રાજકોટ,તા.18
ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનું સૂચન કરતા રાજ્યમાં અલગ ટ્રાફિક ફોર્સ એટલે કે ટ્રાફિક પોલીસની એક અલગ જ પ્રકારની શાખા ઉભી કરવા માટે રાજ્ય સરકારને સૂચન કરેલું છે.
આ બાબતે શક્યતાઓ કેવી છે અને નાના મોટા શહેરોની વસ્તી પ્રમાણે કેવી રીતે અલગ ટ્રાફિક બ્રિગેડ ઊભી કરી શકાય તેનો એક અહેવાલ રાજ્ય ટ્રાફિક બ્રાન્ચના સાથે મતલબ કરીને તૈયાર કરીને રજૂ કરવા આદેશ કર્યો છે.
એટલું જ નહીં હેલ્મેટના નિયમોનો અમલ થયો છે કે, નહીં તે બાબતે પણ હાઇકોર્ટે આદેશ આપ્યો છે. વળી ખુદ હાઇકોર્ટે પણ પોતાના કર્મચારીઓ અને અધિકારીઓ કે જેઓ ટુ-વ્હીલર ઉપર આવે છે તેમના માટે હેલ્મેટ પહેરવાનો નિયમ ફરજિયાત બનાયો હોવાથી તેનો પણ અમલ થાય છે કે, નહીં તે બાબતે રજીસ્ટ્રાર જનરલને એક રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે, હાઇકોર્ટ દ્વારા એ પરિપત્ર બહાર પાડીને પોતાના કર્મચારીઓને હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. તેઓ નિયમ લાગુ કર્યો હતો. હાઇકોર્ટના આ પરિપત્ર બાદ રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોએ પણ પોતાના કર્મચારીઓ માટે આવો નિયમ લાગુ કર્યો હતો.
રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદ શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ, તૂટેલા રસ્તાઓ અને ટ્રાફિક જામની સમસ્યાઓ બાબતે એક સુઓ મોટો પીઆઈએલ ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહી છે.
આ અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ દ્વારા સરકારી વકીલને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, રાજ્યમાં ટ્રાફિક પોલીસની અલગ કેડર છે કે નહીં ત્યારે સરકારી વકીલ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે બિન હથિયાર ધારી પોલીસ કોન્સ્ટેબલો અને અધિકારીઓને પ્રતિનિયુક્તિ ઉપર ટ્રાફિક શાખામાં મૂકવામાં આવે છે.
આ સાંભળીને ચીફ જસ્ટિસ દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, શું તેઓને તાલીમ પણ આપવામાં આવે છે તો સરકારી વકીલ એ હકારમાં જવાબ આપ્યો હતો . બીજી બાજુ ગત વર્ષે ચીફ જસ્ટિસની કોર્ટ દ્વારા ટુવિલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો નિયમ કડકાઈથી અમલમાં લાવવા માટે આદેશ કરવામાં આવ્યો હતો.
તે બાબતમાં પણ પૃચ્છા કરી હતી. આથી અદાલતે આ બાબતમાં એટલે કે, હેલ્મેટના નિયમો ટ્રાફિક મેનેજમેન્ટ અને પોલીસ રિક્રુટમેન્ટ બાબતે અન્ય પીઆઈએલ પણ થઈ હોવાથી તેમાં સરકારી તંત્ર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંધનામા સહિત તમામ કાગળો ભેગા કરી અને રજૂ કરવાનો આદેશ કર્યો હતો.
બીજી બાજુ રાજ્યમાં અલગ ટ્રાફિક બ્રિગેડ ઊભી કરવા માટે પણ શકયતાઓ છે કે, નહીં તે બાબતે અહેવાલ રજૂ કરવા હાઇકોર્ટના આદેશ કર્યો હતો. વધુમાં ટ્રાફિક પોલીસની ભરતી બાબતે કરવામાં આવેલી કાર્યવાહીનો પણ વિસ્તૃત અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો હતો. આ બાબતે વધુ સુનાવણી 14 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy