નવી દિલ્હી, તા.15
ભારતના સૌથી સફળ એથલીટ અને ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાને એક મોટું સન્માન મળ્યું છે. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાને ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું માનદ પદ એનાયત કરવામાં આવ્યો છે.
સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નીરજ ચોપરાને આ પદથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. નીરજ પહેલાથી જ ભારતીય સેનામાં સુબેદાર મેજર તરીકે તૈનાત છે.
સંરક્ષણ મંત્રાલય દ્વારા બુધવાર, 14 મેના રોજ એક નોટિફિકેશન દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ 9 મેના રોજ આ જાહેરાત કરી હતી. સંરક્ષણ મંત્રાલયના આ નોટિફિકેશન અનુસાર, રાષ્ટ્રપતિએ પ્રાદેશિક સૈન્ય નિયમો હેઠળ પોતાની સત્તાઓનો ઉપયોગ કરીને, નીરજ ચોપરાને માનદ લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો આપ્યો છે. નીરજની આ રેન્ક 16 એપ્રિલ 2025 થી અમલમાં આવશે.
ભારતીય સેનાના રાજપૂતાના રાઈફલ્સમાં પહેલા સુબેદાર અને પછી સુબેદાર મેજર રહેલા નીરજે સમગ્ર વિશ્વમાં પોતાના શાનદાર પ્રદર્શનથી દેશ અને સેનાનું નામ રોશન કર્યું છે. નીરજ 2016માં સેનામાં હતા ત્યારે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી. તે જ વર્ષે, તે સેનાનો ભાગ બન્યા અને પછી તેને સુબેદારનો હોદ્દો આપવામાં આવ્યો.
પછી ટોક્યો ઓલિમ્પિકમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને, તે એથ્લેટિક્સમાં ઓલિમ્પિક ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યા હતા. આ પછી જ તેને બઢતી મળી અને તે સુબેદાર મેજર બન્યા. ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે રાષ્ટ્રપતિએ કોઈ રમતવીરને ટેરિટોરિયલ આર્મીમાં આ પદથી સન્માનિત કર્યા હોય.
ઘણા વર્ષો પહેલા, ભારતને પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવને લેફ્ટનન્ટ કર્નલ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 2011માં એમએસ ધોની અને અભિનવ બિન્દ્રાને પણ આ સન્માન મળ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy