામાં શરદી-ઉધરસના નવા 1191 કેસ : ઝાડા-ઉલ્ટીના દર્દીઓમાં પણ સામાન્ય વધારો : લોકોને ઠંડા પવનોથી બચવા કાન-નાક ઢાંકીને રાખવા અપીલ
સાંજ સમાચાર

રાજકોટ, તા. 26
રાજકોટ શહેરમાં ફરી થોડા દિવસથી સામાન્ય ઠંડીનો રાઉન્ડ શરૂ થયો હોય, બેવડી ઋતુનો અનુભવ લોકો કરવા લાગ્યા છે. તેવામાં છેલ્લા અઠવાડિયે ફરી શરદી, ઉધરસ સહિતના સીઝનલ રોગચાળાના કેસમાં વધારો દેખાયો છે. અઠવાડિયામાં આવા સીઝનલ રોગચાળાના ફરી 1600 જેટલા કેસ નોંધાયાનું આજે આરોગ્ય વિભાગે જાહેર કર્યુ છે. 

મેલેરીયા અને આરોગ્ય વિભાગે તા.19થી 25-2 સુધીના રોગચાળાના આંકડા જાહેર કર્યા છે. જેમાં મચ્છરજન્ય  મેલેરીયા અને ડેંગ્યુનો કોઇ કેસ નોંધાયો નથી. પરંતુ ચીકનગુનીયાનો ફરી એક કેસ આવ્યો છે. ચાલુ 2024ના વર્ષમાં આજ સુધીમાં મેલેરીયાના એક, ડેંગ્યુના આઠ અને ચીકનગુનીયાના કુલ નવ દર્દી નોંધાયા છે.

સપ્તાહમાં શરદી, ઉધરસના 1191, સામાન્ય તાવના 171 અને ઝાડા-ઉલ્ટીના 234 દર્દી ચોપડે ચડયા છે. એટલે કે નવા 1596 દર્દી નોંધાયા હતા. ચાલુ 2024ના વર્ષમાં શરદી, ઉધરસના કુલ 9293, સામાન્ય તાવના 31 અને ઝાડા-ઉલ્ટીના 1870 દર્દી આવ્યા છે. છેલ્લા બેક સપ્તાહ કરતા આ અઠવાડિયે આ રોગચાળાના દર્દીઓમાં થોડો વધારો દેખાયો છે. 

દરમ્યાન ડેંગ્યુ રોગ અટકાયતી પગલાના ભાગરૂપે મચ્છર ઉત્પતિ બદલ જુદા જુદા વિસ્તારમાં ચકાસણી કરવામાં આવી રહી છે. મચ્છર ઉત્પતિ સબબ નોટીસ અને વહીવટી ચાર્જ વસુલાતની ડ્રાઇવ પણ ચલાવવામાં આવે છે જેમાં રહેણાંક સિવાય અન્ય 926 સ્થળે તપાસ કરાઇ હતી. તેમાંથી બેદરકારી બદલ રહેણાંકમાં 316 અને બિનરહેણાંકમાં 191 આસામીને નોટીસ આપવામાં આવેલ છે. 

અઠવાડિયામાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 9661 ઘરોમાં પોરાનાશક અને 507 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી. મચ્છરનો ઉપદ્રવ વધુ હોય ત્યાં વ્હીકલ માઉન્ટેન મશીન દ્વારા ફોગીંગ કરવામાં આવે છે. સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિર, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તા, ભીડવાળા સ્થળે સઘન  સર્વેલન્સ કામગીરી કરવામાં આવે છે.

ડેંગ્યુ ફેલાવતા એડીસ મચ્છરો દિવસના સમયે જ કરડતા હોય અને એક સાથે એકથી વધુ લોકોને કરડતા હોવાથી વધુ જનસમુદાય એકઠો થાય ત્યાં આવા રોગ ફેલાવવાનું જોખમ વધુ રહેતું હોય છે.  

મચ્છર જન્ય રોગચાળો રોકવા ઘરમાં અને આજુબાજુમાં સઘન સ્વચ્છતા જાળવવાની અપીલ મહાપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. બીજી તરફ હાલ લગ્નગાળો ચાલી રહ્યો છે. તેવામાં ફરી ઠંડીમાં વધારો થયો છે.

તાપમાનનો પારો ગગડવા સાથે ઠંડા પવનો પણ ફુંકાય છે. આથી સીઝનલ રોગચાળો ફરી વધારા તરફ છે. બહારની ખાણીપીણી,  ઠંડી વસ્તુઓના સેવનમાં નિયંત્રણ રાખવા, ઠંડા પવનોથી બચવા, નાક અને કાન ઢાંકવાની સલાહ વિભાગ દ્વારા આપવામાં આવી છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj