સ્કુલોને ધમકી અને આઇપીએલની ત્રણ ટીમોના આગમન વખતે જ આતંકવાદીઓ પકડાતા સુરક્ષા એજન્સીઓ ખળભળી

અમદાવાદ એરપોર્ટથી IS સાથે સંકળાયેલા ચાર ત્રાસવાદી ઝબ્બે : ખળભળાટ

Gujarat | Ahmedabad | 20 May, 2024 | 05:36 PM
શ્રીલંકાથી વાયા ચેન્નાઇ થઇને અમદાવાદ ઉતરતા જ ઉઠાવી લેવાયા : ગુપ્તચર બાતમીના આધારે કાર્યવાહી : લોકલ સંપર્કો, હથિયારો સહિતના મુદ્દે તપાસ : ખતરનાક ત્રાસવાદી સંગઠન ઇસ્લામીક સ્ટેટ સાથે સંપર્ક હોવાનો ખુલાસો
સાંજ સમાચાર

અમદાવાદ, તા. 20
અમદાવાદ એરપોર્ટ પરથી આઇએસઆઇએસ(ઈસ્લામીક સ્ટેટ) સાથે સંપર્ક ધરાવતા ચાર ત્રાસવાદઓની ધરપકડ કરવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે. શ્રીલંકાથી વાયા ચેન્નાઇ થઇને અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ચારેય શખ્સોેને ઝડપી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જ મહત્વના પુરાવા હાથ લાગ્યા હતા અને હવે એમના લોકલ સંપર્ક સહિતના મુદ્દાઓ પર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. 

સુરક્ષા એજન્સીઓના સુત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગુપ્તચર વિભાગ દ્વારા ચોકકસ બાતમી આપવામાં આવી હતી અને તેના આધારે અમદાવાદ એટીએસની એક ટીમ એરપોર્ટ પર ખાસ વોચમાં તૈનાત કરવામાં આવી હતી. આ દરમ્યાન એક શંકાસ્પદ શખ્સ નજરે ચડતા તેને અટકાવીને પુછપરછ કરવામાં આવી હતી અને તપાસમાં બીજા ત્રણ સાગ્રીતો સાથે હોવાનું ખુલતા ચારેયને એરપોર્ટ પરથી દબોચી લેવામાં આવ્યા હતા. 

પ્રાથમિક વિગતો પ્રમાણે ચારેય શખ્સો શ્રીલંકાના કોલંબોથી ચેન્નાઇ આવ્યા હતા અને ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પહોંચતાની સાથે જ ગુપ્તચર બાતમીના આધારે ચારેયની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ ચારેય શખ્સો આઇએસના આતંકવાદીઓ હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. ચારેય શખ્સો શ્રીલંકાના નાગરિકો છે.

અમદાવાદ કયાં કારણોસર આવ્યા છે અને ગુજરાત કે ભારતમાં તેના કોઇ સ્લીપર સેલ છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ કે ગુજરાતમાં તેના કોઇ લોકલ સંપર્કો છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.  ગુજરાત આવવાની સાથોસાથ હથિયારોની કોઇ હેરાફેરી થઇ છે કે કેમ તે દિશામાં પણ ઉંડી તપાસ શરૂ કરવામાં આવી છે. 

સુત્રોએ જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં જ તેઓએ આઇએસ સાથે સંકળાયેલા હોવાનું કબુલી લીધુ છે તે સંબંધી પુરાવા હાથ લાગ્યા છે. ચાર આતંકી ઝડપાતાની સાથે જ એલર્ટની સુચના આપી દેવામાં આવી હતી. અમદાવાદ એરપોર્ટ કેટલાક વખતથી સોનાની દાણચોરી સહિતના કારણોસર ખાસ નજર રાખવામાં આવી જ રહી હતી તેવા સમયે આજે ચાર ત્રાસવાદીઓ ઝડપાતા ખળભળાટ સર્જાયો છે. 

મહત્વની વાત એ છે કે આઇપીએલની ત્રણ ટીમો આજે અમદાવાદ પહોંચવાની હતી તેવા સમયે જ ત્રાસવાદીઓ પકડતા તે દિશામાં પણ તપાસનો દૌર શરૂ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં મંગળ, બુધવારે આઇપીએલના બે મેચ રમાવાના છે અને તેમાં સામેલ થનારી ત્રણ ટીમો આજે અમદાવાદ પહોંચવાની છે. 

આ સિવાય ગત સપ્તાહમાં અમદાવાદની 36 સ્કુલોને બોમ્બથી ઉડાવી દેવાની ઇ-મેઇલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. જોકે તમામ સ્કુલોમાં ચેકીંગ કરવામાં આવ્યા બાદ કંઇ વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. આ ધમકીના પ્રકરણમાં પકડાયેલા ત્રાસવાદીઓનો હાથ છે કે કેમ તે દિશામાં પણ પુછપરછ કરવામાં આવી રહી છે.

ધમકીના કેસમાં પાકિસ્તાનનું કનેકશન ખુલ્યુ હતું તે અત્રે ઉલ્લેખનીય છે. અમદાવાદ સિવાય અગાઉ દિલ્હી અને બેંગ્લોરમાં પણ સ્કુલોને આવા સમાન ધમકીભર્યા ઇ-મેઇલ થયા હતા અને દેશભરમાં ખળભળાટ સર્જાયો હતો. એક પણ શહેરમાં ધમકી મુજબ કંઇ બન્યુ ન હોવાથી સરકારે રાહતનો શ્વાસ લીધો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj