◙ ભાવનગર - શિહોરમાં 30 સહિત કુલ 32 સ્થળોએ 200 અધિકારીઓ ત્રાટકયા: મોટી રકમની કરચોરી પકડાવાની આશંકા
રાજકોટ તા.18
નાણાંકીય વર્ષની સમાપ્તી પૂર્વે ઈન્કમટેકસ દ્વારા સર્ચ ઓપરેશનનો સિલસિલો શરૂ કરી દેવામાં આવ્યો હોય તેમ આજે ભાવનગરમાં બિલ્ડરો, ઝવેરીઓ તથા તમાકુનાં વેપારીઓ પર મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા હતા. ભાવનગરમાં 30 તથા નડીયાદમાં બે મળીને કુલ 32 સ્થળોએ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આવકવેરા વિભાગ દ્વારા છેલ્લા દિવસોમાં જામનગર-અમદાવાદમાં દેવ સોલ્ટ ગ્રુપ તથા વાપી-વલસાડમાં બિલ્ડરો-આર્કીટેકટને ઝપટે લેવામાં આવ્યા બાદ આજે ભાવનગર પર નિશાન તાકવામાં આવ્યું હતું. ભાવનગરમાં સુમેરૂ ડેવલપર્સ તથા તેની સાથે કનેકશન ધરાવતા ઝવેરીઓ વગેરે પર દરોડા પાડવામાં આવ્યા હતા. એમ કહેવાય છે કે દરોડાની ઝપટે ચડેલા બિલ્ડર જુથ રાજકારણમાં પણ સારી નામના ધરાવે છે.
સીધી રીતે રાજકારણ સાથે સંકળાયેલા છે. તેઓનાં નિવાસસ્થાન, ઓફીસ તથા પ્રોજેકટ સાઈટ પર પણ અધિકારીઓનાં કાફલા ત્રાટકયા હતા આ સિવાય તમાકુનાં વેપારમાં મોટુ નામ ધરાવતા રણછોડભાઈ ધોળકીયા જુથને પણ નિશાન બનાવવામાં આવ્યુ હતું. દરોડામાં ઝપટે ચડેલા જુથ સાથેના કનેકશનમાં નડીયાદમાં પણ બે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
સુત્રોના કહેવા પ્રમાણે ભાવનગરમાં બિલ્ડર જુથ સાથે સંકળાયેલા જાણીતા સોની વેપારીઓને પણ દરોડામાં આવરી લેવાયા છે. ભાવનગર-શિહોરમાં જ 30 સ્થળોએ દરોડામાં આવકવેરાનાં 150 થી વધુ અધિકારીઓનો કાફલો જોડાયો હતો. પ્રાથમીક તપાસમાં જ શંકાસ્પદ વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા જે જપ્ત કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.કરોડો રૂપિયાનાં નાણાકીય વ્યવહારોનો ખુલાસો થવાના તથા જંગી માત્રામાં કરચોરી પકડાવાની આશંકા છે.
ભાવનગરમાં મોટામાથાઓ ઈન્કમટેકસની ઝપટે ચડતાં બિલ્ડર ઉપરાંત ઝવેરી સહીતના તમામ વેપાર ઉદ્યોગકારોમાં ફફડાટ સર્જાયો છે. માર્ચની સમાપ્તીને આડે દોઢ મહિનો પણ બાકી નથી ત્યારે આવકવેરા વસુલાતનો લક્ષ્યાંક હાંસલ કરવા આવતા દિવસોમાં વધુ દરોડા પડવાની ભીતિથી ફફડાટ છે. આવકવેરા અધિકારીઓનો મોટો કાફલો ઉતરતા અમુક વેપારીઓએ તો મોડે સુધી દુકાનો ખોલવાનું જ ટાળ્યુ હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy