ગુજરાતમાં હોટ ટોપીક બની ગયેલી લોકસભા બેઠકમાં હવે કાલથી ગરમાવો વધશે

રાજકોટમાં આવતીકાલથી ઉમેદવારીપત્રક ભરવાનો પ્રારંભ

Gujarat, Saurashtra | Rajkot | 11 April, 2024 | 05:56 PM
♦ નવી કલેકટર કચેરીમાં બે સ્થળોએ ફોર્મ સ્વીકારશે: આચારસંહિતા મુજબ નોમીનેશન માટે ઉમેદવાર સહિત પાંચ વ્યક્તિને અપાશે પ્રવેશ: તા.19 સુધી નામાંકનની મર્યાદા
સાંજ સમાચાર

♦ ગ્રામ્ય પંચાયતથી લઈ કલેકટર સુધીની કચેરીઓમાં 3000 સ્થળો પર જાહેરનામાની નકલ લગાડાશે: વધુ 24 સ્ટેટીક સ્કવોડ મેદાનમાં ઉતરશે: કોમ્બીંગ વધારાશે

રાજકોટ તા.11
રાજકોટ સહિત રાજયની લોકસભાની 26 બેઠકોની ચૂંટણી સાથે વિધાનસભા બેઠકોની તા.7 મે ના આયોજીત કરાયેલ ચુંટણીનું જાહેરનામું આવતીકાલે તા.12ને શુક્રવારે પ્રસિદ્ધ થનાર છે. તેની સાથે જ ઉમેદવારોના નામાંકનપત્ર ભરવાનો પ્રારંભ થનાર છે.

ઉમેદવારો તા.19 સુધી તેમના નામાંકનપત્ર ચુંટણી અધિકારી સમક્ષ રજુ કરી શકશે જયારે તા.20ના નામાંકનપત્રોની ચકાસણી થશે. નામાંકનપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ તા.22 નિયત કરી દેવામાં આવી છે. નામાંકનપત્ર રજુ કરતા સમયે ચુંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર સહિત માત્ર પાંચ વ્યક્તિઓને પ્રવેશ અપાશે.

અહીં એ ઉલ્લેખનીય છે કે ઉમેદવારોને નામાંકનપત્ર ભરવા માટે આ વખતે તા.12થી19 નિયત કરવામાં આવી છે જેમાં તા.13 અને 14ના શનિ-રવિ અને તા.17ના રામનવમીની જાહેર રજા આવે છે. ગુજરાતમાં હોટટોપીક બનેલી રાજકોટ લોકસભા બેઠકની આવતીકાલથી નામાંકનપત્રક ભરવાનું શરૂ થતા જ રાજકીય ગરમાવો આવશે.

રાજકોટની નવી કલેકટર કચેરી ખાતે રાજકોટ લોકસભા બેઠકના આવેદનપત્ર ભરવા માટે જીલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી એમ બે જગ્યા પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચુંટણીનું જાહેરનામુ આવતીકાલે પ્રસિદ્ધ થતાની સાથે જ આ જાહેરનામાને જીલ્લાની ગ્રામ પંચાયતથી લઈને કલેકટર સુધીની કચેરીઓમાં કુલ ત્રણ હજાર જાહેરનામાની આ નકલ લગાડવામાં આવશે. 

આ જાહેરનામુ પ્રસિદ્ધ થતાની સાથે જ 24 જેટલી સ્ટેટીક સ્કવોડ કાલથી જ પોઝીશન લઈ ચેકીંગમાં ઉતરશે તેની સાથે જ કોમ્બીંગ વધશે. આ ઉપરાંત બેંકોમાં સાયલેન્ટ પડેલા બેંક એકાઉન્ટમાં પણ લાખોની રોકડનો વ્યવહાર થાય તો તેની પર પણ બાજ નજર રાખવા માટે જીલ્લા ચુંટણી અધિકારી દ્વારા તમો બેંક મેનેજરોને સૂચના આપી દેવામાં આવી છે.

રાજકોટ લોકસભાની બેઠકની ચુંટણી માટે હવે આગામી તા.25ની આસપાસ ચુંટણી સ્ટાફનો બીજો રેન્ડમાઈઝેશન કરવામાં આવનાર છે. તેમજ મતદાનના આગલા રવિવારે રાજકોટ લોકસભા બેઠકના તમામ 2236 મતદાન બુથો પર બીએલઓ ચકાસણી કરનાર છે.

અહી એ ઉલ્લેખનીય છે કે અગાઉ જીલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોષી દ્વારા 10500 ચુંટણી સ્ટાફનું પ્રથમ રેન્ડમાઈઝેશન કરી તેઓને હોદા ફાળવી દેવામાં આવેલ હતા જે બાદ હવે બીજુ રેન્ડમાઈઝેશન આગામી તા.25ની આસપાસ કરવામાં આવનાર છે.

રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં કુલ 2236 મતદાન મથકોમાંથી 725 મતદાન બુથો સંવેદનશીલ જાહેર કરાયાનું જાણવા મળેલ છે. જેમાં રાજકોટ શહેરના 358 અને ગ્રામ્યના 469 બુથોનો સમાવેશ કરાયો હોવાની વિગતો મળે છે. આવા બુથો પર પોલીસ ફોર્સ અને અર્ધલશ્કરી દળોનો વિશેષ જાપ્તો રાખવામાં આવનાર છે. 

આવતીકાલે રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ થતાની સાથે જ રાજકીય ગરમાવો વેગ પકડશે. આ લોકસભા બેઠકની ચુંટણી પ્રક્રિયા સુચારુરૂપથી શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે રાજકોટ જીલ્લા ચૂંટણીતંત્ર પુર્ણરૂપે સજજ થવા પામેલ છે.

2236 મતદાન મથકો માટે 3602 બીયુ, 2976 સીયુ અને 3489 વીવીપેટ ફાળવાયા
રાજકોટ તા.11

રાજકોટ લોકસભા બેઠકની ચુંટણી માટે અગાઉ વોટીંગ મશીનના પ્રથમ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા પુર્ણ કરી દેવામાં આવી હતી. લોકસભાની ચુંટણી માટે 3602 બીયુ, 2976 સીયુ અને 3489 વીવીપેટ ફાળવી દેવામાં આવેલ છે.

આ ઉપરાંત આઠ રીસીવીંગ અને ડીસ્પેચીંગ સેન્ટર નિયત કરી દેવામાં આવેલ છે. વોટીંગ મશીનોને પ્રથમ રેન્ડમાઈઝેશન બાદ વિધાનસભા વિસ્તારવાઈઝ ફાળવણી કરી તેને જે તે વિધાનસભા વિસ્તારોમાં સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવામાં આવેલ છે.

19મીએ ઉમેદવારોના ખર્ચની પ્રથમ મીટીંગ
રાજકોટ તા.11

લોકસભાની ચુંટણી માટે ચુંટણીપંચ દ્વારા ઉમેદવારોના ખર્ચની મર્યાદા અગાઉથી જ નિયત કરી દેવામાં આવી હોય ચુંટણીપંચની ગાઈડલાઈન મુજબ જ ઉમેદવારોએ ચુંટણી ખર્ચ કરવો પડશે. જેમાં રાજકોટ લોકસભા બેઠક માટે ચુંટણીપંચ દ્વારા અગાઉ ખર્ચ નિરીક્ષકની નિમણુંક કરી દેવામાં આવી હતી.

આવતીકાલથી રાજકોટ લોકસભા બેઠક માટે ઉમેદવારીપત્ર ભરવાનો પ્રારંભ થશે જે બાદ આગામી તા.19મીના રોજ ઉમેદવારોના ખર્ચની પ્રથમ બેઠક આયોજીત કરવામાં આવી છે જેમાં ઉમેદવારોએ પ્રથમ હિસાબ આપવો પડશે. આવી ત્રણ બેઠકો ખર્ચ નિરીક્ષકો દ્વારા ઉમેદવારો સાથે આયોજીત કરવામાં આવશે.

રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં 21.04 લાખ મતદારો: 85 વર્ષ ઉપરના 23022
14000થી વધુ દિવ્યાંગો, 2215 વીવીઆઈપી અને 2115 પ્રજ્ઞાચક્ષુ મતદારો
રાજકોટ તા.11

રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં 21.04 લાખ મતદારો આવેલા છે. જેઓના મતદાન માટે 2236 મતદાન મથકો નિયત કરવામાં આવેલ છે. રાજકોટ લોકસભા બેઠક વિસ્તારના આ 21.04 લાખ મતદારોમાંથી 23022 મતદારો 85 વર્ષથી વધુ વયના છે જયારે 14000થી વધુ મતદારો દિવ્યાંગ તેમજ 2115 પ્રજ્ઞાચક્ષુ મતદારો છે. જયારે 2215 મતદારો એ વીવીઆઈપી કેટેગરીના છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj