15મીથી શરૂ થતા ટેસ્ટમેચ માટે ટીમ કાલે આવી પહોંચશે

ભારતીય ક્રિકેટ ટીમ કાલે રાજકોટમાં: વિરાટ કોહલી નહીં આવે

Sports | Rajkot | 10 February, 2024 | 04:23 PM
► ગીલ-કુલદીપ સાંજે આવશે: તમામ ખેલાડીઓ જુદા-જુદા સમયે આવશે: કાલાવડ રોડ પર હોટલ સયાજીમાં રોકાણ : હોટલમાં સ્વાગતની ખાસ તૈયારી
સાંજ સમાચાર

► ઈંગ્લેન્ડની ટીમ સોમવારે સવારે આવશે: અબુધાબીથી વાયા મુંબઈ થઈને રાજકોટ પહોંચશે: હોટલ ફોર્ચ્યુનમાં મુકામ

 

રાજકોટ તા.10
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીનો ત્રીજો મેચ આગામી 15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં શરૂ થઈ રહ્યો છે ત્યારે આવતીકાલે ભારતીય ટીમના આગમન સાથે શહેરમાં ક્રિકેટ માહોલ સર્જાવા લાગશે. ભારતીય ટીમના ખેલાડીઓ આવતીકાલે જુદા-જુદા સમયે અલગ-અલગ રીતે રાજકોટ આવશે જયારે ઈંગ્લેન્ડની આખી ટીમ સોમવારે સવારે આવશે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના સૂત્રોએ કહ્યું કે, તા.15મી ફેબ્રુઆરીને ગુરુવારથી શરૂ થઈ રહેલા ત્રીજા ટેસ્ટ મેચ માટે ભારત અને ઈંગ્લેન્ડ એમ બન્ને ટીમો ત્રણ-ચાર દિવસ વ્હેલી રાજકોટ આવી જવાની છે. ભારતની ટીમનું આવતીકાલે જ આગમન થઈ જશે. જો કે, આખી ટીમ એક સાથે આવવાના બદલે ખેલાડીઓ અલગ-અલગ આવવાના છે. વિશાખાપટ્ટનમ ટેસ્ટ બાદ ખેલાડીઓને બ્રેક મળ્યો હોવાથી જુદા-જુદા સમયના શિડયુલ છે છતાં આવતીકાલના દિવસ દરમ્યાન તમામ રાજકોટમાં પહોંચી જશે તે નિશ્ચિત છે.

ભારતીય ટીમના ખેલાડીઓ કાલાવાડ રોડ પર આવેલી હોટલ સયાજીમાં રોકાણ કરશે. ભારતીય ટીમનો ઉતારો હોવાની આખી હોટલ બુક રાખવામાં આવી છે. ખેલાડીઓના સ્વાગત માટે હોટલમાં ખાસ તૈયારી કરવામાં આવી છે. તેઓને રોકાણ દરમ્યાન કાઠીયાવાડી સહિતના ભોજન સહિતની આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે.

ભારત બેટર શુભમન ગીલ તથા સ્પીનર કુલદીપ યાદવ કાલે સાંજે રાજકોટ પહોંચવાના છે. બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમનું રોકાણ હોટલ ફોર્ચ્યુનમાં રહેનાર છે અને ટીમનુ આગમન સોમવારે થશે. બીજા ટેસ્ટ બાદ ઈંગ્લેન્ડની ટીમ અબુધાબી ગઈ હતી ત્યાંથી સોમવારે સવારે પરત આવશે અને વાયા મુંબઈ થઈને રાજકોટ પહોંચશે.

રાજકોટમાં સાત વર્ષ બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાવાનો છે. બન્ને ટીમોના મોટાભાગના સ્ટાર ખેલાડીઓ રમવાના હોવાથી ક્રિકેટફેન્સમાં ઉત્સાહ-રોમાંચ સર્જવાનું સ્પષ્ટ છે. કાલથી ટીમના આગમન સાથે રાજકોટમાં ક્રિકેટનો માહોલ સર્જાવા લાગશે.

ભારતીય ટીમના વિરાટ કોહલી તથા શ્રેયસ ઐય્યર સિવાય તમામ સ્ટાર ખેલાડીઓ રાજકોટમાં આવવાના છે. ભારતીય ટીમની જાહેરાત આજે સવારે જ ક્રિકેટ બોર્ડે કરી હતી. સ્ટાર બેટર વિરાટ કોહલીએ અંગત કારણોસર ટેસ્ટ મેચમાં સામેલ નહીં થવાનો મેસેજ પાઠવ્યો હોવાના કારણોસર ટીમમાં તેનો સમાવેશ કરાયો નથી એટલે રાજકોટમાં વિરાટ કોહલી નહીં રમે. આ જ રીતે શ્રેયસ ઐય્યર કમરના દુખાવાને કારણે ઈજાગ્રસ્ત હોવાના કારણોસર તેનો પણ ટીમમાં સમાવેશ નથી. રાજકોટના એસસીએ મેદાનની પીચ બેટસમેનો ઉપરાંત બોલરો માટે પણ અનુકુળ એવી આદર્શ પીચ રહેતી હોવાને કારણે રસપ્રદ મેચ બનવાનું નિશ્ચિત છે.

રવિન્દ્ર-રાહુલ સંપૂર્ણ ફિટ હશે તો જ રમાડાશે
ઇંગ્લેન્ડ સામેના બાકીના 3 ટેસ્ટ માટે ભારતીય ટીમ જાહેર: રવિન્દ્ર જાડેજા-કે.એલ. રાહુલ સામેલ

મોહમ્મદ સિરાજ, સરફરાઝખાન તથા આકાશદીપનો સમાવેશ: આવેશખાનને રણજી ટ્રોફી માટે મુક્ત કરાયા: કોહલીએ રમવા ‘અસમર્થતા’ દર્શાવી : શ્રેયર ઐય્યરને પણ ઇજાના કારણે ટીમમાં સ્થાન નહીં

મુંબઇ, તા.10
ઇંગ્લેન્ડ સામેના બાકીના ત્રણ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની ઘોષણા કરવામાં આવી છે. ઇજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજા તથા કે.એલ. રાહુલને ‘ફીટ’ જાહેર થવાના સંજોગોમાં રમાડવાનું જાહેર કરાયું છે. જ્યારે આવેશ ખાનના સ્થાને આકાશદીપને લેવાયો છે. વિરાટ કોહલીએ અંગત કારણોસર બાકીના ત્રણેય ટેસ્ટમાં ઉપલબ્ધ નહીં રહેવાનો મેસેજ ક્રિકેટ બોર્ડને પાઠવ્યો હોવાથી તેનો સમાવેશ કરાયો નથી.

ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ઇંગ્લેન્ડ સામે રાજકોટ, રાંચી તથા ધર્મશાલામાં રમાનારા બાકીના ત્રણ ટેસ્ટમેચ માટેની ભારતીય ટીમની આજે જાહેરાત કરી હતી. ક્રિકેટ બોર્ડે જાહેર કર્યું કે સીરીઝના પ્રથમ બે ટેસ્ટમાં સામેલ નહીં થયેલા વિરાટ કોહલીએ બાકીના ત્રણ મેચમાં પણ ઉપલબ્ધ ન હોવાનો મેસેજ પાઠવ્યો હતો એટલે તેનો સ્વીકાર કરીને ટીમમાં કોહલીનો સમાવેશ કરાયો નથી.

કે.એલ. રાહુલ તથા રવિન્દ્ર જાડેજા ગત મેચમાં ઇજાગ્રસ્ત હોવાથી સામેલ કરાયા ન હતા પરંતુ હવે ફીટ હોવાથી ટીમમાં લેવાયા છે. જો કે ક્રિકેટ બોર્ડની મેડીકલ ટીમ ફીટનેસ સર્ટીફીકેટ આપે તો જ રમવા માટે મેદાનમાં ઉતારવામાં આવશે. આ સિવાય બીજા ટેસ્ટમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આરામ અપાયો હતો તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય બંગાળના ફાસ્ટ બોલર આકાશદીપ તથા સરફરાઝ ખાનને પણ ટીમમાં લેવામાં આવ્યા છે. આવેશ ખાનને રણજી ટ્રોફી રમવા મુક્ત કરવામાં આવ્યો છે.

ઇંગ્લેન્ડ સામેનો ત્રીજો ટેસ્ટ મેચ 15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાનાર છે જ્યારે ચોથો ટેસ્ટ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં તથા પાંચમો અને અંતિમ ટેસ્ટ 7 માર્ચથી ધર્મશાલામાં રમાવાના છે.

ઘરઆંગણાની આખી શ્રેણીમાંથી બહાર: કોહલીની કેરિયરનો પ્રથમ બનાવ
ઇંગ્લેન્ડ સામેના પ્રથમ બે ટેસ્ટ મેચ નહીં રમનાર ભારતીય સ્ટાર બેટર વિરાટ કોહલી સીરીઝના બાકીના મેચમાં પણ નહીં રમે. તેના દ્વારા સીરીઝ માટે ઉપલબ્ધ ન હોવાનું ક્રિકેટ બોર્ડને જણાવ્યું હતું. ક્રિકેટ બોર્ડે તેનો સ્વીકાર કર્યો છે. સૂત્રોએ કહ્યું કે ઘરઆંગણાની સીરીઝમાં આખી શ્રેણીમાં કોહલી ન રમે તેવું પ્રથમ વખત બન્યું છે. કોહલીની અત્યાર સુધીની કારકિર્દીમાં ઘરઆંગણાની આખી શ્રેણીમાં તે બહાર હોય તેવી પ્રથમ ઘટના છે.

 

ભારતીય ટીમ:-
રોહિત શર્મા-કેપ્ટન, જશપ્રિત બૂમરાહ-વાઇસ કેપ્ટન, યશસ્વી જયસ્વાલ, સુભમન ગીલ, કે.એલ. રાહુલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જારેલ-વિકેટકીપર, કે.એસ. ભરત-વિકેટ કિપર, આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અયર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદિપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશકુમાર, આકાશદીપ.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj