ગત મહિને હવાઈ હુમલો કર્યા બાદ હવે ‘જમીની સ્ટ્રાઈક’ કરી

પાકિસ્તાનમાં ઘુસીને ઈરાનનો ફરી હુમલો: ત્રાસવાદી કમાંડર-આતંકીઓનો ખાત્મો

World | 24 February, 2024 | 11:36 AM
પાકિસ્તાન સ્તબ્ધ: બન્ને દેશો વચ્ચે ફરી તનાવ વધવાની આશંકા: જૈશ અલ-અદલ જૂથના ઠેકાણાઓને નિશાન બનાવાયા
સાંજ સમાચાર

ઈસ્લામાબાદ તા.24

આતંકવાદના આશ્રયદાતા એવા પાકિસ્તાન પર ફરી એક વખત ઈરાને સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાનની અંદર ઘુસીને ઈરાને આ ભીષણ હુમલો કર્યો હતો જેમાં ત્રાસવાદી સંગઠન જૈશ અલ અદલનો ટોચનો કમાંડર સહિતના આતંકીઓ માર્યા ગયા હતા.

ઈરાની મીડિયાના રિપોર્ટ પ્રમાણે ઈરાને આ વખતે પાકિસ્તાનમાં જમીની હુમલો કર્યો હતો. ઈરાની દળો પાકિસ્તાનમાં ઘુસી ગયા હતા અને જૈશ અલ અદલના ટોચના કમાંડરનો ખાત્મો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પુર્વે ઈરાને પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો હતો જે પછી પાકિસ્તાને પણ ઈરાન પર વળતો હવાઈ હુમલો કર્યો હતો જેને પગલે બન્ને દેશો વચ્ચે તનાવ વધી ગયો હતો.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ઈરાની દળોએ પાકિસ્તાની સરહદમાં ઘુસીને વ્યુહાત્મક અને પુર્વનિયોજીત હુમલો કર્યો હતો તેમાં ત્રાસવાદી સંગઠનનો ટોચનો કમાંડર ઈસ્માઈલ શાહ બખ્શ તથા તેના અનેક સાગ્રીતો માર્યા ગયા હતા. જૈશ અલ અદલનુ ગઠન 2012માં થયુ હતું. આ સુન્ની સંગઠન છે જેનું સંચાલન ઈરાનના દક્ષિણ પુર્વિય પ્રાંત સિસ્તાન-બલુચીસ્તાનથી થાય છે. આ સંગઠનને ઈરાને ત્રાસવાદી સંગઠન જાહેર કર્યુ છે. ઈરાનમાં અનેક હુમલામાં આ સંગઠનનો હાથ હોવાનુ મનાય છે. ગત વર્ષે ડિસેમ્બરમાં બલુચિસ્તાનમાં એક પોલીસ સ્ટેશન પર હુમલામાં 11 જવાનોના મોત થયા હતા. આ હુમલાની જવાબદારી જૈશ અલ અદલે લીધી હતી. આ સંગઠને ઈરાનના સુન્નીઓ માટે સિસ્તાન બલુચિસ્તાન પ્રાંતને આઝાદ કરાવવા માટે જેહાદ છેડી છે. બલુચિસ્તાનના લોકોને વધુ અધિકારો અપાવવા માંગે છે.

ઈરાન તથા પાકિસ્તાને ગત મહિને એકબીજાના દેશોમાં આતંકી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા તેના થોડા વખત બાદ બન્ને દેશોએ પારસ્પરિક સુરક્ષા વધારવા માટે સહમતિ સાધી હતી. પાકિસ્તાનના વિદેશપ્રધાન જલીલ અબ્બાસ જીલાની તથા ઈરાની વિદેશમંત્રી હોસૈન અમીર- અબ્દુલ્લાહિયતે આ ઘોષણા કરવામાં આવી હતી અને ત્યારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે બન્ને દેશો ગેરસમજણનો ઉકેલ લાવશે તેવા સમયે આ હુમલો થતા બન્ને દેશો વચ્ચે સમજુતી વિશે શંકા ઉઠી છે અને સંબંધો વધુ તનાવપૂર્ણ ગણાવાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બલુચિસ્તાનના વિદ્રોહી સંગઠન ઈરાન તથા પાકિસ્તાન વિરુદ્ધ આઝાદીનો જંગ ખેલી રહ્યા છે. આ જ કારણોસર સંગઠનના જેહાદીઓ પાકિસ્તાનમાં હુમલો કરીને ઈરાનમાં ઘુસી જાય છે તેવી જ રીતે ઈરાનમાં હુમલો કરીને પાકિસ્તાન સરહદમાં ઘુસી જાય છે. અગાઉ પણ બન્ને દેશોએ સરહદીક્ષેત્રના આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા જ હતા. થોડા દિવસો પુર્વે પણ તનાવ સર્જાયો હતો. હવે ઈરાનના નવા હુમલાથી ફરી તનાવ ભડકવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj