લોકસભાની ચૂંટણીના ઉમેદવારોના ખર્ચની મર્યાદા વધારી 95 લાખની કરાઈ

Politics, Lok Sabha Election 2024 | Rajkot | 21 February, 2024 | 05:33 PM
મોંઘવારીના ફુંફાડાના પગલે ખર્ચની મર્યાદામાં 25 લાખનો વધારો: રાજકોટ ચૂંટણી તંત્ર આવ્યું એકશન મોડમાં: નોડલ-ઝોનલ અધિકારીઓની તાલીમ પૂર્ણતાના આરે
સાંજ સમાચાર

રાજકોટ,તા.21
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવાની શરૂ થતાની સાથે જ ચૂંટણીતંત્ર તેમજ રાજકીય પક્ષો એકશન મોડમાં આવી જવા પામેલ છે. આગામી માર્ચ માસના બીજા સપ્તાહમાં લોકસભાની ચૂંટણી જાહેર થવાની શકયતા સેવાઈ રહી છે. આ દરમિયાન આ ચૂંટણી ન્યાયી, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે તડામાર તૈયારીઓ ચૂંટણી તંત્ર દ્વારા આરંભી દેવામાં આવી છે.

જેમાં મોંઘવારીના ફૂંફાળાના પગલે ચૂંટણીપંચ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીના ઉમેદવારોના ખર્ચની મર્યાદા વધારી રૂા.95 લાખની કરી દેવામાં આવી છે. ગત લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચની મર્યાદા 70 લાખની હતી. તેમાં 25 લાખનો વધારો કરી ખર્ચ મર્યાદા 95 લાખની કરી દેવામાં આવી છે.

આવી જ રીતે વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોના ચૂંટણી ખર્ચની મર્યાદામાં પણ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. વિધાનસભાના ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા રૂા.25 લાખની વધારી રૂા.40 લાખ કરવાનો પણ નિર્ણય લેવામાં આવેલ છે.

લોકસભાની આગામી ચૂંટણી માટે અગાઉ કલેકટરો, ડે.કલેકટરો સહિતના ઉચ્ચ અધિકારીઓને તાલીમ આપી ચૂંટણીપંચ દ્વારા સજજ કરી દેવામાં આવેલ છે જે બાદ હવે રાજકોટ જીલ્લા કક્ષાએ નોડલ અને ઝોનલ અધિકારીઓની છેલ્લા ત્રણ-ચાર દિવસથી યોજાતી તાલીમ પણ હવે પૂર્ણતાના આરે પહોંચી જવા પામી છે.

રાજકોટ જીલ્લામાં લોકસભાની ચૂંટણી માટે 19 હજાર જેટલા કર્મચારીઓની ડેટાબેઝ એન્ટ્રી પણ તૈયાર કરી દેવામાં આવી છે. લોકસભાની આ ચૂંટણીમાં જીલ્લામાં 11 જેટલા મતદાન મથકોનો વધારો થનાર છે. જીલ્લામાં 2253 જેટલા મતદાન બુથો હતા તેમાં હવે નવા 11 મતદાર બુથોનો ઉમેરો થવા પામેલ છે. 

લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મતદારોની જાગૃતિ માટે જીલ્લામાં ઈવીએમ મશીનનું નિર્દેશન પણ અગાઉ વિધાનસભા વિસ્તારોમાં કરવામાં આવેલ હતું. જે બાદ હવે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવાનું શરૂ થતાની સાથે જ વહીવટી તંત્ર અને ચૂંટણીતંત્ર સજજ બની જવા પામેલ છે.

જેમાં અગાઉ કલેકટર પ્રભવ જોશી દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સ્ટેટેસ્ટીકલ સ્કોડની રચના કરી દેવામાં આવી હતી. હવે આગામી માર્ચના બીજા સપ્તાહમાં જ સંભવત લોકસભાની આ ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થનાર હોવાનું જાણવા મળ્યું છે. દરમ્યાન મોંઘવારીને લઈને આ વખતે લોકસભાની આ ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચની મર્યાદા વધારી 95 લાખની કરી દેવામાં આવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj