આ ચૂંટણી નરેન્દ્રભાઇ મોદીની ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટેની છે : ભારતીય સંસ્કૃતિનું વિશ્વમાં માન વધાર્યુ છે એ યાદ રાખવા જેવી બાબત...

જામસાહેબ નરમ પડયા : ધર્મગુરૂ-સમાજના આગેવાનોની હાજરીમાં રૂપાલાને માફ કરવાનો મત

Gujarat, Saurashtra, Politics | Jamnagar | 10 April, 2024 | 05:36 PM
ઉગ્ર વિરોધ વચ્ચે રૂપાલાને હરાવીને લોકતાંત્રિક રીતે સજા આપવા રાજપૂત સમાજને હાકલ કર્યા બાદ તુર્ત જ 24 કલાકની અંદર નવું નિવેદન આપ્યું : ‘ક્ષમા વિરસ્ય ભુષણમ’નો ધર્મ અપનાવવા સૌને અનુરોધ
સાંજ સમાચાર

જામનગર, તા. 10
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં પ્રવતર્તી ભારે નારાજગી  વચ્ચે ગઇકાલે જામનગરના પૂર્વ રાજવી જામસાહેબે લોકતાંત્રિક રીતે સજા આપવા રાજપૂત સમાજને હાકલ કરતા ગરમાવો આવી ગયો હતો.

દરમ્યાન આજે બપોરે આ વિવાદમાં જામસાહેબે એકાએક નરમ વલણ સાથેનું નિવેદન  જાહેર કર્યુ છે. જેમાં તેઓએ સમાજના આગેવાનો અને ધર્મગુરૂ સમક્ષ રૂપાલા માફી માંગે તો ‘ક્ષમા વિરસ્ય ભુષણમ’ ધર્મ મુજબ માફી આપવા રાજપૂત સમાજને અપીલ કરી છે. 

સમાજના અપમાનનો મુદ્દો સર્વત્ર રોષ સાથે ફેલાઇ ગયો છે ત્યારે આ રોષને ગઇકાલે સમર્થન આપ્યા બાદ આજે  પેલેસમાંથી વધુ એક નિવેદન બહાર આવ્યું હતું. આ તા.10-4-24ના નિવેદનમાં જામસાહેબની સહી સાથેના પત્રમાં જણાવ્યું છે કે ગઇકાલના રૂપાલાજીના નિવેદન બાબતેનો પત્ર સાર્વજનીક થયા બાદ સમાજના ઘણા આગેવાનો, ધર્મગુરૂઓ અને અન્ય આગેવાનો સાથે વાત થઇ છે.

મારા ધ્યાન પર આવ્યું છે કે રૂપાલાએ પહેલા બે વાર માફી માંગી લીધી છે. પરંતુ આટલું પુરતું નથી. નિવેદનની જગ્યા સમાજના પ્રમુખ, આગેવાનો અને ધર્મગુરૂઓ સામે માફી માંગવી જોઇએ. ફરી એકવાર રૂપાલા આ પ્રમાણે માફી તો ‘ક્ષમા વિરસ્ય ભુષણમ’ના આપણા ધર્મને યાદ કરી માફી માંગવી જોઇએ.

આ ચૂંટણી શ્રી નરેન્દ્ર મોદીજીને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવાની ચૂંટણી છે. આપણા ગુજરાતના શ્રી નરેન્દ્ર મોદીજીએ દેશને ખુબ આગળ વધાર્યો છે. દેશને સમૃધ્ધ અને સુરક્ષીત કર્યો છે. આપણા ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું વિશ્ર્વમાં માન વધાર્યુ છે. જે ધ્યાને લઇ આપણે આગળ વધવું જોઇએ...જય માતાજી

 ગઇકાલે આકરો મિજાજ દેખાડયો હતો
ગઇકાલે જામનગરના જામસાહેબે પણ ક્ષત્રિય સમાજનું સમર્થન કરી લોકશાહી ઢબે સજા આપવા રૂપાલાને ચૂંટણીમાં હરાવવા મંતવ્ય આપ્યું હતું. એક અખબારી નિવેદનમાં જામનગરના પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાએ આ વિષય અંગે પ્રતિક્રિયા જાહેર કરી છે. જણાવ્યું હતું કે, આ બારામાં હજુ સુધી કંઇ વધુ પડતું નથી બન્યું તે સારી વાત છેે.

કોઇ આપણું ખરાબ બોલી અપમાન કરે તો તેના અનુસંધાને આપણે પોતાની જાતને ભયંકર સજા ન આપવાની હોય પરંતુ અયોગ્ય વાત કરવાનો ગુન્હો કરે તેને સજા થવી જોઇએ. જે બહેનોએ વિરોધ કરવાની હિમંત દર્શાવી તેને મારા ધન્યવાદ છે પરંતુ જે કાર્યનો સંકલ્પ કર્યો હતો તેથી હું ટીકા કરૂં છું. કારણ કે ‘જોહર’નો પ્રશ્ર્ન આ કિસ્સામાં બિલકુલ ઉપસ્થિત થતો જ નથી.

આજના લોકશાહીના સમયમાં ગેરવાજબી રીતે નહીં પરંતુ લોકશાહીની રીતે એકતા બતાવી વિરોધ કરવામાં આવે. રાજપૂતોએ માત્ર હિંમત જ નહીં પરંતુ એકતા બતાવી દેવાની છે અને જણાવી દેવાનું છે કે રાજપૂતો હજુ ભારતમાં જ છે. આથી સહુ રાજપૂતો ભેગા મળી જે કોઇ આવું કૃત્ય કરે કે જે આપણને (રાજપૂત સમાજને) ન પોસાય ત્યારે ભેગા મળી તેને ચૂંટણીમાં હરાવો તેવી વાત કહી જામસાહેબે રાજપૂત સમાજને અપીલ કરી છે કે લોકશક્તિએ ભેગા મળીને લોકશાહીને અનુરૂપ સજા આપેલી ગણાય. આ નિવેદનના 24 કલાક બાદ જ તેમણે આ વિવાદમાં હળવી ભૂમિકા જેવો સૂર જાહેર કર્યો છે. 

બંને પત્ર અને નિવેદન જામસાહેબના  જ છે : પેલેસ દ્વારા સ્પષ્ટતા કરાઇ
જામનગર, તા. 10

જામનગરના પૂર્વ રાજવી જામસાહેબે 24 કલાકમાં ક્ષત્રિય સમાજના રૂપાલા સામેના વિરોધ અંગે બે નિવેદન જાહેર કર્યા છે. બંને નિવેદનમાં લેટરપેડ અને સહી અલગ હોવાની ચર્ચા શરૂ થતા પેેલેસના જનસંપર્ક અધિકારી દ્વારા આ બંને પત્ર અને નિવેદન જામસાહેબના જ છે તેવું સ્પષ્ટ કર્યુ છે.

ગઇકાલના નિવેદનમાં પેલેસનો લેટરપેડ અને જામસાહેબની સહી હતા. આજના નિવેદનમાં તેઓને અપાયેલ વિંગ કમાન્ડરની પદવી સાથેનું લેટરપેડ છે. સહી જુદી છતાં બંને નિવેદન જામસાહેબના જ છે. આ બંને પત્ર અંગે વિવાદનો કોઇ પ્રશ્ર્ન નથી તેવું પેલેસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj