લાડાણીએ ‘ડેવલપ’ કરેલા મોટા પ્રોજેકટના જમીનધારકો ‘નિશાને’ આવી ગયા

ઈન્કમટેકસ દરોડા ચારેક દિવસ ચાલશે: મોટા પ્રમાણમાં રોકડ વ્યવહારોની આશંકા

Gujarat, Saurashtra | Rajkot | 27 February, 2024 | 04:46 PM
કરોડોના વ્યવહારો દર્શાવતા દસ્તાવેજો-ઈલેકટ્રોનીક ગેજેટસ મળ્યા: રોકડ-ઝવેરાત મળ્યા, બીનહિસાબી માલુમ પડયે જપ્ત કરાશે: બેંક લોકરો સીલ
સાંજ સમાચાર

રાજકોટ,તા.27
આવકવેરા વિભાગે સવારથી ટોચના ત્રણ બિલ્ડર ગ્રુપો પર હાથ ધરેલા દરોડા ઓપરેશનમાં કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો ખુલવાના નિર્દેશ વચ્ચે તંત્ર દ્વારા ઉંડી તપાસ ચલાવવામાં આવી રહી છે અને સમગ્ર કાર્યવાહી લાંબી ચાલવાના સંકેત છે.

આવકવેરા વિભાગના ટોચના વર્તુળોએ જણાવ્યું હતું કે દરોડાની ઝપટે ચડેલા બિલ્ડરો ઘણા મોટા પ્રોજેકટ ધરાવે છે અને મોટાભાગના સ્થળો કવર કરવામાં આવ્યા હોવાથી તપાસ લાંબી ચાલવાની શકયતા છે. માત્ર તપાસ હોય તેવા સ્થળો પર કાર્યવાહી એકાદ-બે દિવસમાં આટોપાઈ જવાની સંભાવના છે. પરંતુ મુખ્ય બિલ્ડરોના નિવાસે વગેરે સ્થળોએ ચાલુ આખુ સપ્તાહ કાર્યવાહી ચાલુ રહી શકે છે.

પ્રાથમીક તપાસમાં રોકડ, ઝવેરાત વગેરે હાથ લાગ્યા છે પરંતુ કાયદેસરના છે કે બીનહિસાબી તેની તપાસ કરાયા બાદ ગણતરી કરાશે. બીનહિસાબી માલુમ પડયે જપ્ત કરવામાં આવશે. આ સિવાય કેટલાંક બેંક લોકરોની વિગતો મળી છે. બેંક લોકરો સીલ કરી દેવામાં આવ્યા છે.તેઓના કહેવા પ્રમાણે બિલ્ડરોના અનેક મોટા આલીશાન પ્રોજેકટો છે.

કિંમતની દ્દષ્ટિએ ઉંચા ભાવના હોવાનું સ્પષ્ટ છે અને તેમાં મોટા પ્રમાણમાં રોકડ વ્યવહારો થયા હોવાની આશંકા છે. કરોડો રૂપિયાની રોકડ લેવડદેવડનો ખુલાસો થઈ શકે છે. રાજકોટના રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં કાળા નાણાનું ચલણ વધુ છે એટલે આવી શંકા અસ્થાને નથી. પ્રાથમીક તપાસમાં જ બીનહિસાબી વ્યવહારો દર્શાવતા દસ્તાવેજો હાથ લાગ્યા છે તેની ઝીણવટભરી તપાસના આધારે એકાદ દિવસમાં રકમનો આંકડો સ્પષ્ટ થઈ શકે છે. કોમ્પ્યુટર હાર્ડડીસ્કના વ્યવહારો પણ ચકાસવામાં આવી જ રહ્યા છે.

દરમ્યાન રીયલ એસ્ટેટ ક્ષેત્રના સૂત્રોએ એવો સૂચક નિર્દેશ કર્યો કે લાડાણી ગ્રુપના દિલીપ લાડાણી સ્ટ્રકચરલ આર્કિટેકસ-ડિઝાઈનર હોવાના નાતે બિલ્ડરોની ભાગીદારી સાથે અનેક પ્રોજેકટોમાં સામેલ છે. મહત્વની વાત એ છે કે જે બિલ્ડરની જમીન પર પ્રોજેકટ ડેવલપ કરાયા છે. તેઓ પણ ઝપટે ચડયા છે. એવી ચર્ચા છે કે રોયલ ગાર્ડન પ્રોજેકટની જમીન ગેલેકસી ગ્રુપના નિલેશ જાગાણીની હતી. દરોડા કાર્યવાહીમાં જાગાણી પણ સપડાયા છે. અન્ય મોટા પ્રોજેકટમાં જગ્યા ઓરબીટ ગ્રુપની હતી તેઓ પણ સાણસામાં છે. અન્ય અમુક પ્રોજેકટોમાં પણ સમાન હાલત છે.

એમ કહેવાય છે કે લાડાણી-ઓરબીટ ગ્રુપના કેટલાંક પ્રોજેકટો નિર્માણના તબકકે છે અને મોટા બુકીંગ થયેલા છે ત્યારે બુકીંગ કરાવનારાઓ પણ તપાસનો રેલો આવવાની બીકે ફફડયા છે. ભૂતકાળમાં આર.કે.ગ્રુપ પરના દરોડા વખતે ગ્રાહકોને પણ નોટીસો ફટકારવામાં આવી જ હતી.

લાડાણી-ઓરબીટ સાથે કનેકશન ધરાવતા અમુક ‘બચી’ ગયા: સવારથી દોડધામ
બિલ્ડર લોબીમાં થતી ચર્ચા પ્રમાણે દિલીપ લાડાણી-ઓરબીટ ગ્રુપ સાથે ભાગીદારી કે કનેકશન ધરાવતા અમુક લોકો બચી ગયા હતા. એમ કહેવાય છે કે વિવિધ પ્રોજેકટમાં ભાગીદાર હોવા છતાં ‘સક્રીય’ કે સીધી રીતે સામેલ ન હોય તેવા ભાગીદારો બચી ગયા હતા. દરોડાની વાત વાઈરલ થતાની સાથે જ તેઓની ઉંઘ હરામ થઈ હતી અને દસ્તાવેજો સુરક્ષિત સ્થાનોએ સગેવગે કરવા દોડધામ કરી મુકી હતી. આવા 4/5 સ્થળોએ કોઈ તપાસ ન આવતા તેઓએ હાશકારો અનુભવ્યો હતો.

ગુજરાતના વડા કમીશ્નરના આગમનના બે દિવસમાં જ દરોડા પડયાનું ‘સૂચક’
ગુજરાતના પ્રિન્સીપાલ ચીફ ઈન્કમટેકસ કમિશ્નર યશવંતસિંહ ચવ્હાણ બે દિવસ પુર્વે રાજકોટ આવ્યા હતા. બે દિવસ રોકાણ કર્યુ હતું અને સીનીયર અધિકારીઓ સાથે બેઠક કરીને ટેકસ વસુલાતની સ્થિતિની સમીક્ષા પણ કરી હતી. એકથી વધુ વખત બેઠક કરી હતી. તેમની વિદાયના બે જ દિવસમાં દરોડા કાર્યવાહી સૂચક છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj