અહીં રાષ્ટ્રપતિથી લઈને વી.આઈ.પી.મહેમાનો સુધી દરેક માટે મનપસંદ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે

વ્હાઇટ હાઉસનું ફાઈવ સ્ટાર રસોડાનું રહસ્ય જાણવા જેવુ !

World | 24 January, 2025 | 05:16 PM
સાંજ સમાચાર

► એવું કહેવાય છે કે વિશ્ર્વનાં કોઈપણ રાજ્યનાં વડાનું સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ જેટલું ભવ્ય નથી. જો અહીંની સુરક્ષા વ્યવસ્થા અને સુવિધાઓ જબરદસ્ત હોય તો ફાઈવ સ્ટાર કિચન પણ એટલું જ મજબૂત છે, જેનો સ્વાદ અમેરિકન રાષ્ટ્રપતિ અને તેમનો પરિવાર દરરોજ ચાખતો હોય છે. પરંતુ તે એ પણ રસોડું છે જે વ્હાઇટ હાઉસની મુલાકાત લેનારાં રાજકીય મહેમાનો અને મહાનુભાવો માટે ભોજન સમારંભ તૈયાર કરે છે અને તેનું આયોજન કરે છે. આજે આ અહેવાલમાં જાણીએ આ ખાસ રસોડાની ખાસ વાતો વિશે..... 

વ્હાઇટ હાઉસ 55000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે અને છ માળનું છે. એમ કહી શકાય કે અમેરિકાની અસલી તાકાત આ ઈમારતમાં રહેલી છે. આ બિલ્ડિંગમાં અમેરિકન ફર્સ્ટ ફેમિલી રહે છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિની ઓફિસ આ બિલ્ડિંગમાં છે અને એ જ બિલ્ડિંગમાં એક વિશાળ રસોડું પણ છે, જ્યાં એક આખી ટીમ દિવસ-રાત કેટરિંગના કામમાં લાગેલી રહે છે.  આ એક એવું રસોડું છે જ્યાં દરેક પ્રકારનું ભોજન બનાવવા માટે નિષ્ણાતો હાજર રહે છે. જોકે ટ્રમ્પને જંક ફૂડ વધુ પસંદ છે.  

►રસોડું 24 કલાક કાર્યરત રહે છે 
વ્હાઇટ હાઉસમાં બે કામ છે, જે 24 કલાક ચાલુ રહે છે. એક હાઉસકીપિંગ અને બીજું આ કિચન. આ બંને વિભાગનાં કર્મચારીઓ અહીં સતત તેમની સેવાઓ આપે છે. વ્હાઇટ હાઉસ પાસે પણ આ બંને માટે સારી ટીમ છે. વ્હાઇટ હાઉસમાં રસોડાનું કામ સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે આ તે જગ્યા છે જ્યાં રાષ્ટ્રપતિ અને તેમનાં પરિવાર માટે દરરોજ ખોરાક, નાસ્તો અને પીણાં તૈયાર કરવામાં આવે છે. આ તે રસોડું પણ છે જે અન્ય દેશોનાં રાષ્ટ્રનાં વડાઓને આપવામાં આવતી ભોજન સમારંભો અને મહત્વપૂર્ણ બેઠકો માટે ખોરાક તૈયાર કરે છે. આ રસોડું વ્હાઈટ હાઉસમાં અવારનવાર અપાતી મોટી પાર્ટીઓ માટે સ્વાદિષ્ટ વાનગીઓ અને ખાવા-પીવાની વસ્તુઓ જ તૈયાર કરતું નથી, પણ તેને સર્વ પણ કરે છે. કેટલીકવાર રસોડામાં ખૂબ જ ટૂંકી મુદતમાં મોટી તૈયારીઓ કરવી પડે છે. સામાન્ય રીતે રાષ્ટ્રપતિઓની પત્નીઓ રસોડાના કામમાં વધુ દખલ કરે છે. કોઈક રાષ્ટ્રપતિની પત્ની દખલ દેતી નથી. આઇઝનહોવરની પત્ની મૈમી ખાસ કરીને વ્હાઇટ હાઉસના રસોડામાં ત્યારે વધુ સક્રિય બની જતી જ્યારે કોઈ રાષ્ટ્રનાં વડાને દાવત આપવાની હોય. પછી તેમનાં માર્ગદર્શન હેઠળ આખું મેનુ તૈયાર કરવામાં આવતું. જો કે, વર્તમાન રાષ્ટ્રપતિ મેલાનિયા ટ્રમ્પને રસોડાના રોજિંદા કાર્યોમાં કોઈ રસ નથી.

 

► રસોડામાં કોઈપણ સમયે 140 મહેમાનોને ડિનર પીરસવાની ક્ષમતા છે 
રાષ્ટ્રપતિનું ભોજન હંમેશાં ખૂબ કાળજી સાથે તૈયાર કરવામાં આવે છે. સર્વ કરતાં પહેલાં તેની તપાસ કરવામાં આવે છે. વ્હાઈટ હાઉસમાં બહારનો ખોરાક ન આવી શકે. તે માન્ય નથી. જો કે, ટ્રમ્પનાં કાર્યકાળ દરમિયાન, મેકડોનાલ્ડ્સ, વેન્ડીઝ અને બર્ગર કિંગનું ફાસ્ટ ફૂડ વ્હાઇટ હાઉસમાં આવવા લાગ્યું કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પને તે જ પસંદ હતું. વ્હાઇટ હાઉસના આ રસોડામાં કોઈપણ સમયે 140 મહેમાનોને ડિનર પીરસવાની ક્ષમતા છે. જો રાષ્ટ્રપતિ અને તેમનો પરિવાર કોઈ મોટી પાર્ટીનું આયોજન કરે છે, તો રસોડાને તેનાં વિશે અગાઉથી જાણ કરવી પડે છે જેથી તે 1000 લોકો સુધીની વ્યવસ્થા કરી શકે. જો રાષ્ટ્રપતિ અને તેમનો પરિવાર પ્રાઈવેટ પાર્ટી કરે છે, તો તેમણે મહિનાનાં અંતે વપરાયેલી સામગ્રીનું બિલ પોતે ચૂકવવું પડશે.

►ક્રિસ્ટેટા કોમરફોર્ડે મનમોહન સિંહનું ડિનર તૈયાર કર્યું હતું
જ્યારે 2005માં વ્હાઇટ હાઉસના મુખ્ય રસોઇયાએ રાજીનામું આપ્યું ત્યારે જ્યોર્જ બુશ જુનિયર રાષ્ટ્રપતિ હતાં. વ્હાઇટ હાઉસના રસોડામાં એક્ઝિક્યુટિવ શેફની નિમણૂક કરવાનો અધિકાર ફર્સ્ટ લેડીને છે, તેથી ફર્સ્ટ લેડી લૌરા બુશે તેને એક્ઝિક્યુટિવ શેફ બનાવીને કિચનની સંપૂર્ણ જવાબદારી ક્રિસ્ટેટા મર્ફોર્ડને આપી હતી. જો કે, તેમને આ પદ અપાવવાનો શ્રેય પણ તત્કાલિન ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહને જાય છે. શ્રીમતી બુશ મનમોહન સિંહને આપેલાં મોટા ડિનરને જે રીતે ક્રિસ્ટેટાએ સંભાળ્યું હતું તેનાથી ખૂબ પ્રભાવિત થઈ હતી. 

►અલગથી છે પેસ્ટ્રી કિચન અને ફેમિલી કિચન :-
વ્હાઇટ હાઉસમાં 132 રૂમ છે, તેમાં ત્રણ કિચન છે. મુખ્ય રસોડા સાથે, વ્હાઇટ હાઉસમાં પેસ્ટ્રી કિચન અને ફેમિલી કિચન પણ છે, જ્યાં રાષ્ટ્રપતિ માટે સવારનો નાસ્તો અને જમવાનું તૈયાર કરવામાં આવે છે. દર ચાર વર્ષે જ્યારે નવાં રાષ્ટ્રપતિ આ બિલ્ડીંગમાં આવે છે ત્યારે વ્હાઈટ હાઉસના રસોડાના ભોજન, મેનુ અને વ્યવસ્થામાં ફેરફાર થાય છે. તેમાં પણ જ્યારે નવાં પ્રમુખ આ બિલ્ડીંગમાં આવે છે ત્યારે બપોરનાં સમયે વિદાય લેનાર પ્રમુખના જણાવ્યાં મુજબ બધુ તૈયાર કરવામાં આવે છે અને પછીનાં છ કલાકમાં તેઓએ નવાં પ્રમુખ મુજબ તમામ તૈયારીઓ કરવાની હોય છે.
►પેઢી દર પેઢી સેવા પૂરી પાડે છે :-
વ્હાઇટ હાઉસના રસોડામાં નોકરીઓ સ્ટાફનાં સભ્યોની ભલામણ પર જ મળે છે. અહીં સીધી રીતે કોઈને પણ નોકરી પર રાખવામાં આવતાં નથી. કેટલાક પરિવારો વ્હાઇટ હાઉસના રસોડામાં પેઢીઓથી કામ કરી રહ્યાં છે. હવે વ્હાઇટ હાઉસનું આ રસોડું ડોનાલ્ડ ટ્રમ્પ માટે જંક ફૂડ બનાવવાની કોશિશ કરશે, જોકે ટ્રમ્પ જ્યારે છેલ્લે વ્હાઇટ હાઉસમાં રહેતાં હતાં ત્યારે તેમને અહીંનું બર્ગર પસંદ નહોતું આથી તેમણે નિયમો તોડીને બહારથી મંગાવવાનું શરૂ કર્યું હતું. આ વખતે જોવાનું રહેશે કે તેમને આ રસોડામાંથી જંક ફૂડ પસંદ આવે છે કે નહીં.

► ટ્રમ્પ ફ્રેશ કોકની માંગ કરે છે તો ઓબામા માંગે ગરમાગરમ ચા
અમેરિકન રાષ્ટ્રપતિની ઓવલ ઓફિસમાં, તેમનાં ટેબલ પાસે એક બટન છે, જેને દબાવીને તેઓ તેમની પસંદગીનાં નાસ્તાનો ઓર્ડર આપે છે. સામાન્ય રીતે આ વ્હાઇટ હાઉસના મેનૂમાંથી હોય છે. તેણે રસોડું તરત જ તૈયાર કરીને રાષ્ટ્રપતિને સર્વ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પ સામાન્ય રીતે રસોડામાં લાલ બટન દબાવીને તાજા કોકની માંગ કરતાં હતાં. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ગરમ ચાનો ઓર્ડર આપવા માટે ઘણીવાર આ બટન દબાવતાં હતાં. ક્રિસ્ટેટા કોમરફોર્ડ છેલ્લાં 16 વર્ષથી વ્હાઇટ હાઉસની એક્ઝિક્યુટિવ શેફ છે. બિલ ક્લિન્ટનના કાર્યકાળ દરમિયાન તે આસિસ્ટન્ટ શેફ તરીકે વ્હાઇટ હાઉસમાં આવી હતી. પછી તેણી પ્રગતિ કરતી રહી. બરાક ઓબામાના સમયમાં તે વ્હાઇટ હાઉસના રસોડાની પ્રમુખ હતી પછી ટ્રમ્પનાં સમયમાં પણ તે રસોડાની પ્રમુખ હતી અને હજુ પણ છે. તેણીનો જન્મ ફિલિપાઈન્સમાં થયો હતો. 1985માં તે અમેરિકા ગઈ ત્યારે તે 23 વર્ષની હતી.

 

 

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj