આંબેડકર જયંતિની રાત્રે માલવીયાનગર પોલીસ મથકમાં અનુસૂચિત જાતિના યુવાનને બેફામ માર મરાતા સારવારમાં તેનું મોત થયું’તું

રાજકોટમાં કસ્ટડીયલ ડેથ બાદ ભારે રોષ : રાત્રે હોસ્પિટલ ચોકમાં પથ્થરમારો, તોડફોડ થઈ, પોલીસમેન સામે હત્યા અને એટ્રોસિટીની કલમ ઉમેરવા નામજોગ રિપોર્ટ થતા લાશ સ્વીકારી

Crime | Rajkot | 17 April, 2024 | 11:55 AM
♦ મૃતક હમીર ઉર્ફે ગોપાલ રાઠોડના મૃતદેહને ગત રાત્રે હોસ્પિટલ ચોકમાં આવેલ બાબા સાહેબ ડો. આંબેડકરજીની પ્રતિમા સામે રાખી, પરિવારજનો અને સમાજના લોકો દ્વારા ધરણાં કરાયા હતા
સાંજ સમાચાર

♦ મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકો રોડ પર સુઈ ગયા હતા, કેબીનો-લારીઓ ઉથલાવી હતી, ઉગ્ર રોષ જણાતા અંતે ડીસીપી સુધીરકુમાર દેસાઈ, એસીપી રાધિકા ભારાઈ, પીઆઈ રવિ બારોટ દોડી ગયા હતા

રાજકોટ, તા.17
ગત તા. 14 એપ્રિલના રોજ આંબેડકર જયંતિની રાત્રે માલવીયાનગર પોલીસ મથકમાં અનુસૂચિત જાતિના યુવાન હમીર ઉર્ફે ગોપાલ રાઠોડને પોલીસ મેન દ્વારા બેફામ માર મરાતા સારવારમાં તેનું મોત થયું હતું. આ કસ્ટડીયલ ડેથ બાદ ભારે રોષ ફેલાયો હતો. ગત રાત્રે હોસ્પિટલ ચોકમાં પથ્થરમારો થયો હતો. તોડફોડ થઈ હતી. પોલીસમેન અશ્વિન જેઠા કાનગડ સામે હત્યા અને એટ્રોસિટીની કલમ ઉમેરવા નામજોગ રિપોર્ટ થતા લાશ સ્વીકારી હતી.

ગત સવારે યુવાનને વોકહાર્ટ હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા પછી જ્યાં સુધી આરોપીની ધરપકડ ન થાય અને એફઆઈઆરમાં પોલીસે જાણી જોય આરોપીનું નામ ન લખ્યું હોય એ નામ ઉમેરવામાં આ આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવા પરિવારજનો અને સમાજના આગેવાનોએ નક્કી કરતા માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ જે.આર. દેસાઈ સહિતના દોડી ગયા હતા.

આરોપીની શોધખોળ થઈ રહી છે તેવી સમજાવટ કરી હતી પણ સમાજ આગેવાનો ટસના મસ થયા નહોતા. આ પછી પીએમ માટે મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં પણ મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના લોકો એકત્ર થયા હતા. આ પછી હમીર ઉર્ફે ગોપાલ રાઠોડના મૃતદેહને ગત રાત્રે હોસ્પિટલ ચોકમાં આવેલ બાબા સાહેબ ડો. આંબેડકરજીની પ્રતિમા સામે રાખી પરિવારજનો અને સમાજના લોકો દ્વારા ધરણાં કરાયા હતા.

જેથી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. મોટી સંખ્યમાં એકત્ર થયેલા લોકો રોડ પર સુઈ ગયા હતા, કેબીનો-લારીઓ ઉથલાવી હતી. વાહનોમાં તોડફોડ થઈ હતી. હળવો પથ્થરમારો પણ થયો હતો. ઉગ્ર રોષ જણાતા અંતે ડીસીપી સુધીરકુમાર દેસાઈ, એસીપી રાધિકા ભારાઈ, પીઆઈ રવિ બારોટ દોડી ગયા હતા. મોટી સંખ્યામાં પોલીસ કાફલો હોસ્પિટલ ચોકમાં ઉતારી દેવાયો હતો. અંતે સમાજ આગેવાનો અને ડીસીપી સુધીરકુમાર દેસાઈ વગેરે અધિકારીઓ સાથે ચર્ચા થઈ હતી.

પોલીસે હત્યાની કલમ, એટ્રોસિટીની કલમ ઉમેરવા કોર્ટમાં આરોપી એએસઆઈ અશ્વિન કાનગડના નામજોગ રિપોર્ટ કરી દીધાની ખાતરી આપી હતી અને આરોપીને ઝડપથી પકડી લેવા પોલીસ પોતાની તમામ તાકાત લગાવી દેશે તેવું જાહેર કરાતા અંતે મામલો થાળે પડ્યો હતો અને મૃતદેહ સ્વીકારી લેવામાં આવ્યો હતો.

રાજકોટના દક્ષિણ વિભાગના એસીપી બી.જે. ચૌધરીએ રાજકોટ શહેર ચીફ કોર્ટના જ્યુ.ફ.ક. મેજી.ને લખેલા વિનંતી રિપોર્ટમાં જણાવ્યું છે કે, માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી કલમ 307, 323 મુજબનો ગુન્હો તા.16/4/2024 ના રોજ સાંજે 6 વાગ્યે જાહેર થયેલ છે. જેના ફરીયાદી ગીતાબેન હમીરભાઇ ઉર્ફે ગોપાલભાઇ દેવજીભાઇ રાઠોડ (ઉ.વ. 32, રહે.આંબેડકરનગર શેરી નં.2, એસ.ટી. વર્કશોપ પાછળ ગોંડલ રોડ રાજકોટ)ના પતિ હમીરભાઇ ઉર્ફે ગોપાલભાઈ દેવજીભાઈ રાઠોડ ગઇ તા.14/4/2024 ના રોજ પોતાના ઘરે હતા.

ત્યારે રાત્રીના આશરે 11 વાગ્યાના અરસામાં તેના મિત્ર રાજુભાઇ સોલંકીનો પુત્ર જયેશ સોલંકી આવેલ અને જણાવેલ કે, ગોપાલ કાકા અમારે ઝગડો થયેલ છે. તમે આવો તો સમાધાન થઇ જાય. તે દરમિયાન પોલીસ વાન આવી ગયેલ હોય, પોલીસ આ રાજુભાઈ સોલંકી તથા જયેશ સોલંકી તથા હમીરભાઇ ઉર્ફે ગોપાલભાઇ દેવજીભાઈ રાઠોડને પોલીસ વાનમાં લઈ ગયેલ અને બાદ રાત્રીના આશરે એકાદ વાગ્યે આ હમીરભાઇ પોતના ઘરે ગયેલ અને પોતાની પત્નીને જણાવેલ કે, મને પોલીસે માર મારેલ છે તેમ વાત કરી પોતે સુઇ ગયેલ અને સવારે તે નહીં ઉઠતા ફરીયાદી તેના પતિને વોકહાર્ટ હોસ્પિટલ ખાતે લઇ ગયેલ અને અજાણ્યા પોલીસમેન વિરૂધ્ધ ગુનો દાખલ કરાવેલ હતો.

આ ફરિયાદની તપાસ દરમિયાન માલવીયાનગર પોલીસ સ્ટેશનના અનાર્મ કોન્સ્ટેબલ અને આ કેસના સાહેદ નરેશભાઈ છોટુભાઈ રાઠોડનું નિવેદન લેતા માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે ઇન્વે. એ.એસ.આઇ. અશ્વિનભાઇ જેઠાભાઇ કાનગડ તેઓની સાથે સામાવાળા રાજેશભાઈ સોલંકીના ઘર પાસે જઈ ફરીયાદીના પતિ હમીરભાઇ ઉર્ફે ગોપાલભાઇ તથા રાજેશભાઈ સોલંકીને માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે લઇ આવેલ અને એ.એસ.આઇ. અશ્વિનભાઈ કાનગડએ બન્ને જણાને માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં પી.એસ.ઓ. રૂમની પાછળના ભાગે આવેલ રૂમમાં લઇ જઈ પ્લાસ્ટીકના ધોકા વડે માર મારેલ હતો. તેમ જણાવેલ હતું.

ફરીયાદીના પતિ હમીરભાઇ ઉર્ફે ગોપાલભાઇની તબીયત તેના ઘરે ગયા બાદ સવારે ખરાબ થઇ જતા તેને વોકહાર્ટ હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ કરેલ હોય જેનું ચાલુ સારવાર દરમિયાન વોકહાર્ટ હોસ્પિટલના ફરજ પરના ડો. ચિરાગ માત્રવાડીયાએ જોઈ તપાસી તા.16/4/2024 ના સવારે 8.38 વાગ્યે મૃત જાહેર કરેલ તેમજ ફરીયાદી તથા મૃતક અનુસુચીત જાતિના હોય, ગુન્હાની એફ.આઇ.આર.માં આઈ.પી.સી. કલમ 302 તથા એટ્રોસીટી એકટની કલમ 3(2)(5) મુજબનો ઉમેરો કરવા રિપોર્ટ કરાયો છે.

13 વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી : ભારે શોક
મૃતક હમીર ઉર્ફે ગોપાલને સંતનામાં એક પુત્ર છે. જેનું નામ અરમાન છે. તે ધોરણ 7 માં અભ્યાસ કરે છે. 13 વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ભારે શોક છવાયો હતો. પુત્રની આંખમાં પણ અશ્રુઓ વહી રહયા હતા.

વતન પાડાસણમાં અંતિમ યાત્રા નીકળી, મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા : ભારે કલ્પાંત છવાયો
રાજકોટમાં ગોંડલ રોડ, એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગર શેરી નં.2માં રહેતા હમીરભાઇ ઉર્ફે ગોપાલભાઇ દેવજીભાઈ રાઠોડનું કસ્ટડીયલ ડેથ થયા બાદ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સીક પીએમ થયું હતું. મૃતદેહ સ્વીકારી લેવાયા પછી મૃતદેહ મૃતકના વતન રાજકોટ તાલુકાના પાડાસણ ગામે લઈ જવામાં આવેલ. જ્યાં તેમની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં પરિવારના સભ્યો અને સંબંધીઓમાં ભારે કલ્પાંત છવાયો હતો. સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બનાવથી ગમગીની છવાઈ છે.

48 કલાકનું અલ્ટીમેટમ : નહિતર વધુ ઉગ્ર આંદોલન
આગેવાનોએ જણાવ્યું કે, કોર્ટમાં પોલીસમેન આરોપીના નામ જોગ રિપોર્ટ થયો છે. ઉપરાંત પોલીસે આગામી 24 કલાકમાં આરોપીને પકડી લેવાની વાત કરી છે. જોકે સમાજના આગેવાનોએ નક્કી કર્યું છે કે, 48 કલાકમાં આરોપીની ધરપકડ નહીં કરવામાં આવે તો 48 કલાક બાદ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

મૃતક સાથે અન્ય યુવાનને પણ માર મારવામાં આવેલો, જાહેરમાં વસ્ત્રો કાઢી ઘા બતાવ્યા
મૃતકનું મૃતદેહ પીએમ માટે લઈ જવાયો હતો જ્યાં મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્ર થયા હતા. આ સ્થળે એવી વાત સામે આવેલી કે, પોલીસ મૃતક સાથે અન્ય યુવાનને પણ પોલીસ મથકે લઈ ગઈ હતી. મૃતક સાથે આ યુવાનને પણ માર માર્યો હતો. પીએમ રૂમ બહાર વસ્ત્ર ઉતારી આ યુવાને પોતાના શરીરે પડેલા ઘા લોકોને બતાવ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj