રાજકોટ તા.19
સોનાના ભાવમાં કેટલાંક વખતથી જોવા મળતી તેજીની આગ વધુને વધુ ભડકતી રહી હોય તેમ આજે વધુ ઉછાળો હતો. સોનુ 89000ને પાર કરી ગયુ હતુ. વિશ્વબજારમાં 2900 ડોલરને વટાવી ગયુ હતું. હવે અમુક નિષ્ણાંતો વર્ષાંત સુધીમાં વૈશ્વિક ભાવ 3100 ડોલરને આંબી જવાની આગાહી કરવા લાગતા આવતા દિવસોમાં તેજી વધુ આગળ ધપવાની શકયતા વ્યક્ત થવા લાગી છે.
સોનામાં એક જ માસમાં 6.75 ટકા તથા એક વર્ષમાં 44 ટકાનુ રીટર્ન મળ્યુ છે. જો કે, રૂપિયાની દ્રષ્ટિએ 38 ટકાનો ભાવવધારો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અનેકવિધ કારણોની અસરે સોનામાં તેજી છે. રાજકોટમાં આજે હાજર સોનુ ઉંચકાઈને 89150 સાંપડયુ હતુ જે ગઈકાલના 87800ની સરખામણીએ 1350નો ભાવવધારો સૂચવતુ હતું.
વિશ્વબજારમાં ભાવ 2933 ડોલર હતો. યુદ્ધ સમાપ્ત થવાની અટકળો વચ્ચે રશિયા પર યુક્રેને હુમલો કર્યો હોવાથી મોડીરાત્રે જ સોનુ ઉછળ્યુ હતુ. ચાંદીનો હાજર ભાવ 99900 હતો તેમાં 2000નો ઉછાળો હતો.
સોનામાં કેટલાંક વખતથી સળંગ તેજી છે. છેલ્લા એક ટર્મમાં ડોલર ટર્મમાં 6.78 ટકાનો (186 ડોલર) ભાવવધારો થયો છે. છ માસમાં 16.56 ટકા તથા એક વર્ષમાં 44 ટકા ઉંચકાયુ છે. સળંગ તેજીને પગલે સામાન્ય ગ્રાહકોથી માંડીને ઈન્વેસ્ટરો-ઝવેરીઓ પણ અસંમજસની સ્થિતિ ભોગવી રહ્યા છે અને હવેના સમયમાં ટ્રેન્ડ કેવો રહેશે તેના પર અટકળો-અનુમાનો બાંધી રહ્યા છે.
કોમોડીટી બ્રોકરો-એનાલીસ્ટોના મતે સોનુ તેજીના નવા ઝોનમાં જ છે અને ભાવ ગમે તેટલો થઈ શકે છે ત્યારે આંતરરાષ્ટ્રીય એજન્સી ગોલ્ડમેન આડસ દ્વારા સોનાનો ભાવ વર્ષાંત સુધીમાં 3100 ડોલર થવાની આગાહી કરવામાં આવી છે.
યુબીએસ (યુનાઈટેડ બેંક ઓફ સ્વીટઝરલેન્ડ) દ્વારા સોનુ 3200 ડોલરે પહોંચવાની અને ત્યારબાદ તે ઘટીને 3000 ડોલર થવાનુ અનુમાન દર્શાવ્યુ છે. સોના-ચાંદીમાં વૈશ્વિક તેજી માટે વિશ્વસ્તરે ભૌગોલિક ટેન્શન જેવા કારણો જવાબદાર હતા જ હવે અમેરિકાનું ટ્રેડવોર ઉમેરાયુ છે જે વ્યાપાર મોરચે નવુ સંકટ સર્જી શકે છે. ચીન દ્વારા વીમા ફંડનું એક ટકા ભંડોળ સોનામાં રોકવાની મંજુરી આપવામાં આવી છે તે પણ એક કારણ બની શકે છે.
2024 માં બેંકોએ 1045 ટન સોનુ ખરીદ્યું : એવરેજ કરતા ‘ડબલ’
સોનામાં સળંગ તેજી છે અનેકવિધ કારણોમાં એક દુનિયાભરની સેન્ટ્રલ બેન્કોની ખરીદીનું છે. 2024 માં 1045 ટનની ખરીદી કરી હતી જે આગલા બે વર્ષમાં થયેલી ખરીદી જેટલી હતી.
2011 થી 2021 દરમ્યાન બેંકોએ વાર્ષિક સરેરાશ 50 ટનની ખરીદી કરી હતી.ગત વર્ષે ભારતીય રીઝર્વ બેન્ક દ્વારા પણ 72.6 ટનની ખરીદી કરવામાં આવી હતી. તે 2023 માં માત્ર 18 ટન હતી. રિઝર્વ બેન્ક પાસે 876.18 ટન સોનું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy