વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમનને વધાવવા રાજકોટ સજજ: તૈયારીઓને આખરીઓપ

RAJKOT : સાડાચાર કલાકમાં એઈમ્સ સહિત 48 હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ આપશે વડાપ્રધાન

Saurashtra | Rajkot | 23 February, 2024 | 04:44 PM
◙ વિદ્યુત, શ્રમ અને રોજગાર, આરોગ્ય પાણી પુરવઠા, પ્રવાસન, રેલ્વે, એનર્જી અને પેટ્રોકેમીકલ્સ બંદરો અને શિપીંગ, માર્ગ-મકાન વિભાગ સહિતના વિવિધ વિભાગો-મંત્રાલયોના વિકાસ પ્રોજેકટોનું થશે ખાતમુહૂર્ત-લોકાર્પણ: કલેકટર તંત્ર દ્વારા મુખ્યમંત્રી-સાંસદો-ધારાસભ્યો સહિતના મહાનુભાવોને આમંત્રણ કાર્ડ રવાના
સાંજ સમાચાર

◙ કચ્છમાં રૂા.16200 કરોડના ખર્ચે પાવર પ્રોજેકટસ, 9 હજાર કરોડના ખર્ચેની પાણીપત ક્રુડ ઓઈલ પાઈપલાઈન, નેશનલ હાઈવે ઓથોરીટીના રૂા.38 કરોડથી વધુના વિકાસ કામો તેમજ સુરેન્દ્રનગરના રૂા.2100 કરોડથી વધુના રેલ્વે પ્રોજેકટસનું થશે ખાતમુહૂર્ત-લોકાર્પણ

રાજકોટ,તા.23
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.25ને રવિવારના સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટની મુલાકાત લેનાર હોય વડાપ્રધાન મોદીના આગમનને વધાવવા રાજકોટ સજજ બની જવા પામેલ છે. વહીવટી તંત્ર દ્વારા આ અંગે કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓને આખરીઓપ આપી દેવામાં આવેલ છે.
 વડાપ્રધાન રાજકોટમાં સાડાચાર કલાકનું રોકાણ કરનાર છે.

આ દરમ્યાન તેઓ જંગી જાહેરસભામાં એઈમ્સ સહિતના 48 હજાર કરોડથી વધુના પ્રકલ્પોની ભેટ લોકોને આપનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં વિકાસ પ્રોજેકટોના રેકોર્ડ બ્રેક ખાતમુહૂર્ત-લોકાર્પણ કરી લોકસભાની ચૂંટણી પ્રચારનો શંખનાદ ફૂંકનાર છે.

વડાપ્રધાનના આગમનને વધાવવા માટે ભાજપના આગેવાનો-કાર્યકરો જોમ જુસ્સાથી કામે લાગી ગયા છે. તેની સાથોસાથ વડાપ્રધાનની સભા માટે એક લાખથી વધુની જનમેદની એકત્રી કરવા માટે ભાજપ અને વહીવટી તંત્ર દ્વારા પણ કવાયતો શરૂ કરી દેવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આયોજીત સભાસ્થળ પરથી વિદ્યુત, શ્રમ અને રોજગાર, આરોગ્ય, પાણી પુરવઠા, પ્રવાસન, રેલ્વે, એનર્જી અને પેટ્રો કેમીકલ્પ, બંદરો અને સીપીંગ, માર્ગ મકાન વિભાગ, સહિતના વિવિધ વિભાગો-મંત્રાલયોના વિકાસ પ્રોજેકટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરનાર છે.

આ વિકાસ પ્રોજેકટોની સુચી ઉપર પીએમઓ દ્વારા મંજૂરીની મહોર મરાતાની સાથે જ ગઈકાલે સાંજે આમંત્રણ કાર્ડના તાબડતોબ પ્રીન્ટીંગ કરાવી આ આમંત્રણ કાર્ડ આજે મુખ્યમંત્રી, સાંસદો, ધારાસભ્યો, સહિતના મહાનુભાવોને રવાના કરી દેવામાં આવેલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી લોકસભાની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થાય તે પૂર્વેની સૌરાષ્ટ્રની આ છેલ્લી સભા હોય આ સભા સ્થળ પરથી હજારો કરોડના પ્રોજેકટોના લોકાર્પણ કરી વડાપ્રધાન મોદી લોકસભાની ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કરનાર છે. દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોજાનાર વિરાટ રોડ શો અને જંગી જાહેરસભાની તમામ તૈયારીઓને વહીવટી તંત્રએ આખરી ઓપ આપી દીધો છે. એસપીજી કમાન્ડો દ્વારા રીહર્સલ પણ કરી દેવામાં આવેલ છે.

 

કયાં મંત્રાલય-વિભાગોના કેટલા પ્રકલ્પો

(1) રાજકોટ એઈમ્સ 1195 કરોડ (2) કલ્યાણી એઈમ્સ 1754 કરોડ, (3) ભટીંડા એઈમ્સ 925 કરોડ, (4) રાયબરેલી એઈમ્સ 823 કરોડ (5) મંગલગીરી એઈમ્સ 1618 કરોડ (6) વિદ્યુત મંત્રાલય 16295 કરોડથી વધુના 10 પ્રકલ્પો, (7) પેટ્રોલીયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય 9028 કરોડથી વધુના 1 પ્રકલ્પ (8) શ્રમ અને રોજગાર વિભાગ રૂા.2280 કરોડના 21 પ્રકલ્પો (9) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 1484 કરોડથી વધુના 12 પ્રકલ્પો (10) પાણી પુરવઠા વિભાગના 287 કરોડના 3 પ્રકલ્પો (11) પ્રવાસન વિભાગના 66 કરોડથી વધુના 1 પ્રકલ્પ (12) કેન્દ્રીય આરોગ્ય વિભાગના 5077 કરોડથી વધુના 63 પ્રકલ્પો (12) નેશનલ હાઈવે વિભાગના 3882 કરોડના 3 પ્રકલ્પો (13) રેલ્વે વિભાગના 2109 કરોડથી વધુના 4 પ્રકલ્પો (14) એનર્જી અને પેટ્રોકેમીકલ વિભાગના રૂા.566 ક્રોડના પાંચ પ્રકલ્પો, (15) બંદર સીપીંગ વિભાગના 293 કરોડથી વધુના 1 પ્રકલ્પ અને (16) માર્ગ મકાન વિભાગના રૂા.242 કરોડથી વધુના ત્રણ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે.

વડાપ્રધાનની જનસભામાં કોણ કોણ મહેમાન?
 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગામી તા.25ને રવિવારે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજીત જંગી જાહેરસભાના આમંત્રણ કાર્ડ વહીવટી તંત્ર દ્વારા પ્રકાશીત કરી દેવામાં આવેલ છે. જેમાં સભાનો સમય બપોરના ત્રણ કલાકનો દર્શાવવામાં આવેલ છે.

આ સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા, પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. જયારે મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, મંત્રી ભાનુબેન બાબરીયા, મંત્રી મુકેશભાઈ પટેલ, પૂર્વ મંત્રી વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી તથા મેયર નયનાબેન પેઢડીયાની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત સાંસદ મોહનભાઈ કુંડારીયા, રમેશભાઈ ધડુક, રામભાઈ મોકરીયા, કેશરીદેવસિંહ ઝાલા તેમજ રાજકોટ જીલ્લાના ધારાસભ્યોની ગરીમામય ઉપસ્થિતિ રહેશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj