જામનગર તા.20:
નવા જીએસટી નંબર મેળવવા જામનગરમાં સુવિધા કેન્દ્ર શરૂ થશે. આ માટે સરકાર દ્વારા સૈધ્ધાતિંક મંજૂરી આપવામાં આવી છે. જીએસટી સુવિધા કેન્દ્ર શરૂ થતા હાલારના વેપારીઓને જૂનાગઢ સુધી ધક્કા ખાવા પડશે નહીં. આથી સમય અને નાણાંનો બચાવ થશે. ત્યારે ઉધોગોના હબ જામનગરમાં જીએસટી વિવાદ અને અન્વેષણના કેસ વધુ થતા હોય શહેરની કચેરીમાં સંયુકત રાજય કર કમિશ્નરની કાયમી નિમણૂંક પણ જરૂરી છે.
જીએસટી કાયદાના અમલીકરણ બાદ સમયાંતરે સંયુકત રાજય કર કમિશ્નર (જોઈન્ટ કમિશ્નર) કચેરીને રાજકોટથી સ્થળાતંર કરી જામનગરને બદલે જૂનાગઢ કાર્યરત કરવામાં આવી હતી. આથી જામનગર તથા આજુબાજુના અન્ય શહેર-જિલ્લાના લોકોની અગવડતામાં વધારો થયો. હતો.
આ માટે જામનગર ચેમ્બર ઓફ કોમર્સે અનેક વખત વિવિધ સ્તરે રજૂઆતો કરી હતી. પરંતુ તેની અવગણના કરવામાં આવી હતી. જામનગરના વેપારીઓને કેસની સુનાવણી તથા અન્ય નજીવી બાબતો માટે જુનાગઢ ધક્કા ખાવા પડતા હતાં. ત્યારબાદ જીએસટીના નવા નંબર માટે જયારથી બાયોમેટ્રીક કચેરી જામનગરમાં શરૂ કરવા માટે સતત રજૂઆતો કરાઇ હતી. આટલું જ નહીં સાંસદ પૂનમબેન માડમે પણ નવા જીએસટી નંબર મેળવવા માટે કેન્દ્ર શરૂ કરવા ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી હતી. જેને અનુલક્ષીને નવા જીએસટી નંબર મેળવવા માટે બાયોમેટ્રીકસ સુવિધા કેન્દ્ર જામનગરમાં શરૂ કરવા સરકાર દ્વારા સૈધ્ધાતિંક મંજૂરી મળી છે.
આથી આગામી દિવસોમાં ટૂંક સમયમાં જામનગર ખાતે જીએસટીના નવા નંબર માટે જરૂરી બાયોમેટ્રીકસ સુવિધા શરૂ થશે. આથી વેપારીઓને આ કાર્ય માટે જૂનાગઢ ધક્કા ખાવા પડશે નહીં. જેના કારણે સમય અને નાણાંનો બચાવ થશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy