♦ રૂરલ એલસીબીની ટીમે રાજકોટ અને શાપરના શખ્સોને પકડી તપાસ આદરી
રાજકોટ, તા.15
વિરપુર સહિત સૌરાષ્ટ્રભરમાંથી ટ્રાન્સફોર્મર ચોરી ઓઇલ કાઢી લેતી બેલડીને રૂરલ એલસીબીની ટીમે દબોચી લઈ તપાસ આદરી હતી. પડધરી, ધોરાજી, ગોંડલ, કાલાવડ, વડીયા સહિતના વિસ્તારોમાં જઈ આખેઆખું ટીસી ઉતારી તેમાંથી કિંમતી વસ્તુ કાઢી લેતાં હતા.
બનાવ અંગે બનાવ અંગે ગોંડલ ગ્રામ્ય પેટા વિભાગ-2 માં પીજીવીસીએલ કચેરીમાં નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતાં ઇજનેરે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.02/03/2025 ના ફોલ્ટ સેન્ટર નંબરમાં રીયાઝભાઇ દ્રારા કમ્પ્લેઇન જણાવેલ કે, કાગવડ ગામે હોટલ દ્રારકાધીશમાં આપેલ પાવર સપ્લાય ટ્રાન્સફોર્મર ચોરાયેલ છે.
જે કમ્પ્લેઇનના આધારે કાગવડ ગામ બાદ હેવન રીસોર્ટ તરફ જવાના રોડની ગોળાઈ પાસે આવેલ દ્રારકાધીશ હોટલની મુલાકાત લીધેલ અને ત્યાં સ્થળ પર ચેક કરતા ટ્રાન્સફોર્મર સેન્ટરનો પોલ ટ્રાન્સફોર્મર વગર જોવામા આવેલ તેમજ પાવર સપ્લાયનો કેબલ પણ કાપેલ જોવા આવેલ હતો.
વધુમા તપાસ કરતા ટ્રાન્સફોર્મર સેન્ટરની નજીક જમીન પર ઓઇલ કાઢેલ જોવામા આવેલ અને તેમની બાજુમા ટ્રાન્સફોર્મરનું બુસીંગ પણ છુટુ પડેલ જોવા મળેલ હતું. જેથી કોઇ અજાણ્યા શખ્સો દ્રારા ટ્રાન્સફોર્મર સેન્ટર પરથી ટ્રાન્સફોર્મર નીચે ઉતારી સર્વિસ વાયર કાપી તેમાથી કોપરનો વાયર ચોરી ટ્રાન્સફોર્મરની બોડી ખોડલધામ તરફ જતા રોડમા આવેલ પુલ નીચે મુકી વાયરની ચોરી કરી ટ્રાન્સફોર્મરની બોડી જે તે જગ્યાએ સાઇડમા રાખી દીધેલ, તેમાથી કોપરનો વાયર આશરે 10 કિલો રૂ.6 હજારની ચોરી થઇ ગયેલ અને ટ્રાન્સફોર્મર ઓઇલ 18 લીટર સ્થળ પર ઢોળી નાંખી નુકશાન કરેલ હતું. જે બનાવ અંગે વિરપુર પોલીસ મથકમાં ગુનો દાખલ થયેલ હતો.
અનડીટેક ચોરીઓના ગુનાઓની ગંભીરતા ધ્યાને રાજકોટ એસપી હિમકર સિંહ દ્વારા મિલ્કત સંબંધી અનડીટેક ગુના શોધી કાઢવાની આપેલ સુચનાથી એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ એચ.સી.ગોહીલ ટીમ સાથે ગુનાઓ શોધી કાઢવા સારૂ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ દિવ્યેશ સુવા, નિલેશ ડાંગર, રાજુ સાંબડા, હરેશ પરમાર, કોન્સ્ટેબલ મીરલ ચંદ્રવાડીયાને મળેલ ચોક્કસ બાતમીના આધારે ચોરીના ગુનામાં સંડોવાયેલ પંકજ અમ્રુતલાલ મારૂ (રહે. શાસ્ત્રીનગર,ગાંધીગ્રામ રાજકોટ, મુળ રહે. તમાચણ, ધ્રોલ) અને સીતારામ ઉર્ફે ઈશ્વર ગુલાબ ચેખલીયા (રહે. હાલ શાપર વેરાવળ મુળ રહે. કાનીયાડ, પાળીયાદ) ને પકડી બે મોબાઈલ ફોન કબ્જે કર્યા હતાં.
વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, તસ્કરોએ અઢી મહીના પહેલા કાગવડ ગામ પછી હેવન રિસોર્ટ જવાના રસ્તા ઉપરથી એક ટીસીની ચોરી કરેલ અને તેમાંથી કોપર વાયરની ચોરી કરેલ હતી.
અઢી મહીના પહેલા પીઠડીયા ગામ પાસે આવળ માતાના મંદીર પાસે એક જગ્યાએથી એક ટીસીની ચોરી કરી તેમાંથી કોપર વાયરની ચોરી કરેલ હતી.
ત્રણેક માસ પહેલા આરોપી સીતારામ ઉર્ફે ઈસ્વરભાઈ ચેખલીયાએ પડધરી વિસ્તારના નેશનલ હાઈવે પાસેથી એક ટીસીની કરી તેમાંથી કોપર વાયરની ચોરી કરેલ હતી. સાડા ત્રણેક મહીના પહેલા બંને શખ્સોએ વડીયા પાસેથી એક ટીસીની ચોરી કરી તેમાંથી કોપર વાયરની ચોરી કરેલ હતી.
ચારેક મહીના પહેલા આરોપી સીતારામ ઉર્ફે ઈસ્વરભાઈ ચેખલીયાએ કાલાવડ પાસેથી ટીસીની ચોરી કરી તેમાંથી કોપર વાયરની ચોરી કરેલ હતી, પાંચ મહીના પહેલા આરોપી બંનેએ ગોડલ અને જામવાડીની વચ્ચે નેશનલ હાઈવેની બાજુમાં એક ટીસીની ચોરી કરી તેમાંથી કોપર વાયરની ચોરી કરેલ હતી અને ત્રણેક મહીના પહેલા બંનેએ સુપેડી નેશનલ હાઈવેની બાજુમાંથી ટીસીની ચોરી કરી તેમાંથી કોપર વાયરની ચોરી કરેલ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy