700 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ કરનાર મિતેશ સેજપાલના જુનાગઢ સેસન્સ કોર્ટ દ્વારા મંજુર કરાયેલા જામીન રદ્દ કરવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇન્કાર

Crime | Rajkot | 24 February, 2024 | 11:36 AM
સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીમાં ગરીબ તથા જરૂરિયાતમંદ લોકો પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ, ફોટોગ્રાફ જેવા પુરાવાઓ મેળવી 11 બોગસ પેઢીઓ રચી બિલીંગ કૌભાંડ કર્યાનું ધ્યાને આવેલું હતું
સાંજ સમાચાર

રાજકોટ, તા.24
700 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં આરોપી મિતેશ સેજપાલના જુનાગઢ સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા જામીન રદ્દ કરવા માટેની સ્ટેટ જી.એસ.ટી. ડિપાર્ટમેન્ટની અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં ફગાવવામાં આવેલ છે.

આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે, સ્ટેટ જી.એસ.ટી. ડિપાર્ટમેન્ટ, વિભાગ-11, રાજકોટના કાર્યક્ષેત્ર હેઠળ આવતા જૂનાગઢ ખાતે તા.05/04/2019 તથા તા. 03/06/2019ના રોજ તપાસની કાર્યવાહી કરવામાં આવેલ હતી. જેમાં 11 પેઢીઓ બોગસ જણાય આવેલ અને આ પેઢીઓના નોંધણી નંબરનો ઉપયોગ કરી ખુબ મોટા પ્રમાણમાં ઈ-વે બિલ જનરેટ કરવામાં આવેલ. પરંતુ તેઓ દ્વારા આઉટવર્ડ સપ્લાયની વિગતો પત્રકોમાં નહીં દર્શાવી ભરવાનો થતો વેરો ન ભરી કરચોરી કરી સરકારી વેરાને નુકસાન કરવામાં આવેલ હોવાનું જણાય આવેલ.

ઉક્ત 11 પેઢીઓની તપાસના અંતે જણાયેલ કે, દિલીપભાઈ મોહનભાઇ સેજપાલ તથા મિતેશભાઈ દિલીપભાઈ સેજપાલ પિતા-પુત્ર દ્વારા જૂનાગઢ તથા તેની આજુબાજુના વિસ્તારોમાંથી જરૂરીયાતમંદ માણસો પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ, ફોટોગ્રાફ જેવા પુરાવાઓ મેળવી તેના ઉપરથી જીએસટી નોંધણી નંબર મેળવેલ હતા. તેમજ તેઓ દ્વારા સદર નોંધણી નંબરનો ઉપયોગ કરીને કુલ રૂ. 235.26 કરોડના વેચાણના વ્યવહારો અંગેના ઈ-વે બીલ જનરેટ કરી આઉટવર્ડ સપ્લાયની વિગતો પત્રકોમાં નહીં દર્શાવી ભરવાનો થતો વેરો ન ભરી કરચોરી કરેલ હોવાનું જણાય આવેલ.

તપાસમાં જણાય આવેલ કે સદર પિતા-પુત્રએ કરચોરી કરવાના આશયથી આંતર-રાજ્ય માલની મુવમેન્ટ સરળતાથી થાય તે હેતુથી બોગસ નોંધણી નંબર મેળવી તેના આધારે ઇ-વે બિલ જનરેટ કરી માલની રવાનગી કરી કરચોરી કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વેરાપાત્ર ચીજ વસ્તુની રવાનગી સમયે ઈ-વે બિલ નિયમોનુસાર જનરેટ કરવા ફરજીયાત છે. માલની રવાનગી દરમિયાન રસ્તામાં સ્ટેટ જી.એસ.ટી.ની મોબાઇલ સ્કવોડથી બચવા બોગસ નોંધણી નંબરનો ઉપયોગ કરી ઈ-વે બીલ જનરેટ કરી કરચોરી કરેલ હોવાનું તપાસમાં જણાય આવેલ.

ઉપરોક્ત કાર્યવાહી દરમિયાન દિલીપભાઈ મોહનભાઇ સેજપાલની તા.19/04/2019ના રોજ સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવેલ. પુત્ર મિતેશભાઈ દિલીપભાઈ સેજપાલ બે વર્ષથી ફરાર હતા. આરોપી તપાસના બે વર્ષ જેટલા સમયથી ફરાર હોવાથી વિભાગ તેને શોધવા સતત પ્રયત્નશીલ હતો. વિભાગને મળેલ જાણકારી મુજબ મિતેશ સેજપાલ રાજકોટના સાધુવાસવાણી રોડ વિસ્તારમાં ગાર્ડન સિટી ફ્લેટમાં ભાડેથી રહેતો હોવાનું જણાય આવતા તેના સદર રાજકોટ ખાતેના રહેઠાણ સ્થળે તા.22/10/2021ના રોજ સર્ચ-સિઝરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

જેમાં લેપટોપ, મોબાઈલ, જુદી જુદી પેઢીઓની કોરી ચેકબુક તેમજ અન્ય વાંધાજનક હિસાબી સાહિત્ય મળી આવેલ. જેને જપ્ત કરવામાં આવેલ. આ સાહિત્યમાં ઉક્ત 11 પેઢીઓ સિવાયની પણ રાજ્ય તેમજ રાજ્ય બહારની અન્ય પેઢીઓ મળી આવેલ જેના આધારે રૂ. 500 કરોડથી વધુ રકમના અન્ય બોગસ વ્યવહારો પણ જણાય આવેલ. આમ કુલ રૂ. 700 કરોડથી પણ વધુ રકમનું બોગસ બિલીંગ કૌભાંડ ધ્યાનમાં આવેલ.

મિતેશ દિલીપભાઈ સેજપાલની જીએસટી અધિનિયમની કલમ 132 (1) (એ), (બી), (સી) સબબના ગુનામાં સંડોવણી જણાય આવતા તેની તા.23/10/2021 ના રોજ રાજકોટ ખાતેથી ધરપકડ કરવામાં આવેલ. ત્યારબાદ આરોપીને નામદાર ચીફ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ, જૂનાગઢ સમક્ષ રજુ કરવામાં આવતા તેને કોર્ટ દ્વારા જ્યુડીશ્યલ કસ્ટડીમાં લઇ જેલ હવાલે કરવામાં આવેલ.

ત્યારબાદ જેલ મુક્ત થવા આરોપી મિતેશ દિલીપભાઈ સેજપાલે પોતાના વકીલ અપૂર્વ એન. મહેતા મારફત નામદાર જૂનાગઢ સેસન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ. જે અરજીનો સ્ટેટ જી.એસ.ટી. ડિપાર્ટમેન્ટ દ્વારા લંબાણપૂર્વકનું સોગંદનામું રજુ કરીને સખત વિરોધ કરવામાં આવેલ. પરંતુ આરોપીના વકીલની તર્કસંગત દલીલો તેમજ અલગ અલગ હાઈકોર્ટ તથા સુપ્રીમકોર્ટના ચુકાદાઓ ધ્યાને લઇ નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ દ્વારા આરોપીને રૂ. 5 લાખના જામીન પર જામીન મુક્ત કરવાનો હુકમ તા.11/11/2021ના રોજ ફરમાવવામાં આવેલ.

ત્યારબાદ સેસન્સ કોર્ટ દ્વારા મંજુર કરાયેલા ઉપરોકત જામીન રદ્દ કરવા સ્ટેટ જી.એસ.ટી. ડીપાર્ટમેન્ટ દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજી કરવામાં આવેલ. જે અરજી અન્વયે હાઇકોર્ટ દ્વારા તા.29/03/2022ના હુકમથી આરોપીને નોટીસ ઇસ્યુ કરવામાં આવેલ. ત્યારબાદ ઉપરોક્ત જામીન રદ્દ કરવા માટેની અરજી ચાલવા ઉપર આવતા સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્વારા આરોપી દ્વારા ગંભીર ગુનો આચરેલ હોય, સેસન્સ કોર્ટ દ્વારા અપાયેલ જામીન રદ્દ કરવા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલ. સદરહુ અરજીનો આરોપીના વકીલ અપૂર્વ એન. મહેતા દ્વારા સખત વિરોધ કરવામાં આવેલ.

આરોપીના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે સેસન્સ કોર્ટ દ્વારા યોગ્ય કારણો નોંધી, તમામ બાબતો ચકાસીને જામીન આપવામાં આવેલ છે. વળી આરોપીના પિતાને પણ આજ ગુનામાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવેલ હોય, જે હુકમને સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્વારા આજદિન સુધી સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવેલ નથી. જામીન તે અંગત સ્વતંત્રતાની બાબત હોય, વ્યાજબી કારણો વિના તેમાં કોઈ ફેરફાર ન કરવો જોઈએ. ઉપરોક્ત રજૂઆત થકી સદરહુ જામીન રદ્દ કરવા માટેની અરજી નામંજૂર કરવા વિનંતી કરવામાં આવેલ. 

ઉપરોક્ત બંન્ને પક્ષોની દલીલોના અંતે બચાવપક્ષની દલીલોને માન્ય રાખીને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા તા.01/02/2024ના હુકમથી સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્વારા કરવામાં આવેલ અરજી નામંજુર કરી આરોપી મિતેશ સેજપાલના સેસન્સ કોર્ટ દ્વારા મંજુર કરાયેલ જામીન કાયમ રાખવામાં આવેલ.   ઉપરોક્ત કેસમાં આરોપી મિતેશ સેજપાલ વતી ગુજરાત હાઈકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી અપૂર્વ એન. મહેતા તથા એડવોકેટ જયદીપ એમ. કુકડીયા રોકાયેલ હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj