ચૂંટણીમાં પોલીસે કરેલી કામગીરી પર મને ગર્વ: DGP

Saurashtra, Lok Sabha Election 2024 | Rajkot | 15 May, 2024 | 04:02 PM
♦ ડીજીપી વિકાસ સહાયે રાજકોટ ખાતે રાજકોટ પોલીસ કમિશનરેટ, જૂનાગઢ રેન્જ, રાજકોટ રેન્જ અને ભાવનગર રેન્જના વરિષ્ઠ આઇપીએસ અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સ બેઠક યોજી
સાંજ સમાચાર

♦ ચૂંટણી દરમિયાન વરિષ્ઠ અધિકારીઓને થયેલા અનુભવો જાણવા અને કામગીરી પ્રત્યે મારો સંતોષ વ્યક્ત કરવા હું રાજકોટ આવ્યો છું : રાજ્ય પોલીસ વડા વિકાસ

રાજકોટ, તા.15
ડીજીપી વિકાસ સહાયે રાજકોટ ખાતે રાજકોટ પોલીસ કમિશનરેટ, જૂનાગઢ રેન્જ, રાજકોટ રેન્જ અને ભાવનગર રેન્જના વરિષ્ઠ આઇપીએસ અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સ બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં પોલીસે કરેલી કામગીરી પર મને ગર્વ છે. ચૂંટણી દરમિયાન વરિષ્ઠ અધિકારીઓને થયેલા અનુભવો જાણવા અને કામગીરી પ્રત્યે મારો સંતોષ વ્યક્ત કરવા હું રાજકોટ આવ્યો છું. રાજકોટ આવેલ ડીજીપીને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.

ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, ગુજરાત રાજયમાં ચૂંટણી ખુબ શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ છે. જે બદલ ગુજરાત પોલીસની સારી કામગીરીને બિરદાવવા હું રાજયના અલગ અલગ એકમોમાં પ્રવાસમાં જઇ રહ્યો છું. આજે પોલીસ કમિશ્નરેટ રાજકોટ, રાજકોટ રેન્જ, જુનાગઢ રેન્જ અને ભાવનગર રેન્જના તમામ વરિષ્ઠ પોલસી અધિકારીઓ સાથે એક મીટીંગ કરી હતી.

આ મીટીંગમાં આ એકમો તરફથી ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા-પ્રચાર તેમજ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ મેં તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને અભિનંદન આપ્યા છે. તેમની કામગીરી અંગે મેં સંતોષ વ્યકત કર્યો છે સાથે ભારપૂર્વક મેં જણાવ્યું છે કે, ગુજરાત પોલીસના વડા તરીકે પોલીસની જે ચૂંટણીલક્ષી કામગીરી હતી તે કામગીરી પ્રત્યે મને ખુબ જ ગર્વ છે.

આપણે જાણીએ છીએ કે, ચૂંટણીની પ્રક્રિયામાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો હોય છે. ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી ચૂંટણીનું યોગ્ય રીતે આયોજન થાય તેવા હુકમો-આદેશો થતા હોય છે. તમામ માર્ગદર્શનનું-આદેશનું પાલન કરવાની જવાબદારી રાજય પોલીસની હોય છે. ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાની સૂચનાનું યોગ્ય રીતે અમલ થાય તેના માટે છેલ્લા કેટલાક મહિનાઓથી પોલીસ મહેનત કરતી હતી. જેનું આ પરિણામ છે કે રાજયમાં ચૂંટણી કામગીરી સફળતાપૂર્વક સંપન્ન થઇ.

આ પ્રશંસનીય  કામગીરી ઉપરાંત ગુજરાત પોલીસ વતી, તમામ અધિકારી-કર્મચારી વતી હું તમામ રાજકીય પક્ષના નેતાઓ, આગેવાનો અને ખાસ કરીે મતદારોનો પણ આભાર માનું છું. સફળતાપૂર્વક ચૂંટણી આયોજન માટે જે સાથ, સહકાર, મદદ ગુજરાત  પોલીસને રાજકીય આગેવાનો તરફથી મળી રહી છે.

મતદારો તરફથી મળી છે. એના કારણે એકબીજાના સાથ-સહયોગ ના કારણે, સંકલનના કારણે આપણે લોકસભા ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી શકયા છીએ. મતદાનના દિવસે પણ મતદારોએ સાથ-સહકાર આપ્યો છે. આજે રાજકોટની આ બેઠકમાં અલગ અલગ એકમના વરિષ્ઠ અધિકારીએ ભાગ લીધો હતો. 

ચૂંટણી બંદોબસ્તમાં પ્રચાર વખતે અને મતદાન વખતે થયેલા અનુભવોની ચર્ચા થઇ હતી. તમામ પાસેથી ફીડબેક લેવામાં આવેલ જેથી કરીને ભવિષ્યમાં અનુભવો પરથી કામગીરી કરી શકાય. મતદાનના દિવસે પોલીસે, દિવ્યાંગો અને અશકત મતદારોની જે મદદ કરી તેના ફોટો-વિડીયો મે જોયા, એટલે હું કહું છું કે મને કામગીરીથી ખુબ ગર્વ થયો છે. 

પોલીસે કાયદો-વ્યવસ્થા જાળવવાના પ્રશ્નો ધ્યાને રાખ્યા તે ઉપરાંત પ્રજા સાથે સંકલન  જાળવ્યું. આજની મીટીંગ બે મુદા પર હતી એક ચૂંટણી કામગીરી અને બીજુ મારો સંતોષ વરિષ્ઠ અધિકારી સમક્ષ  વ્યકત કરવાની મને ઇચ્છા હતી. પોલીસ વર્ષના પ્રથમ ચાર મહિના દરમિયાન ચૂંટણીલક્ષી કામગીરી હોવા છતાં કાયદો- વ્યવસ્થા જાળવવાની કામગીરી ખુબ સારી રહી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj