મારા ઘર સામે જોયુ તો તું જીવતો નહીં રહે: જેતપુરમાં સિક્યુરિટી ગાર્ડને છરીના છ ઘા ઝીંકતા ગુનો દાખલ

Crime | Rajkot | 18 May, 2024 | 12:17 PM
હુસેન મુસાણી અને જલો બાવો હુમલામાં સામેલ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ: ઇજાગ્રસ્ત અંકિત રાજપૂત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
સાંજ સમાચાર

રાજકોટ, તા.18
જેતપુરમાં  મારા ઘર સામે જોયુ તો તું જીવતો નહીં રહે તેમ કહીં સિક્યુરિટી ગાર્ડને છરીના છ ઘા ઝીંકતા ગુનો દાખલ થયો છે. હુસેન મુસાણી અને જલો બાવો હુમલામાં સામેલ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ઇજાગ્રસ્ત અંકિત રાજપૂતને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવમાં આવતા તે સારવાર હેઠળ છે.
અંકીત ધર્મપાલસિંહ રાજપુત (ઉ.વ.18)એ ફરિયાદમાં જણાવ્યું કે, હું જેતપુરના ખોડપરા ખાતે રહું છું.

મારુ મુળ વતન ઉત્તરપ્રદેશના અલીગઢ જિલ્લાનું નગલાપદમ ગામ છે. હું અહી જેતપુરમાં સાતેક વર્ષથી મારા બનેવી રાજેશભાઇ મલખાન રાજપુત સાથે રહું છું, અને ગ્રોમોર સિક્યુરિટી એજન્સીમાં નોકરી કરું છું. મારા માતા-પિતા તેમજ મારા ભાઇ-બહેન તમામ ઉત્તરપ્રદેશ રહે છે. અમે 3 ભાઈ તથા ત્રણ બહેન છીએ. છેલ્લા પાંચેક મહિનાથી સિક્યુરીટી એજન્સીમાં ગાર્ડ તરીકે નોકરી કરું છું.

જેતપુર કૌશલપીર દરગાહ પાસે આવેલ રાધાકૃષ્ણ ડાઇંગ નામના કારખાનાને રાજકોટ નાગરીક બેંક તરફથી સીલ કરવામાં આવેલ છે. જ્યાં એજન્સી તરફથી પાંચેક મહિનાથી સિક્યુરીટી મેન તરીકે ફરજ બજાવું છું. મારી સાથે રોહિત કાંતિ રાઠોડ (રહે, જેતપુર) પણ નોકરી કરે છે. આ કારખાનાની સામે હુસેન મુસાણીનું બે માળનું મકાન આવેલ છે.

આ કારખાનું હાલ બંધ હાલતમાં હોઈ જેથી ત્યાં અમારા બે સિવાય અન્ય કોઈ હાજર હોતુ નથી. જેથી અમે ત્યાં કારખાનાના ફળિયામાં ચડ્ડી-ટી શર્ટ પહેરીને રાત્રે નોકરી કરતા હોઇએ છીએ. જેથી સામે રહેતા હુસેનએ અમારા સિનિયર જયરાજભાઈ ખુમાણને ઠપકો આપેલ કે, તમારા સિક્યુરીટીના માણસોને કારખાનાની અંદર જ રાખવા તેઓએ કારખાનાના ફળિયામાં વધારે અવર-જવર કરવી નહીં, તેમજ તેઓના મકાન સામેની બારી પણ ખોલવી નહીં. જે બાબતે જયરાજભાઇએ અમોને જરૂરી સુચનો આપેલ. અમારે અહીં ચોવીસ કલાક નોકરી કરવાની હોઈ જેથી અમે કારખાનાના ફળિયામાં રહેતા હોય, જે આ હુસેન મુસાણીને પસંદ ન હોય તેમ જ આ હુસેનના પત્ની પણ અહીં કારખાને આવી તેના ઘર તરફની કારખાનાની બારી ખોલવી નહીં તેમ કહી જતા. હુસેને અગાઉ અમને ધમકાવેલ કે, તમારે કારખાનાની બહાર નીકળવું નહી કે તેના ઘર સામે પણ જોવુ નહીં. નહિ તો ક્યાંયના નહી રહો.

અમે જયરાજભાઈને આ બાબતે જાણ કરેલી હતી. વધુમાં અંકિતે કહ્યું કે, ત્રણેક દિવસ પહેલા હુસેનના પત્નીએ મારી સાથે બોલાચાલી કરી હતી. અમે અહીં જ રહેતા હોવાથી કારખાનાના ફળિયામાં આવવા જવાનું રહે છે. ત્યાં સામે જ ઘર હોય, કોઈ વખત જોવાય જતું તેમાં અમારો કોઈ કોઇ ખરાબ ઇરાદો ન હતો.

છતાં ગઈકાલે સવારે નવેક વાગ્યે હું તથા રોહિતભાઈ રાઠોડ આ કારખાને સુતા હતા ત્યારે બે જણા કારખાનાની અંદર આવી ઓફિસમાં સુતા હતા ત્યાં છરી વડે અમારા પર જીવલેણ હુમલો કરેલ. હુસેને છરી મારેલ અને તેની સાથે જલો બાવો હતો તેણે મારૂ મોઢુ દબાવેલ. મેં ચીસો પાડતા મારી સાથેના રોહિતભાઇ ઉઠી જતા આ બંને જણા ત્યાંથી ભાગી ગયેલ. અને જતા-જતા આ હુસેને મને ધમકી આપેલ કે આજે તો તને પતાવી જ દેવો હતો.

હવે પછી મારા ઘર સામે જોયુ તો તું જીવતો નહીં રહે. આ આરોપીઓએ મને મારી નાખવાના ઇરાદે મારા પર જીવલેણ હુમલો કર્યો હતો.અંકિતને જેતપુર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તે અહીં સારવાર હેઠળ છે. આશરે છરીના છ ઘા લાગ્યા છે. જેતપુર સિટી પોલીસે હુસેન અને જલા સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj