રાજકોટમાં વિહિપ-રાધેશ્યામ ગૌશાળાના ઉપક્રમે રામ રથયાત્રામાં વિવિધ ફલોટસનું આકર્ષણ : જુનાગઢમાં ભવ્ય શોભાયાત્રા નીકળી : ભાવનગરમાં બપોરે ભવ્ય શોભાયાત્રા નીકળશે : અમરેલી જીલ્લાના ગામોમાં વિવિધ કાર્યક્રમોના આયોજનો : સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ બન્યું રામમય

જય શ્રી રામ : સૌરાષ્ટ્ર-કચ્છમાં રામલલ્લાના જન્મ વધામણા : ઠેર ઠેર શોભાયાત્રા

Saurashtra | Rajkot | 17 April, 2024 | 11:11 AM
રામ નામ એક ઐસી પ્રીત, પ્રભુ સે દેતી જોડ । રામ નામ એક ઐસા ગીત, પ્રભુ દૌડે તેરી ઓર ॥
સાંજ સમાચાર

રાજકોટ, તા. 17
 

મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામના જન્મોત્સવને વધાવવા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેરો ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે રામનવમીના પાવન પર્વમાં ઠેર ઠેર શોભાયાત્રા, ધર્મસભા, વિશેષ આરતી, પૂજન-અર્ચન, હવન, પંજરીનો પ્રસાદ, ભંડારો, મહાપ્રસાદ સહિતના અનુષ્ઠાનો કાર્યક્રમો યોજાયા છે.

ગત જાન્યુઆરીમાં અયોધ્યામાં પ00 વર્ષની પ્રતિક્ષા બાદ ભગવાન શ્રી રામચંદ્રજીનું મંદિર-પ્રતિષ્ઠા કરાઇ ત્યારપછી સમગ્ર દેશમાં આજે રામનવમીની ઉજવણીનો અનેરો ઉત્સાહ વ્યાપેલો જોવા મળે છે.
 

રાજકોટ
રાજકોટના પ્રાચીન સહિતના રામ મંદિરોમાં પણ પૂજા, અર્ચન, વિશેષ આરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા છે.
વિશ્ર્વ હિન્દુ પરીષદ પ્રેરીત શ્રી રામ જન્મોત્સવ સમિતિ તથા રાધેશ્યામ ગૌશાળાના સંયુકત ઉપક્રમે આજે સવારે નાણાવટી ચોક ખાતે ધર્મસભા બાદ રથયાત્રાનો પ્રારંભ થયો હતો. જે રાજકોટના વિવિધ માર્ગો પરથી પસાર થઇને  ગાોંડલ રોડ પર આવેલ ન્યાલભગત અન્નક્ષેત્ર (રામ મંદિર) ખાતે સંપન્ન થઇ હતી અને ત્યાં મહાઆરતી યોજાઇ હતી. આ બંને સંસ્થા તરફથી 1100 કિલો મીઠાઇ અને 1100 કિલો ફરાળની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ ઉપરાંત કોઠારીયા ખાતેથી, કિસાનપરા ચોકથી, સુર્યમુખી મહારાજના મંદિરેથી પણ શોભાયાત્રાના આયોજનો કરવામાં આવ્યા હતા. સંકીર્તન મંદિર દ્વારા આજે વહેલી સવારે પ્રભાત ફેરી યોજાઇ હતી. રઘુવંશી સમાજ દ્વારા રામનવમીની ઉજવણી કરાઇ હતી. ઈસ્કોન મંદિર, ગીતા વિદ્યાલય, રામ ઝરૂખો, રામજી મંદિર સહિતના અન્ય મંદિરોમાં આજે રામનવમીની ભવ્ય ઉજવણી સાથે રામજન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
 

જુનાગઢ
આજે ચૈત્રી સુદ નોમ એટલે મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મદિવસ ચૈત્રી નવરાત્રીનો નવમો દિવસ ગણાય છે. પ્રભુ શ્રી રામના જન્મ દિવસને વધાવવા જુનાગઢ સહિતના શહેરો શહેર ગામડે ગામડે ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર શોભાયાત્રા આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ધ્વજા પતાકા, લાઇટીંગ સીરીજ, ડી.જે. સાથે ભગવાન શ્રી રામના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી. તમામ રામ મંદિરોમાં વહેલી સવારથી જ ધુન, રામાયણના સુંદર કાંડના પાઠ યોજવામાં આવ્યા છે. ઠેર ઠેર ભગવી ધ્વજા કેસરી ટોપી સાથે અબાલ વૃધ્ધથી બાળકો બહેનો-માતાઓ જોવા મળી રહ્યા છે.

જુનાગઢના ઉપરકોટ ભગવાન શ્રી રામ મંદિરથી બપોરના શોભાયાત્રા 3 કલાકે નીકળી શહેરના વિવિધ માર્ગો ઉપર થી પસાર થશે જેમાં રામાયણના પ્રસંગો અનુલક્ષી ફલોટસ આકર્ષિત કેન્દ્ર બની રહેશે. બપોરના 12 કલાકે ભગવાન શ્રીરામનો જન્મ મનાવવા વિવિધ મંદિરોને પણ લાઇટીંગ, ધ્વજા, પતાકાથી શણગારવામાં આવ્યા છે.

જુનાગઢ ઝાંઝરડા સનાતન હિન્દુ એકતા સમિતિ ઝાંઝરડા રામ મંદિરથી ઝાંઝરડા રોડ સિધ્ધેશ્ર્વર મહાદેવ મંદિર સુધીની શોભાયાત્રા નીકળી હતી. જેમાં ભગવાન શ્રી રામ ચરિતના વિવિધ 10 ફલોટસ જોડાયા હતા. ખાસ કરીને રામ ભકત હનુમાનજી બાહુબલીની ર0 ફુટ જેટલી પ્રતિમા આકર્ષિત બની હતી.
જુનાગઢ ઉપરકોટથી નીકળતા શોભાયાત્રામાં હાલમાં બનેલા અયોધ્યા મંદિરની મુદ્રા પ્રતિમા આકર્ષિત બની છે.  તેને તૈયાર કરવામાં 60 યુવાનો દોઢ માસ સુધીની જહેમત બાદ બનાવવામાં આવી છે. અયોધ્યામાં છે તે જ રામલલ્લાના દર્શન અહીં બતાવાયા છે. 
 

ભાવનગર
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી રામ જન્મ મહોત્સવ સમિતિ-ભાવનગર દ્વારા 1992થી શરૂ કરી દર વર્ષે પરંપરાગત રીતે ભગવાન શ્રી રામલલાની શોભાયાત્રા ભાવનગરના રાજમાર્ગો પરથી નીકળતી હોય છે, ત્યારે આ વર્ષની ભવ્ય શોભાયાત્રા તા.17-4-2024ના દિવસે પરિમલ પાસે શ્રી રામમહલ, તપસ્વી બાપુની જગ્યાથી સાંજના - 4-00 કલાકે પ્રસ્થાન થવાની છે, આ શોભાયાત્રામાં ભાવનગરના સાધુ-સંતો, રાજનૈતિક અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે, આ શોભાયાત્રામાં અખાડા, મિનિ ટ્રેન, વાંદરો, જીપ, આકર્ષક ફ્લોટ જોવા મળશે જે આ શોભાયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ શોભાયાત્રા શ્રી રામ મહલ થી પ્રસ્થાન થઈ, સહકારી હાર્ટ, ઝૂલેલાલ ચોક, સંત કવરરામ ચોક, કાળાનાળા, દાદાસાહેબ જૈન દેરાસર, તાલુકા પંચાયત, બિલેશ્વર મહાદેવ, ચાવડીગેટ, વિજય ટોકીઝ, પાનવાડી, જશોનાથ ચોક, વાસણઘાટ, વીર ભગતસિંહ ચોક, વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય, જગદીશ મંદિર, ખારગેટ, જલારામ બાપા મંદિર ખારગેટ, મામાકોઠા, બાર્ટન લાઈબ્રેરી, કૃષ્ણેશ્વર મહાદેવ, શિવરામ રાજ્યગુરુ ચોક, નવાપરા, પીપળીયા હનુમાનજીના મંદિરે થઈ ભીડભંજન મહાદેવ ખાતે આ શોભાયાત્રા પૂર્ણ થશે આ શોભાયાત્રાની શરૂઆત અયોધ્યામાં ભવ્ય રામમંદિર બને તેવા સંકલ્પ સાથે આ શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. 

આ વર્ષની 22 જાન્યુઆરીના પાવન દિવસે અયોધ્યાના નવનિર્મિત રામમંદિરમાં ભગવાન રામલલાની ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા થઈ અને તેની સાથે આ શોભાયાત્રાનો સંકલ્પ પૂર્ણ થયો હોય, જેનાથી લોકોમાં ભગવાન રામલલાની શોભાયાત્રાને લઈ વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો હોય, ત્યારે આ વર્ષની શોભાયાત્રામાં હિન્દુએકતાને અખંડીત રાખવાના હેતુ સાથે બહોળી સંખ્યામાં હિન્દુ સમાજ જોડાય અને ફરી વખત આ જ વર્ષે રામમય વાતાવરણ બને તે માટે સમગ્ર હિન્દુ સમાજ ને આવાહન કરવામાં આવ્યું છે.
 

અમરેલી
અમરેલી જિલ્લામાં આજે બુધવારે ભગવાન શ્રી રામનાં જન્મોત્સવની આસ્થા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લામાં વિશ્ર્વ હિન્દુ પરિષદ સહિતની ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા શોભાયાત્રા, મહા આરતી સહિતનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
અમરેલી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દુર્ગાવાહીની, માતૃશકિત, દુર્ગાવાહિની ઘ્વારા આજે સવારે 9 કલાકે નાગનાથ મંદિરથી રામજી મંદિર સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ. બપોરે 1ર કલાકે શહેરનાં સુપ્રસિઘ્ધ રામજી મંદિરે દિવ્ય આરતીનું આયોજન કરવામાં આવેલ છે. 
અમરેલી ઉપરાંત રાજુલા, સાવરકુંડલા, ખાંભા, ધારી, બગસરા, બાબરા, દામનગર, લીલીયા સહિતનાં તાલુકા કક્ષા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ભગવાન શ્રી રામનાં જન્મોત્સવને લઈને જબ્બરો ઉત્સાહ જોવા મળી રહૃાો છે અને ઠેકઠેકાણે શોભાયાત્રા, મહાઆરતી સહિતનાંકાર્યક્રમોનું આયોજન કરાયું હોય આબાલ-વૃઘ્ધ સૌ કોઈ ભગવાન શ્રી રામનાં રંગે રંગાઈ ગયા છે.
 

દામનગર
દામનગર શહેરની મઘ્યમાં આવેલ શ્રી રામજી મંદિરથી રામ નવમી ઉત્સવ સમિતિ આયોજીત  દ્વારા આજે બુધવારે બપોરના 3 કલાકેથી શોભાયાત્રા પ્રસ્થાન થશે. તેમાં શણગારાયેલ 3 ટ્રેકટર, 1 બગીમાં વેશભૂષા સાથે ડી.જે.નાં તાલે જય જય શ્રી રામના નાદ સાથે ઝાંપાના હનુમાનજી મંદિર, હવેલી-ઝાપાના મેલડીમાંનું સ્થાનક-સરદાર સર્કલથી વૈજનાથ મહાદેવ મંદિર,જૂનું બસ સ્ટેન્ડ, જૈન વાડી, જૂનું શાક માર્કેટ, ઉન્ડપા શેરી, જીનની જાળી, છભાડિયા રોડ- સ્વામિનારાયણ મંદિર, રામાપીરનું મંદિર, બહારપરા, શરમાળિયા પરા, સીતારામ નગર, ભૂરાખિયા રોડ- લટુરીયા હનુમાનજી મંદિર, ભુરખીયા ચોકડી (રામચોક), નગરપાલિકા વિસ્તારથી સરદાર સર્કલે શોભાયાત્રા સંપન્ન થશે. બપોરના બાર કલાકે અને સાંજના શ્રી રામજી મંદિરે આરતી કરવામાં આવશે. શ્રી રામ નવમી ઉત્સવ ઉજવવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj