આકરો તડકો જીવ લેશે!: રાજકોટમાં રકતની 90 ટકા અછત

Saurashtra | Rajkot | 24 May, 2024 | 04:31 PM
♦ બ્લડ માટે રોજ 150થી વધુ ઈન્કવાયરીઓ: ઉનાળામાં રકતદાન કરવાથી ડરતા લોકો
સાંજ સમાચાર

♦ સ્વૈચ્છિક રકતદાન અને બ્લડ કેમ્પ ઘટયા: દોઢ માસથી હાલાકી: 50 ટકા રકત થેલેસેમીયા પીડિતોને ચડાવાય છે

♦ રકતદાતાઓને રકતદાનની અપીલ કરતી બ્લડ બેંકો

રાજકોટ,તા.24
કહેવાય છે કે રકતદાન એ મહાદાન કોઈનું જીવન બચાવવાથી મોટું કાર્ય બીજુ કાંઈ નથી. અનેક ઘટનાઓમાં રકતની જરૂર પડે છે કોઈ ઓપરેશન હોય કે અકસ્માત અથવા સૌથી વધુ થેલેસેમીયા પીડિત બાળકોને જરૂર પડે છે જેમાં મેજર થેલેસેમીયા પિડીત બાળકોને દર સપ્તાહે રકતની તાતી જરૂર પડે છે જો લોહી ન ચડાવવામાં આવે ત્યારે તેઓ મોતને પણ ભેટે છે.

ત્યારે હાલ રકતની તીવ્ર અછત સર્જાણી છે. માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આ પરિસ્થિતિ છે તેનું મુખ્ય કારણ આકરો તડકો છે. ઉનાળાની શરૂઆતથી રકતની અછત સર્જાવાનું શરૂ થઈ જાય છે. દર વર્ષે આ જ પરિસ્થિતિ સર્જાય છે. પરંતુ આ વર્ષે પરિસ્થિતિ વકરી હોય તેવું જોવા મળી રહ્યું છે.

સામાન્ય દિવસોમાં 100% રકતદાન થાય છે પરંતુ હાલ માત્ર 10થી 20 ટકા રકતદાન થઈ રહ્યું છે. સ્વૈચ્છીક રકતદાન સંપૂર્ણપણે બંધ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. લોકો રકતદાન કરવા ડરી રહ્યા છે.

રકતની અછત સૌથી વધુ થેલેસેમીયા પીડીત બાળકોને અસર કરે છે. મેજર થેલેસેમીયા પીડિત બાળકોને દર સપ્તાહ રકત ચડાવવું પડે છે. આ ઉપરાંત માઈનોર થેલેસેમીયા પીડીતોને મહિને રકત ચડાવવું પડે છે. આથી અત્યારે સર્જાયેલ રકતની અછતે તેઓ માટે વિકટ પરિસ્થિતિ ઉભી કરી છે. બ્લડ બેંક દ્વારા લોકોને રકતદાન માટે અપીલ કરવામાં આવી રહી છે.

રાજકોટમાં અનેક સ્થળોએ રકતદાન કેમ્પનું આયોજન કરતા વિનયભાઈ જસાણી જણાવે છે કે હાલ રકતની બોટલ ઓછી એકત્ર થઈ રહી છે. આકરો ઉનાળો અને વેકેશન આ બે મુખ્ય પરિબળો અસર કરી રહી છે. વેકેશનના કારણે લોકો બહાર ફરવા નીકળી જાય છે અને ઉનાળાના કારણે લોકો બહાર નીકળવાનું ટાળે છે. આ ઉપરાંત લોકોની માનસીકતા એવી થઈ છે કે ઉનાળામાં રકતદાન કરવાથી શરીરમાં નબળાઈ અને રકતની ઉણપ ઉભી થાય છે. આ ડરના કારણે લોકો રકતદાન કરતા અચકાઈ રહ્યા છે.

જીવનદીપ બ્લડ બેંકના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મનીષભાઈ વીડજા જણાવે છે કે બ્લડ બેંકોમાં 90 ટકા બ્લડની અછત છે હાલ માત્ર 20થી 25 બોટલ આવી રહી છે. કેમ્પ પણ યોજાતા નથી અને જે લોકોએ સ્વૈચ્છીક રકતદાન માટે આવતા તે ડોનરો પણ ઘટયા છે. સામે બ્લડની બોટલ મેળવવા માટે ઈન્કવાયરી માટેના ફોન બમણા થઈ ગયા છે. છેલ્લા દોઢ માસથી રાજકોટની તમામ બ્લડ બેંકો આ પરિસ્થિતિનો સામનો કરી રહી છે. કીડની અને થેલેસેમીયા પીડીતોને સૌથી વધુ બ્લડની જરૂર પડે છે.

આથી લોકો સામેથી રકતદાન કરે તેવી અપીલ છે. સૌ પ્રથમ પરિવારોએ જ રકતદાન માટે આગળ આવવાની જરૂર છે. કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર લોકો રકતદાન કરે.

રાજકોટ વોલન્ટરી બ્લડ બેંકના જનસંપર્ક અધિકારી કિરીટભાઈ ભટ્ટ જણાવે છે કે રકતની એટલી અછત સર્જાણી છે કે લોકોને ફોન કરીને રકતદાન માટે અપીલ કરવી પડે છે. રોજ 70થી 80 બોટલોની જરૂર પડે છે. પરંતુ હાલ માત્ર 15થી 20 જ બોટલ આવી રહી છે. 50 ફોનમાંથી માત્ર પાંચ લોકો જ રકતદાન માટે આવે છે. હાલ માત્ર 20 ટકા જ રકતદાન થઈ રહ્યું છે.

રેડક્રોસમાં સેવા આપતા પંકજભાઈ ઘેડીયા જણાવે છે કે સૌ પ્રથમવાર આવું બન્યું છે કે મોટા પ્રમાણમાં રકતની અછત સર્જાણી છે. દર બે દિવસે રાજકોટમાં રકતદાન કેમ્પ યોજાતા હતા જેમાં 100થી 150 બોટલ એકત્ર થતી હતી અને સ્વૈચ્છીક રકતદાતાઓ પણ રકતદાન માટે આવતા હતા. જેમાં અંદાજે 1000 બોટલો બ્લડ બેંકને મળતી હતી. પરંતુ હાલ માત્ર 100થી 200 બોટલ જ એકત્ર થાય છે.

રાજકોટમાં અકસ્માતો અવાર નવાર બનતા જ હોય છે તેમાં પણ બ્લડની જરૂર પડે છે. થેલેસેમીયા પીડીતોને પણ બ્લડ ચડાવવામાં આવે છે આથી બ્લડની જરૂરત મોટા પ્રમાણમાં છે. રોજ 150 ઈન્કવાયરી બ્લડ માટેની આવી રહી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj