‘સાંજ સમાચાર’ પરિવારના આંગણે વિશ્વ વિખ્યાત સરોદવાદક ઉ.અમજદઅલીખાં સાથે શ્રી કરણભાઈ શાહનો નિખાલસ વાર્તાલાપ

સંગીત શિક્ષા મેળવ્યા બાદ આગળ વધેલો શિષ્ય ગુરૂના યોગદાનને ભૂલે તે પીડાકારક

Gujarat, Saurashtra | Rajkot | 11 April, 2024 | 11:56 AM
◙ ‘સાંજ સમાચાર’ના આંગણે ઉ.અમજદ અલી ખાંએ જીવન યાત્રાના પાના ખોલ્યા: અનેક અજાણી વાતોનો પર્દાફાશ થયો
સાંજ સમાચાર

◙ આજની ગુરૂ શિષ્ય પરંપરામાં ગુરૂ પોતાના શિષ્યને મિત્ર માને છે પણ સંગીતાભ્યાસ વખતે શાર્ગીદ તરીકે સ્વીકારે છે

◙ કોઈપણ વાદ્યમાં માહેર બનવું હોય તો ગાયન તથા તબલાનો અભ્યાસ કરવો જરૂરી છે, ગાયનથી સૂરજ્ઞાન અને તબલાથી તાલનું જ્ઞાન મળે છે જે જરૂરી છે

◙ સિધ્ધ કલાકાર બનવા માટે ટેલેન્ટ, ગુરૂનું માર્ગદર્શન, સખ્ત રિયાઝ તથા ભાગ્ય જરૂરી છે: ઉ.અમજદ અલી ખાં

રાજકોટ,તા.10
રાજકોટમાં ‘સાંજ સમાચાર’ તથા રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના ઉપક્રમે તા.6ઠ્ઠીના શનિવારે ‘સૂરમયી સાંજ’ના યોજાયેલા સંગીત મઢયા કાર્યક્રમમાં વિશ્વ વિખ્યાત સરોદવાદક પદ્મ વિભૂષણ ઉસ્તાદ અમજદઅલીખાં, સરોદ વાદકો અમાનઅલી બંગાશ તથા અયાનઅલી બંગાશ (પુત્રો) તેમજ પૌત્રો અબીર-જોહાનઅલીનો સરોદવાદનનો યાદગાર કાર્યક્રમ ‘થ્રી જનરેશન વનનેશન’ નેજા હેઠળ યોજાયો હતો.

સરોદવાદક ઉસ્તાદ અમજદઅલીખાં તથા તેમના પરિવારના સભ્યો તા.7મીના રવિવારે ‘સાંજ સમાચાર’ પરિવારના નિવાસસ્થાને આવ્યા હતા અને બપોરનું ભોજન ગ્રહણ કર્યું હતું. ‘સાંજ સમાચાર’ના તંત્રીશ્રી પ્રદીપભાઈ શાહ, શ્રી અંકુરભાઈ શાહ, શ્રી કરણભાઈ શાહ, શ્રીમતી પૂર્વીબેન શાહ, શ્રીમતી અનુજાબેન, શ્રીમતી ચાર્મીબેન, આરવ, આદિત, દેવિકા, હરશિવ વગેરેએ દિગ્ગજ કલાકારોનું અભિવાદન કર્યું હતું.

‘સાંજ સમાચાર’ નિવાસસ્થાને રોટેરિયન્સ અમિત રાજા, નિલેશ શેઠ, પરેશ કાલાવડીયા, હિરેન ખખ્ખર, જ્લેવ સોની તથા ભરત સોનવાણી અને સાથે અશ્વિનભાઈ કોઠારી અને ઉર્વશીબેન કોઠારી પણ હાજર હતા. 

 પારિવારિક માહોલમાં ‘ચાય પે ચર્ચા’ની જેમ ‘સાંજ સમાચાર’ના યુવા એકઝીકયુટીવ મેનેજીંગ એડીટર શ્રી કરણભાઈ શાહે ઉ.અમજદઅલીખાં, અમાનઅલી, અયાનઅલી, અબીર-જોહાનઅલીની મુલાકાત લીધી હતી.

 મુલાકાત દરમ્યાન સરોદવાદક ઉસ્તાદ અમજદઅલીખાં અત્યંત ખુશ મિજાજમાં હતા. તેમણે અનેક ન જાણેલી વાતોનો પર્દાફાશ કર્યો હતો.  ‘સાંજ સમાચાર’ના યુવા એકઝીકયુટીવ મેનેજીંગ એડીટર શ્રી કરણભાઈ શાહે ગુરૂ-શિષ્ય પરંપરા આજની અને અગાઉની વિષે પૂછતા ખાં સાહેબે જણાવ્યું કે આપણા ભારત દેશમાં ગુરૂનું મહાત્મ્ય સવિશેષ છે. મારા પ્રારંભિક શિક્ષણ વખતે ગુરૂ-શિષ્યનો નાતો અત્યંત ઉંચો હતો પરંતુ આજે તેમાં બદલાવ આવ્યો છે. આજે મારી પાસે સરોદનું શિક્ષણ લીધેલો શિષ્ય જયારે ઈન્ટરવ્યુ આપે છે ત્યારે પોતાના ગુરૂનું નામ લેતો નથી. આ એક કરૂણતા છે. આવા કડવા અનુભવો થયા છે જીવનમાં ગુરૂનું સ્થાન ખૂબજ ઉંચુ હોય છે.

 મોગલ સમ્રાટ અકબર બાદશાહે મિર્યાં તાનસેનના સંગીતનો ખુબ જ આદર કર્યો હતો જયારે ઔરંગઝેબે સંગીત જ બંધ કરી દીધું હતું. મિયાર્ં તાનસેને રાગ દરબારીની રચના કરી હતી એ સમયમાં શાસ્ત્રીય સંગીતની ગરિમા હતી. મારા પિતાશ્રી ઉ.હાફિઝઅલીખાં સંગીતને વરેલા હતા. અમને ફિલ્મી ગીતો સાંભળવા દેતા નહોતા. પિતાએ ઘરમાં રેડિયો પણ વસાવ્યો નહોતો. થોડો સમય જતા પિતાજીને સમજાવ્યા બાદ દોઢસો રૂપિયાનો મરફી રેડિયો ઘરમાં આવ્યો હતો.

 એ વખતે ગુરૂ એવા હતા કે રાતના બે વાગે ઉઠાડીને સંગીતનો રીયાઝ કરાવતાં અને જયાં સુધી તેમને સંતોષ ન થાય ત્યાં સુધી રિયાઝ કરાવતા રહેતા. જયારે આજના ગુરૂ માટે શિષ્યો મિત્ર સમાન છે પરંતુ અભ્યાસ વખતે શાર્ગીદ હોય છે.

 તેમણે જણાવ્યું કે મારા પિતાએ માત્ર સંગીત શીખવ્યું નથી પરંતુ સંસ્કાર અને જીવન ઘડતરમાં મહામૂલુ યોગદાન આપ્યું છે. સંગીત ક્ષેત્રમાં વિવિધ વાદ્યોના દિગ્ગજ કલાકારો છે. જેમ કે સિતાર, સારંગી, ગિટાર, વાયોલીન આ વાદ્યોમાં વિશ્વ પ્રસિધ્ધ કલાકારો છે.

શરારતી કોણ હતા?
 ઉ.અમજદઅલીખાંને પૂછવામાં આવ્યું કે આપના બન્ને પુત્રો અમાનઅલી અને અયાનઅલીમાં શરારતી કોણ હતું?  ત્યારે ઉસ્તાદજીએ આછા હાસ્ય સાથે ઉત્તર આપ્યો કે શરારત તો બધામાં હોય છે મારા બન્ને પુત્રોમાં અમાનને સ્પોર્ટસમાં શોખ હતો અને અયાનને પેઈન્ટીંગમાં રસ હતો નાનપણથી અયાન ચિત્રકલામાં માહેર હતો. તેણે ગણેશજીનું સુંદર ચિત્ર બનાવેલું. તેના ચિત્રો દિલ્હીના એક ચિત્ર પ્રદર્શનમાં રજૂ થયેલા, એ વખતે દિલીપકુમાર અને પ્રસિધ્ધ ચિત્રકાર એમ.એફ. હુસેન પ્રદર્શન નિહાળવા આવેલા હતા.

 ઉ.અમજદ અલી ખાંએ ઘણી જ સરસ વાત કરી કે કોઈપણ વાદ્ય શીખવું હોય તો તે પહેલા ગાયનનો અભ્યાસ કરવો જરૂરી છે. ગાયનથી સૂરનું જ્ઞાન મળે છે તેમજ તબલાનો અભ્યાસ કરવો પણ એટલો જરૂરી છે. બન્નેની વિશદ જાણકારી મેળવ્યા બાદ કોઈપણ વાદ્ય અથાગ રિયાઝ કરવાથી તેમાં નિપુણતા મેળવી શકાય છે.
 ‘આપના જેવા સિધ્ધ કલાકાર બનવું હોય તો કઈ કઈ બાબતો હોવી જરૂરી છે?

 તેમણે જણાવ્યું કે સંગીત એક સાધના છે. સ્વરથી ઈશ્વરને પામવાની આરાધના છે. સંગીતમાં સમર્પિત થવું જરૂરી છે. શિષ્યમાં સૌ પ્રથમ ટેલેન્ટ હોવું આવશ્યક છે. ત્યારબાદ શ્રેષ્ઠ ગુરૂનો સાથે મળવો જોઈએ. એટલું જ નહિ. રિયાઝ ખૂબ કરવો જરૂરી છે. આ ત્રણ વાત હોવાની સાથે ભાગ્ય પણ હોવું જરૂરી છે. ઘણા કલાકારો શ્રેષ્ઠતમ પ્રસ્તુતિ કરતા હોય છે પરંતુ ઘણીવાર ભાગ્ય સાથ આપતું નથી હોતું. આથી શિષ્યમાં ટેલેન્ટ, શ્રેષ્ઠગુરૂ, રિયાઝ તથા ભાગ્યનો સાથ હોવો જરૂરી છે.  ઉ.અમજદ અલી ખાંએ રાગ લલિતમાં પોતાના બન્ને પુત્રો સાથે રાગ લલિતમાં બંદીશ ગાઈ હતી. તેઓએ જે રચના ગાઈ તે સરોદમાં પણ બજાવતા રહ્યા છે.

રાગ ગણેશ કલ્યાણ
 ‘સૂરમયી સાંજ’ કાર્યક્રમમાં ઉસ્તાદ અમજદ અલી ખાંએ રાગ ‘ગણેશ કલ્યાણ’ની પ્રસ્તુતિ કરી હતી. ગણેશ કલ્યાણની રચના ઉ.અમજદઅલીખાંએ કરી છે. આ રાગનું સર્જન ઈશ્વરના આશીર્વાદથી થઈ છે. 

આ રાગ વિષે જણાવ્યું કે યમન રાગમાં શુધ્ધ નિષાદનો પ્રયોગ કરાય છે, જયારે ગણેશ કલ્યાણમાં કોમળ નિષાદ સાથે લેવાથી ‘ગણેશ કલ્યાણ’નું સર્જન થયું છે.
 અત્રે ઉલ્લેખનીય ગણાશે કે ઉ.અમજદ અલી ખાંએ અનેક નવા રાગોની રચના કરી છે.

♦ ખાવામાં જેમ ટેસ્ટ જરૂરી તેમ સંગીતમાં સૂરનું મહત્વ છે
રાજકોટ તા.10

અમાનઅલી બંગાશે જણાવ્યું કે મને ‘સારેગમ’ રીયાલીટી શો માટે એન્કરીંગની ઓફર થઈ હતી ત્યારે મનમાં મુંઝવણ ઉભી થઈ હતી કે શું કરવું? પરંતુ બધા વિચારોને હડસેલીને સરોદનો સ્વીકાર કર્યો. અયાને પણ સરોદમાં આગળ વધવા મન મકકમ કર્યું અને દ્રઢ નિર્ણય લીધો. ત્યારપછી અમે પિતાજી પાસે તાલીમ લેવાની શરૂ કરી. અમે સરોદમાં પણ નવિનતા બક્ષવા માટેના પ્રયાસો કરવા લાગ્યા જેમાં સંગીત રસિકોનો પ્રેમ પણ પ્રાપ્ત થયો છે.
 તેમણે જણાવ્યું કે જેમ ખાવામાં ટેસ્ટ જરૂરી છે તેમ સંગીતમાં સાઉન્ડનું મહત્વ સવિશેષ છે.

♦ અમાનને સ્પોર્ટસમાં અને અયાનને પેઈન્ટીંગમાં રસ હતો છેવટે સરોદ વાદ્યને કારકિર્દી બનાવી
રાજકોટ તા.10
 વિશ્વ વિખ્યાત સરોદવાદક ઉસ્તાદ અમજદ અલી ખાંએ જણાવ્યું કે અમાનને સ્પોર્ટસનો શોખ હતો ત્યારે અયાનઅલીને પેઈન્ટીંગનો શોખ રહ્યો હતો. નાનપણથી જ અયાનઅલી સુંદર મજાના પેઈન્ટીંગ બનાવતો હતો પરંતુ ઘરનો માહોલ સંગીતનો હતો અને સંગીતના સંસ્કાર પુત્રોમાં આવવાના જ હોય. જો કે એકને પાયલોટ બનવું હતું છેવટે બન્નેએ સરોદ પસંદ કર્યું અને સરોદમાં તેઓએ પોતાની કારકિર્દી બનાવી.

સરોદવાદક અમાનઅલી બંગાશ તથા અયાનઅલી બંગાસ
♦ આજે સ્ટેજ પર સરોદવાદનની પ્રસ્તુતિમાં માતા-પિતાના આશીર્વાદે કામયાબી અપાવી છે
રાજકોટ તા.10

‘સાંજ સમાચાર’ પરિવારમાં આવેલા ઉસ્તાદ અમજદઅલીખાંના પુત્રો સરોદવાદક અમાનઅલી બંગાસ તથા અયાનઅલી બંગાશે પોતાના બાળપણના સંસ્મરણો તાજા કરીને જણાવ્યું કે અમારા ઘરમાં સંગીતનો માહોલ રહ્યો છે. પુત્રનો જન્મ થાય તો તેના કાનમાં સરોદના સૂર પ્રથમ પડે છે. પિતાજી પાસે સરોદનું શિક્ષણ લેવા વિદ્યાર્થીઓ આવતા રહેતા હોવાથી માહોલ તો સંગીતનો હતો. ત્યારે માતા-પિતાને ખુશી શેમાં મળે તેવું પણ થતું હતું. અમારા પરિવારમાં પેઢી દરપેઢી સરોદ વાદ્ય વાગતું આવ્યું છે. અમે યુ-ટયુબ, વીડિયો વગેરે જોતા હતા અને પછી નિર્ણય કર્યો કે સરોદવાદનમાં જ કારકિર્દી બનાવીએ. અમારા જીવનમાં માતા-પિતાનું યોગદાન સવિશેષ રહ્યું છે તેમાં માતાએ પ્રેમ અને સંસ્કારના બીજ રોપ્યા છે. આ અમારી લાંબી યાત્રા રહી છે.

બન્નેએ જણાવ્યું કે સરોદવાદન કરવું અઘરૂં છે. કારણ કે તેમાં સિતારની જેમ પડદા હોતા નથી. તેનો અભ્યાસ સતત કરવો પડે છે. અમને પિતાજીએ સરોદની શિક્ષા આપી છે આજે અમે સ્ટેજ પર સરોદવાદનની પ્રસ્તુતિ કરી રહ્યા છીએ તેમાં માતા-પિતા બન્નેના આશીર્વાદ છે.

♦ જયાં સુધી સરોદ પર કોઈપણ રચનાનું પરફેકશન ન આવે ત્યાં સુધી રિયાઝ કરતા
રાજકોટ તા.10

સરોદવાદક અમાનઅલી બંગાસે જણાવ્યું કે અમે બન્ને ભાઈઓએ પ્રથમ કાર્યક્રમ આપ્યો ત્યારે મનમાં વિચાર આવતો કે લોકોને પસંદ પડશે કે કેમ? અમે સારી રીતે વાદન કરી શકીશું કે કેમ તેવા પ્રશ્નો ઉઠયા હતા. લંડનના કાર્યક્રમમાં સ્ટેજ પર મોટા મોટા કલાકારોની વચ્ચે અમારે સરોદવાદનની પ્રસ્તુતિ કરવાની હતી ત્યારે મનમાં ડર પણ રહ્યો હતો કે આટલા દિગ્ગજ કલાકારો વચ્ચે સરોદવાદન કરવું. તેમાં સફળ થવાશે? વગેરે વિચારો આવેલા અને ડર પણ હતો અને ચિંતા પણ હતી.

અયાનઅલીએ જણાવ્યું કે અમને પુછવામાં આવતું કે તમે કેટલા કલાક રિયાઝ કરો છો ત્યારે જણાવતા કે જયાં સુધી ચીજ (રચના) સરોદ પર સાર્થક ન થઈ જાય ત્યાં સુધી તેના પર જ રિયાઝ કરતા. તેમાં બે દિવસ પણ થાય અને દસ દિવસ પણ થઈ જાય. વાદનમાં પરફેકશન જરૂરી છે.

♦ સરોદવાદનમાં પા પા પગલી કરતા અબીર અને જોહાન વાઈલ્ડ લાઈફમાં ખુબ જ રસ ધરાવે છે
રાજકોટ તા.10

 વિશ્વ વિખ્યાત સરોદવાદક, પદ્મવિભૂષણ અમજદ અલી ખાં સાહેબના પૌત્રો અબીરઅલી બંગાસ તથા જોહાનઅલી બંગાશ 11 વર્ષના છે અને તેઓએ ‘સાંજ સમાચાર’ રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા આયોજીત ‘સૂરમયી સાંજ’ કાર્યક્રમમાં સરોદવાદન પેશ કર્યું હતું.

 ઉ.અમજદ અલી ખાંએ ક્હ્યું કે બન્ને હજુ સ્ટેજ પર કાર્યક્રમ આપવા માટે યોગ્ય નથી પરંતુ ત્રીજી પેઢીના આ બન્ને બાળકોને રાજકોટની કલારસિક જનતાના આશીર્વાદ મળે તે હેતુથી તેઓએ સરોદવાદન કરેલ છે.

 મુલાકાત દરમિયાન અબીર અને જોહાને જણાવ્યું કે અમે કાર્યક્રમમાં ભાગ લીધો ત્યારે વિશાળ સંખ્યામાં આવેલા લોકોને જોઈને નર્વસ થઈ ગયા હતા પરંતુ અમને બન્નેને ખુબ જ ગમ્યું છે.

 કોવિડના સમયમાં સ્કૂલો બંધ રહી હતી તે દરમ્યાન અબીર-જોહાને સરોદ પર રિયાઝ ચાલુ કર્યો હતો. બન્નેને માઈકલ જેકશન, વેસ્ટર્ન મ્યુઝિક ખૂબ ગમે છે પરંતુ હવે શાસ્ત્રીય સંગીત તરફનો ઝોક વધેલો જોવા મળે છે બન્ને અમાન ભાઈ સાથે શરારત કરતા હતા.

 બન્નેને વાઈલ્ડ લાઈફમાં રૂચિ છે. તેમાંય સિંહ, વાઘ વગેરે જોવા ખૂબ જ ગમે છે. અબીર અને જોહાને તબલાના બોલ રજૂ કરીને અભ્યાસનો પરિચય કરાવ્યો હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj