જામનગર-રાજકોટની સંસદીય બેઠકમાં ભાજપની ચિંતાનો પડઘો

હેન્ડલ વિથ કેર: ક્ષત્રિય સમાજના આંદોલન અંગે ભાજપના નેતાઓને સંદેશ

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 22 April, 2024 | 12:44 PM
♦ રાજકોટ પહોંચેલા ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર તથા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ પક્ષના ક્ષત્રિય અગ્રણીઓ સાથે બંધ બારણે બેઠક લીધી: નિખાલસ મંતવ્યો જાણ્યા
સાંજ સમાચાર

♦ આંદોલન પકડાઈ ચૂકયુ છે: મોવડીઓના પ્રતિનિધિ સમક્ષ અનેક અગ્રણીઓની ખુલ્લે દિલે વાતચીત: જો કે આંદોલન અંગે સોશ્યલ મીડીયામાં પોષ્ટ મુકવા કે પ્રતિભાવ આપવાથી દુર રહેવાની તાકીદ

 

રાજકોટ: ગુજરાતમાં લોકસભા ચૂંટણી સમયે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિધાનોથી આ સમુદાયમાં આક્રોશનું જે વાવાઝોડું ફુંકાયું અને તે બાદ રાજકોટ પાસે બોયકોટ રૂપાલાના નારા હેઠળ ક્ષત્રિય સમાજનું જે વિશાળ સંમેલન યોજાયું તેમાં હવે છ થી આઠ બેઠકો પર જેની અસર થશે તેવી માહિતી ભાજપ મોવડીમંડળનો આંતરિક સર્વે મારફત મળી પછી ડેમેજ કંટ્રોલ માટે હવે ભાજપે પ્રયાસો શરૂ કર્યા છે.

પરસોતમ રૂપાલાને રાજકોટ લોકસભા બેઠક પરથી ખસેડીને પાટીદાર સમુદાયના કોઈને પણ ટિકીટ આપો અમો ભાજપની સાથે છીએ તેના ક્ષત્રિય સમાજના ‘વચન’ છતા ભાજપે રૂપાલાને યથાવત રાખીને ‘જોખમ’ કરતા તેની ક્ષમતા પર વધુ ભરોસો રાખ્યો છે અને તેમાં હવે પક્ષે એક વ્યુહરચના મુજબ ક્ષત્રિય સમાજના રોષને કાળજીપૂર્વક હેન્ડલ કરવા પણ પ્રયાસો શરૂ કર્યા છે તેના ભાગરૂપે અને એકંદર સૌરાષ્ટ્રની રાજકીય પરીસ્થિતિનો તાગ મેળવવા પક્ષના મહામંત્રી રત્નાકર તથા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી ગઈકાલે પહેલા જામનગર ગયા હતા જયાં પણ ક્ષત્રિય સમુદાયની મોટી સંખ્યા છે.

અહી કોંગ્રેસ પક્ષે પાટીદારને ટિકીટ આપી છે તેથી બેઠકમાં રસપ્રદ સમીકરણો બની રહ્યા છે. જામનગર બાદ શ્રી રત્નાકર અને હર્ષ સંઘવી રાજકોટ આવ્યા હતા અને કાલાવાડ રોડ પરની હોટેલ સિઝન્યર્સ રાજકોટ લોકસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્યો ઉપરાંત જીલ્લા-મહાનગરના સંગઠન પદાધિકારીઓને બેઠક બોલાવી ‘ફીડબેક’ થયા હતા.

આ બેઠકમાં નિખાલસ રીતે મંતવ્ય વ્યક્ત કરતા એક સંગઠન પદાધિકારીએ ક્ષત્રિય સમાજનું આંદોલન ‘પકડાઈ’ ગયુ છે અને તેથી હવે પક્ષે તેમાં વધુ કોઈ ‘ઉગ્રતા’ ન આવે તે જ પ્રયાસો કરવા માટે જણાવ્યું હતું અને પક્ષે હવે ફકત આંતરિક પ્રયાસોથી જ આ આંદોલનનો મુકાબલો કરવો પડશે તથા પક્ષના નેતાઓને કોઈ ઉશ્કેરણીજનક વિધાનોથી પુર્ણ દુર રહેવા ખાસ તાકીદ થઈ હતી. ખાસ કરીને સોશ્યલ મીડીયામાં કોમેન્ટમાં પણ હવે સતાવાર સિવાય કોઈ હેન્ડલ પર આ વિવાદ અંગે કોઈ અભિપ્રાય કે પ્રતિભાવ નહી આપવા પણ તાકીદ કરાયા હતા.

આ બેઠકમાં વાંકાનેરના રાજવી અને સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ગોંડલના પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, રાજકોટ ભાજપના મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, મોરલના ક્ષત્રિય અગ્રણી નરેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી તથા જીલ્લા ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ ઢોલરીયા પણ હાજર હતા.

 

સમાજથી વિમુખ થતા નહી: સંવાદ જાળવી રાખજો: ક્ષત્રિય નેતાઓને મહામંત્રી રત્નાકરની ખાસ સલાહ: તેઓ આપણા જ છે
રાજકોટ,તા.22

ગઈકાલે રાજકોટ આવેલા ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરે પક્ષના ક્ષત્રિય અગ્રણીઓ સાથેની બેઠકમાં પહેલા તેમના અભિપ્રાયો જાણ્યા બાદ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમુદાય સાથે આપણે સૌએ સતત સંપર્ક જાળવી રાખવાનો છે. સમાજથી વિમુખ થતા નહી તેઓ આપણા જ છે. શ્રી રત્નાકરે જણાવ્યું કે જે વિવાદ હતો તેમાં ત્રણ વખત માફી મંગાઈ ચૂકી છે પણ આપણે તેમને આપણી સાથે જ રાખવાના છે અને તેથી જ તમો બધા તમારા સમાજ સાથે હળતા મળતા રહેજો.

 

રૂપાલા વિરોધ યથાવત : સુરેન્દ્રનગરમાં શકિત મંદિરે ક્ષત્રિય બહેનોનાં ઉપવાસ આંદોલનનો પ્રારંભ
દૈનિક 21 બહેનો મંદિરે અનશન ઉપર બેસશે
(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 22

રાજકોટની લોકસભાના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલાના વિવાદી નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા ચાલી રહેલા આંદોલન પાર્ટ-2ના ભાગરૂપે સુરેન્દ્રનગરના દાળમીલ  રોડ પર આવેલા શ્રી શકિત માતાજીના મંદિર ખાતે ક્ષત્રિય સમાજના બહેનો પ્રતિક ઉપવાસ પર બેઠા હતા.

ગુજરાતમાંથી જે પાંચ બહેનોએ જોહરની ચીમકી ઉચ્ચારી હતી. એમાંથી એક એવા જાગૃતિબા રાઠોડે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ભાજપને ક્ષત્રિય સમાજ કરતા એમના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલા વધારે વહાલા છે, એમ લોકશાહી ઢબે ખુબ વિરોધ કર્યો છતાં અમને ક્ષત્રિય સમાજને ન્યાય ન મળતા નાછૂટકે અમારે આ અનશન કરવાની ફરજ પડી છે. આજથી રોજ ક્ષત્રિય સમાજની 21 બહેનો પ્રતિક ઉપવાસ પર બેસશે અને અમે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરૂધ્ધ મતદાન કરી યોગ્ય જવાબ આપીશું.

ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ રાજયભરમાં રૂપાલાનો વિરોધ કરવાનો એજન્ડા તૈયાર કર્યો છે. જેના ભાગરૂપે  દરરોજ ક્ષત્રિય સમાજની મહિલાઓએ ઉપવાસ કરવાનું શરૂ કરી દીધું છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj