ઇંગ્લેન્ડ માટે શ્રેણી બચાવવી મુશ્કેલ છે, રાંચીમાં ભારત કયારેય હાર્યુ નથી : ટેસ્ટ રોમાંચક બનવાની ધારણા

India, World, Sports | 22 February, 2024 | 10:48 AM
રાંચીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ ડ્રો થઇ હતી ત્યારબાદ દ.આફ્રિકા સાથે ભારતે 1 દાવ 204 રને ટેસ્ટ જીતી હતી, રાંચીમાં પુજારા અને રોહિત શર્માની બેવડી સદીઓ નોંધાઇ છે
સાંજ સમાચાર

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલથી પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી પૈકીની ચોથી ટેસ્ટનો શુભારંભ રાંચીમાં થવા જઇ રહ્યો છે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ ર8 અને ઇંગ્લેન્ડે જીત્યા બાદ ભારતે વિશાખાપટ્ટનમ ટેસ્ટ 106 રને અને ત્યારબાદ રાજકોટ ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને 434 રને સજજડ પરાજીત કરીને શ્રેણી પર મજબુત પકકડ  મેળવી લીધી છે.

ભારત માટે રાંચી ટેસ્ટ જીતવી ખુબ જ મહત્વની સાબિત થશે. આમેય ભારતીય યુવા બ્રિગેડ આ શ્રેણીમાં જબરદસ્ત દેખાવ કરી રહ્યા છે. તેમાંય યશસ્વી જયસ્વાલે તો સતત બે ટેસ્ટમાં બે બેવડી સદી ફટકારીને નવા રેકોર્ડ બનાવ્યા છે. 

સરફરાજે ટેસ્ટ પ્રવેશે જ બંને દાવમાં શાનદાર દેખાવ કરીને 50-50 રન બનાવ્યા છે. રોહિત શર્માનો દેખાવ પણ સતત સાતત્યભર્યો રહ્યો છે. રાજકોટ ટેસ્ટમાં તો ભારતીય ખેલાડીઓ સંપૂર્ણપણે છવાયેલા રહ્યા હતા. રવિન્દ્ર જાડેજાની ઓલ રાઉન્ડ સિધ્ધિ ર્ના ફળસ્વરૂપે ‘મેન ઓફ ધ મેચ’ થયો હતો. ટેસ્ટમાં સદી તથા કુલ 7 વિકેટો ઝડપીને  તેણે પણ નવા કીર્તિમાનો હાંસલ કર્યા હતા. જયસ્વાલની રાજકોટ ખાતેની બેવડી સદી ખાસ આકર્ષણ રૂપ બની હતી. 

રવિચન્દ્ર અશ્વિને ટેસ્ટ કારકીર્દીની 500 વિકેટો પૂરી કરવાની સિધ્ધિ પ્રાપ્ત કરી, તો જાડેજાએ ઘરઆંગણે 200 વિકેટો પુરી કરવાની સિધ્ધિ મેળવી હતી.  યશસ્વીએ પોતાની પ્રથમ ત્રણ ટેસ્ટ સદીને 150થી વધુના સ્કોરમાં પરિવર્તિત કરી છે. તેણે 171, 209 અને અણનમ 204 રન બનાવ્યા છે 22 વર્ષીય યશસ્વીએ ઇંગ્લેન્ડના ગોલંદાજીની લાઇન અને લેન્થ બગાડી નાખી હતી. 153 રનની લાજવાબ ઇનિંગ્ઝ રમનાર બેન ડકેટે પણ યશસ્વી બાબતે કહેવું પડયું કે, નવા સુપર સ્ટારનો જન્મ થઇ રહ્યો છે.

હવે જયારે રાંચીમાં ચોથા ટેસ્ટનો શુભારંભ થઇ રહ્યો છે ત્યારે સંભવત: જસપ્રિત બુમરાહને આરામ અપાવવાની  સંભાવના છે, તો કેએલ રાહુલનો ટીમમાં સમાવેશ થશે. બુમરાહે કુલ 17 વિકેટો આ શ્રેણીમાં લીધી છે. 

હૈદ્રાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં રાહુલનો દેખાવ શ્રેષ્ઠ રહ્યો હતો. પરંતુ ઇજાને લીધે તે બે ટેસ્ટ રમ્યો નહતો. હૈદ્રાબાદમાં તેણે 86 રનની શાનદાર ઇનિંગ્ઝ રમી હતી. તેણે 50 ટેસ્ટ મુકાબલામાં તેણે 2863 રન પણ બનાવ્યા છે. 

રાંચીમાં શ્રેણી જીતવા માટે ભારતીય ટીમ મજબુત સ્થિતિમાં છે, જો એવું ન થયું તો 7 માર્ચથી ધર્મશાળામાં શરૂ થનાર શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટ માટે બુમરાહની જરૂર મહત્વની બની જશે. અત્યાર સુધી યશસ્વી જયસ્વાલે 545 રન બનાવ્યા છે. 109ની સરેરાશ સાથે તેણે બે બેવડી સદી ફટકારીને ભારતના વિજયમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. 

હવે જયારે રાંચીમાં ટેસ્ટ રમાશે. ત્યારે આ મેદાન પર કુલ ત્રીજી ટેસ્ટ હશે. ભારત અહીં એક પણ ટેસ્ટ હાર્યુ નથી. 2017માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ ડ્રો થઇ હતી. ભારતે પ્રથમ દાવમાં 603 રન બનાવ્યા હતા. જયારે ઓસ્ટ્રેલિયાએ 451 અને 204 રન બનાવેલા.

તે ટેસ્ટમાં પણ રવિન્દ્ર જાડેજા એ કુલ 9 વિકેટો ઝડપી હતી. ચેતેશ્વર પુજારાએ 202 રનની બેવડી ઇનિંગ્ઝ રમી હતી. રીધીમાન સહાએ 117 રન બનાવી આ બંને ખેલાડીઓએ 199 રનથી પાર્ટનરશીપ નોંધાવી હતી. સ્ટીવ સ્મીથે 178 અને ગ્લેન મેકસવેલે 104 રન બનાવ્યા હતા. 

2019માં રમાયેલ દ.આફ્રિકા સામેની ટેસ્ટ ભારતે 1 દાવ અને 204 રને જીત્યુ હતું. ભારતના 497 રનના જવાબ માં દ.આફ્રિકાએ 162 રને 133 રન બનાવ્યા હતા. ભારત તરફથી રોહિત શર્માએ 212 રનની બેવડી ઇનિંગ્ઝ રમી હતી. રહાનેએ 115 તથા જાડેજાએ 51 રન બનાવ્યા હતા. 

ભારતનો લક્ષ્યાંક રાંચી ટેસ્ટ જીતીને શ્રેણી જીતવાનો રહેશે. યુવા ખેલાડીઓના શાનદાર ફોર્મ તથા મોહમ્મદ સિરાઝ, કુલદીપ યાદવ, અશ્વિન પર સૌ એવી અપેક્ષા રાખે છે. જોઇએ ઇંગ્લેન્ડ ઘવાયેલા સિંહની માફક વધુ મજબુત  રીતે દેખાવ કરે છે કે કેમ ?

શ્રેણી ટીટબીટ્સ
- રાજકોટ ટેસ્ટ એ બેન સ્ટોકની ટેસ્ટ કારકીર્દીની 100મી ટેસ્ટ હતી. તે ઇંગ્લેન્ડનો 16મો અને ટેસ્ટ ક્રિકેટનો 76મો ખેલાડી બન્યો.
- રવિચન્દ્ર અશ્વિને ટેસ્ટ કારકીર્દીની 500મી વિકેટ રાજકોટમાં ક્રાઉલીની વિકેટ ઝડપી પ્રાપ્ત કરી
- રવિન્દ્ર જાડેજાએ રાજકોટમાં સદી અને 5 વિકેટો દાવમાં ઝડપવાની સિધ્ધિ સાથે ટેસ્ટમાં 3 હજાર રન પુરા કર્યા
- જયસ્વાલ માટે રાંચી ટેસ્ટમાં સતત ત્રીજી ટેસ્ટમાં બેડીની તક છે. શું તે આ તક ઝડપી લેશે ?

યશસ્વી જયસ્વાલ

► 20 છગ્ગા ટેસ્ટ શ્રેણીમાં ફટકારનાર પ્રથમ બેટધર

► 12 છગ્ગા સાથે એક ટેસ્ટ ઇનિંગ્ઝમાં સૌથી વધુ છગ્ગા

► 2 બેવડી સદી સાથે સતત સૌથી વધુ બેવડી સદી નોંધાવનાર ત્રીજો ભારતીય ખેલાડી

► 500 રન પોતાની બીજી ટેસ્ટ શ્રેણીમાં બનાવનાર સૌથી યુવા ભારતીય ખેલાડી

► 23 વર્ષની ઉંમર પહેલા ભારતીય દ્વારા ટેસ્ટમાં સૌથી વધુ 150+ રન 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj