તેમની માનસીકતા ઠીક નહીં હોય એટલે બોલી ગયા હશે, તમારી ઠીક રાખજો : પાટીલ

Gujarat, Politics | Ahmedabad | 10 April, 2024 | 03:58 PM
◙ પ્રદેશ ભાજપ પ્રમુખ અકળાયા : વડોદરા બુથ સંમેલનમાં કોઇનું નામ લીધા વગર પ્રદેશ પ્રમુખે કરેલી ટકોર સૂચક : ગુજરાત ભાજપને વિવાદમાં હોમનાર મુદ્દા અંગે આડકતરો સૂર : કોણ શું કહે છે તેની ચિંતા ન કરો
સાંજ સમાચાર

◙ હું પ્રદેશ પ્રમુખ ન હતો છતાં પણ બે વખત 23 બેઠકો જીતી છે, હવે મારે દરેક સીટ પર પાંચ લાખની લીડ અપાવજો : વડોદરા બેઠક પર તો 10 લાખની લીડનો લક્ષ્યાંક આપતા પ્રદેશ પ્રમુખ

અમદાવાદ, તા. 10
ગુજરાતમાં લોકસભા ચૂંટણી સમયે ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોતમ રૂપાલાના ચોકકસ વિધાનના પગલે ક્ષત્રિય સમાજમાં જબરો રોષ છે તે સમયે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કરેલી એક ટકોર ભાજપમાં ચર્ચા બની ગઇ છે અને પાટીલનો ઇશારો કોના તરફ હતો તે અંગે અનુમાન થઇ રહ્યા છે.

પાટીલે કાર્યકર્તાઓને વાદ- વિવાદથી દુર રહેવા અને કોણ શું કહે છે તે ચિંતા નહીં કરવા એવું વિધાન કર્યુ કે તેની માનસિકતા ઠીક નહીં એટલે બોલી ગયા હશે પરંતુ તમારી માનસિકતા ઠીક રાખજો. પાટીલે જોકે આ વાકયમાં કોઇનું નામ લીધુ ન હતું. બુથ સંમેલનમાં તેઓએ આ વિધાન કરતા જ ભાજપમાં તે જબરી ચર્ચાનો વિષય બની ગયો છે.

કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, તમારી તાકાત અને પાર્ટી પ્રત્યે કમિટેડ છો એટલા માટે વિધાનસભાની ચૂંટણીમા મે 182 બેઠકો કહી હતી અને આજે પણ હું કહું છું કે 26માંથી 26 બેઠકો હું પ્રમુખ ન હતો ત્યારે પણ તમે બે વાર જીતીને અપાવી છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ રેકોર્ડ કરવા માટે સર્જાયેલો છે.

આ વખતે 26એ 26 બેઠકો જીતશે પણ દરેક સીટ 5 લાખથી વધુ મતે જીતે પણ બરોડા સીટ 10 લાખથી વધુ મતે જીતી શકાય એવી સ્થિતિ છે. જરૂર છે થોડું કામ કરવાની. વાદ-વિવાદમાંથી બહાર આવી જાવ. કોણ શું કહે છે તેની ચિંતા ના કરો. એમની માનસિકતા ઠીક નહીં હોય એટલા માટે કોઇ બોલી ગયા હશે. એની પણ ચિંતા ના કરો. તમે તમારી માનસિકતા ઠીક રાખો.

પાટીલે વધુમાં જણાવ્યુ કે, હું તો આજે અહિયાં બૂથ પ્રમુખોને જવાબદારી આપવા માટે આજે અહિયાં આવ્યો છું. તમામ બૂથ પ્રમુખ એ પોતાના બૂથના નેતા છે. તમારા બૂથમાં પ્રદેશ અધ્યક્ષ રહેતા હોય તો એ પણ તમારી નીચે આવે છે. બૂથ પ્રમુખ દ્વારા સોંપવામાં આવેલ કામ એ ધારાસભ્ય, સાંસદ, મંત્રી હોય કે પછી જીલ્લા પ્રમુખ હોય તેને સૂચન આપવામાં આવેલ કાર્ય કરવું પડે આ અધિકાર બૂથ પ્રમુખોને છે.

પેજ કમિટીની તાકાતને ઓછી નહીં આંકતા આ પેજ કમિટીથી આપણે રિઝલ્ટ મેળવ્યું એના કારણે આજે સમગ્ર દેશની અંદર દરેક રાજયમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પેજ કમિટી બનાવીને કામ કરી રહ્યો છે અને એ જ આપણું ગુજરાત મોડલ છે.

તમારા વિસ્તારમાં કોઈ મતદાતા વિક્લાંગ હોય, કોઈની ઉંમર 85 થી વધારે હોય અને મતદાન કરવા જઈ શકે તેવી સ્થિતિમાં ના હોય તો તેમની વિગત જીલ્લા પ્રમુખને આપજો જેથી કરીને એમના મતદાન માટે કલેક્ટર એક અધિકારીની નિમણૂક કરીને અને તેમના ઘરે મતદાન કરાવવા જશે. જ્યારે તમે લાભાર્થીના ઘરે જશો અને પૂછશો કે તમને નરેન્દ્ર મોદીની યોજનાનો લાભ મળ્યો છે તો તુરંત જ જવાબ મળશે કે હું પાકા મકાનમાં રહી શકું છું તો એ નરેન્દ્ર મોદીની બનાવેલી યોજનામાંથી લાભ મેળવીને રહું છું.

તમે આયુષ્યમાન યોજનાના લાભાર્થીને મળશો અને પૂછશો કે તમને નરેન્દ્ર મોદીની યોજનાનો લાભ મળ્યો તો તુરંત જ હસતાં મુખડે આશીર્વાદ સાથે જવાબ મળશે કે હા, 05 લાખનો ખર્ચ હતો અને પૂરેપુરું બિલ આયુષમાન યોજના અંતર્ગત મોદીએ ભર્યું છે.

આપણાં ગુજરાતમાં આયુષ્યમાન યોજના અંતર્ગત કેન્દ્ર સરકારના 05 લાખ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 05 લાખનો વધારો કરી એમ કુલ 10 લાખ આ યોજના અંતર્ગત મળે છે. તમે સંકલ્પ કરો કે નરેન્દ્ર મોદીને જિતાડવાના છે, તેમના હાથ મજબૂત કરવાના છે તેમને 400 પાર લઈ જવાના છે.

મારે રિઝલ્ટ જોઈએ છે અને રિઝલ્ટ તમે મને આપી શકો એવી તાકાત તમારા સૌ કાર્યકર્તાઓમાં છે. હું પ્રદેશ અધ્યક્ષ તરીકે આપ સૌને 04 જૂને વડોદરા લોકસભાના ઉમેદવારની વિજય યાત્રામાં જોડાવા માટે આમંત્રણ આપું છું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj