રાજકોટનું ઋણ હું વિકાસ કાર્યો સાથે વ્યાજ સહિત ચૂકવતો રહીશ : વડાપ્રધાન મોદી

Gujarat | Rajkot | 26 February, 2024 | 12:05 PM
વડાપ્રધાને કહ્યું કે ગઇકાલે અને આજે અતિ મહત્વનો દિવસ છે, 24 ફેબ્રુઆરીએ મને રાજકોટે ધારાસભ્ય તરીકે ચૂંટી કાઢી મારી રાજકીય યાત્રા શરૂ કરાવી હતી, રપ ફેબ્રુઆરીએ મે પ્રથમ વખત શપથ ગ્રહણ કર્યા હતા
સાંજ સમાચાર

રાજકોટ, તા. 26

ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દ્વારકામાં કાર્યક્રમ આપ્યા પછી બપોર બાદ તેઓ રાજકોટની ધરતી પર પધાર્યા હતા. અહીં એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી તેમનો ભવ્ય રોડ-શો યોજાયો હતો તે પછી વડાપ્રધાને રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જંગી મેદનીને સંંબોધી હતી. વડાપ્રધાને પોતાની રાજકીય યાત્રાની શરૂઆતના તબકકાને યાદ કરી જણાવ્યું હતું કે રાજકોટમાંથી હું પ્રથમ વખત ચૂંટાયો હતો. રાજકોટના લોકોએ મને પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટી કાઢેલ. રાજકોટવાસીઓનું આ ઋણ હું  વિકાસ કાર્યો સાથે વ્યાજ સહિત ચૂકવતો રહીશ. 

વડાપ્રધાનને રાજકોટમાં ખંઢેરી સ્થિત 11 હજાર કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર એઇમ્સ હોસ્પિટલના આઇપીડી વિભાગનું લોકાર્પણ કર્યુ હતું. ઉપરાંત 120 કરોડના ખર્ચે બનેલ ઝનાના હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ હતું. આમ આ સિવાય કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું હતું. તેમને પોતાના સંબોધનમાં રાજકોટ અને રાજકોટવાસીઓને વિશેષ રીતે યાદ કર્યા હતા. તેમણે પોતાની રાજકીય કારકીર્દીની શરૂઆતના તબકકાને વાગોળ્યો હતો. તેમણે કહ્યું કે રાજકોટવાસીઓએ જ મને પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટી કાઢયો હતો. મને ખાસ યાદ છે કે 24 ફેબ્રુઆરી એટલે કે ગઇકાલનો દિવસ વિશેષ છે. કારણ કે 22 વર્ષ પહેલા ર4 ફેેબ્રુઆરીના રોજ રાજકોટમાંથી હું ધારાસભ્યની ચૂંટણી લડયા બાદ ચૂંટાઇ આવ્યો હતો અને રપમી ફેબ્રુઆરીએ મે વિધાનસભામાં શપથ ગ્રહણ કર્યા હતા. આમ રાજકોટવાસીઓનું ઋણ મારા  પર રહ્યું છે. જે ઋણ ચુકવવા હું સતત પ્રયત્નશીલ છું. 

રાજકોટ ખાતેના સંસ્મરણો વાગોળતા વડાપ્રધાને જણાવ્યું કે રાજકોટવાસીઓએ આપેલ પ્રેમ અને વિશ્ર્વાસ બદલ હું આભાર વ્યકત કરૂ છું. આખો દેશ વડાપ્રધાન પર આશિર્વાદ વરસાવે છે તે રાજકોટને આભારી છે. ખુબ લાંબો સમય થયો હોવા છતાં રાજકોટની જનતાનો પ્રેમ યથાવત રહ્યો છે. આ પ્રેમ વ્યાજ સાથે ચુકવવાનો સદા પ્રયાસ કરીશ. વડાપ્રધાને ઉમેર્યુ કે રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યા બાદ હવે વર્લ્ડ કલાસ આરોગ્ય સુવિધાવાળી એઇમ્સ હોસ્પિટલ 
મળી છે. 

એરપોર્ટનું ખાતમુહૂર્ત મે કર્યુ અને લોકાર્પણ પણ મે કર્યુ એવી જ રીતે એઇમ્સ હોસ્પિટલનું ખાતમુહૂર્ત 2020માં કર્યુ હતું અને ત્રણ વર્ષ બાદ આજે મે તેનું લોકાર્પણ કર્યુ છે. આ જ મોદીની ગેરેંટી એ ગેરેંટી પૂરી કરવાની ગેરેંટી છે. આ સાથે વડાપ્રધાને વિશ્ર્વકર્મા યોજનાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજકોટની પ્રખ્યાત સોની બજારમાં હજારો કારીગરો કામ કરે છે અને યોજનાનો લાભ લઇ રહ્યા છે. તેમણે ઉમેર્યુ કે રાજકોટમાંથી 30 હજાર લોકો વિશ્ર્વકર્મા યોજનામાં જોડાયા છે.

રેસકોર્સમાં સભા સંબોધતી વખતે વડાપ્રધાને રાજકોટની પ્રખ્યાત સોની બજારને પણ યાદ કરી 

આખો દેશ વડાપ્રધાન પર આશિર્વાદ વરસાવે છે તે રાજકોટને આભારી છે: PM

► ડો.ભરત બોઘરાએ વડાપ્રધાનને રજવાડી પાઘડી પહેરાવી આવકાર્યા
રેસકોર્ષ ખાતે યોજાયેલી સભામાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઘડી પહેરાવી સ્વાગત કર્યુ હતું.  ડો.બોઘરા પાઘડી પહેરાવ્યા બાદ વડાપ્રધાન મોદીને પગે લાગવા જતા હતા ત્યાં જ પીએમએ તેમને અટકાવી દીધા હતા. 

► રોડ શોમાં રામાયણના પાત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા 
રાજકોટ : રોડ શોમાં મહાનગરપાલિકાના ફલોટ પરથી બાળકોએ રામાયણના પાત્રોની વેશભૂષામાં વડાપ્રધાન મોદીને આવકાર્યા હતા. જેમાં શ્રી રામ-સીતા,બાળ જટાયુ, શબરી જેવા બાળ રામાયણના પાત્રોએ લોકોમાં જબરુ આકર્ષણ જગાવ્યું હતું.

► એઇમ્સની થ્રીડી પ્રિન્ટીંગ વડાપ્રધાનને અર્પણ કરાઇ
સૌરાષ્ટ્ર રાજકોટના સાંસદો મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, રાજેશભાઇ ચુડાસમા, ભારતીબેન શીયાળ, નારણ કાછડીયા, કેસરીદેવસિંહ ઝાલા દ્વારા એઇમ્સની થ્રીડી પ્રિન્ટીંગ વડાપ્રધાનને અર્પણ કરાઇ હતી. આ પ્રિન્ટીંગ રાજકોટના ઔદ્યોગિક વિસ્તારના કારીગરો દ્વારા ખાસ તૈયાર કરાઇ હતી. 

► શહેર ભાજપ દ્વારા એઇમ્સ અને ઝનાના હોસ્પિટલની પ્રતિકૃતિ આપી વડાપ્રધાનને આવકારવામાં આવ્યા
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી માધવ દવે, વિરેન્દ્રસિંહ જાડેજા, અશ્ર્વિન મોલીયા, મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી દ્વારા વડાપ્રધાનને એઇમ્સ અને ઝનાના હોસ્પિટલની પ્રતિકૃતિ આપી આવકાર અપાયો હતો

► એઇમ્સનું ચારકોલ પેઇન્ટીંગ વડાપ્રધાનને આપી અભિવાદન કરાયું
કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, ડો. મહેન્દ્ર મુંજપરા, ભાજપના પીઢ આગેવાન વજુભાઇ વાળા અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાનને એઇમ્સ હોસ્પિટલનું પેઇન્ટીંગ આપી તેમનું અભિવાદન કર્યુ હતું.

► રામ મંદિરની પ્રતિકૃતિ આપી ધારાસભ્યોએ વડાપ્રધાનનું સ્વાગત કર્યુ 
રાજકોટ પધારેલા વડાપ્રધાનને આવકારવા રાજકોટ શહેર અને જિલ્લાના ધારાસભ્યોએ રામ મંદિરની પ્રતિકૃતિ આપી  તેમનું સ્વાગત કર્યુ હતું. જેમાં ધારાસભ્ય સર્વ ઉદયભાઇ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા,  ડો. મહેન્દ્ર પાડલીયા, જીતુભાઇ સોમાણી, દુર્લભજી દેથરીયા, જયેશભાઇ રાદડીયા, ગીતાબા જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

► જસદણના કારીગરો દ્વારા લાકડામાંથી બનાવાયેલ એઇમ્સની પ્રતિકૃતિ વડાપ્રધાનને અર્પણ કરાઇ હતી
જસદણના કારીગરો દ્વારા એઇમ્સ હોસ્પિટલની લાકડામાંથી ખાસ પ્રકારની પ્રતિકૃતિ તૈયાર કરાઇ હતી. જે રાજકોટ આવેલા વડાપ્રધાનને અર્પણ કરાઇ હતી જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે  આ કૃતિ વડાપ્રધાનને આપી તેનું સ્વાગત કર્યુ હતું. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj