મોરબીમાં ખોટી નંબર પ્લેટથી કારમાં દારૂની હેરાફેરીનું નેટવર્ક ખુલ્યું : 1837 બોટલ સાથે રાજસ્થાની પકડાયો

Local | Morbi | 22 May, 2024 | 01:14 PM
સાંજ સમાચાર

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા. 22
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ સહિતનો સ્ટાફ ગઈકાલે રાત્રિના રાઉન્ડમાં હતો ત્યારે સ્ટાફને મળેલી બાતમી મળી હતી કે માળિયા બાજુથી મોરબીમાં કાર મારફતે દારૂ આવી રહ્યો છે.જેથી વોચ તપાસમાં હતા તે દરમિયાનમાં મોરબીના પ્રવેશદ્વાર સમાન ભક્તિનગર સર્કલ પાસેના ઓવરબ્રિજ નજીકથી શંકાસ્પદ નંબર વાળી કારને અટકાવીને તપાસ કરવામાં આવતા કારમાંથી વિદેશી દારૂની જુદી જુદી 1837 બોટલ મળી આવતા દારૂ તથા કાર મળીને હાલમાં 7.12 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને એક બુટલેગરની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવેલ છે જ્યારે એકનું નામ સામે આવેલ હોય હાલ બંને સામે ગુનો નોંધીને માલ મોકલનારની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી તેમજ ડિવાયએસપી પી.એ.ઝાલાની નાઈટ પેટ્રોલિંગ માટે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ હકુમતસિંહ જાડેજા તથા સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાનમાં સ્ટાફના ચકુભાઇ કરોત્રા તથા એ.પી.જાડેજાને બાતમી મળી હતી કે માળીયા હાઇવે બાજુથી એક કાર મોરબી તરફ આવે છે.

જેમા દારૂનો જથ્થો છે.જેથી બાતમી મુજબની કારની વોચ રાખતા હકિકત વાળી કાર ભક્તિનગર સર્કલ ઓવરબ્રિજ પાસેથી મળી આવી હતી જેની નંબર પ્લેટ રજી.નંબર જીજે 24 કે 9678 હતી પરંતુ ઝીણવટ ભરી રીતે તપાસ કરતા તે કારના સાચા નંબર આરજે 16 સીએ 4933 હોવાનું સામે આવ્યુ હતુ.

જેથી દારૂની હેરફેર કરવા માટે આરોપીએ આઇ-20 કારમાં ખોટી નંબર પ્લેટ લગાડીને તેનો ખરા તરીકે ઉપયોગ કરેલ હોય તેમજ રેઇડ દરમ્યાન કારમાંથી જુદી-જુદી બ્રાંડની વિદેશીદારૂની કુલ 1837 બોટલો જેની કિમત રૂા.2,11,740 નો મુદામાલ મળી આવેલ હોય તેમજ આઇ.20 કારની કિંમત રૂા.5,00,000 ગણીને કુલ રૂા.7,11,740 નો મુદામાલ કબ્જે કરેલ છે.

માલ મોકલનાર મળી આવેલ ન હોય હાલમાં સ્થળ ઉપરથી મળી આવેલ શ્રીરામ બીરબલરામ બિશ્નનોઈ (ઉ.વ.21) રહે.કુકા તા.બાગોડા જી.ઝાલોર રાજસ્થાનની ધરપકડ કરીને તે તેમજ માલ મોકલનાર સુરેશ ઉર્ફે શેરો ઉર્ફે અશોક ખીલેરી બિશ્નોઇ રહે.આંબલી તા.સાંચોર જી.જાલોર રાજસ્થાન બંને સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધીને હવે સુરેશ ઉર્ફે શેરો ઉર્ફે અશોક ખીલેરી બિશ્નોઇને પકડવા તજવીજ શરૂ કરેલ છે.

આ રેડની કામગીરી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા તથા સ્ટાફના આર.પી.રાણા, એ.પી.જાડેજા, ચકુભાઇ કરોત્રા, ધર્મેન્દ્રભાઇ વાધડીયા, કિશોરભાઇ મિયાત્રા, અરવીંદભાઇ ઝાપડીયા, સિધ્ધરાજસિંહ જાડેજા, સિધ્ધરાજભાઈ લોખીલ, તેજાભાઇ ગરચર, હિતેષભાઇ ચાવડા તથા કિશનભાઇ મોટાણી દ્વારા કરવામાં આવેલ છે.

મારામારી
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા હિતેશભાઇ પ્રવીણભાઈ ગોહેલ ભીલ (ઉમર 29)ને વજેપરના ઝાંપા પાસે મારામારીના બનાવમાં ઈજાઓ થતાં સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યો હતો.સિવિલ હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ એ ડિવિઝન પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા બનાવ સંદર્ભે નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

બાઈક સ્લીપ થઈ જતા યુવાન ઈજાગ્રત
મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા નિખિલ દિનેશભાઈ રામોલિયા નામના યુવાનને વાહન અકસ્માતમાં ઇજાઓ થતાં ખાનગી હોસ્પિટલએ ખસેડાયો હતો.મોરબી તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ગત તા.20-5 ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં નિખિલ રામોલિયા નામનો યુવાન લખધીરપુર રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે મેટ્રો સીરામીક નજીક તેનું બાઇક અકસ્માતે સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.આ બનાવમાં તેને ઈજા થતાં સારવારમાં ખસેડાયો હતો અને બનાવની હોસ્પિટલ સુત્રો તરફથી જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા બનાવની નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

બાળકી સારવારમાં
મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ ભરતનગર ગામ પાસે રહેતા પરિવારની સુમન દિનેશભાઈ પરમાર નામની એક વર્ષની બાળકી પાણી ભરેલી ડોલમાં પડી જતા તેણીને ગુંગણામણ થતા સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવી હતી.હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસ મથકે આ બનાવની જાણ કરાતા તે બીટ વિસ્તારના જમાદાર મનીષભાઈ બારૈયા દ્વારા બનાવની નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી તેમ તાલુકા પોલીસસુત્રોએ જણાવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj