‘દુનિયાને બચાવવા’ હવે માત્ર બે વર્ષનો સમય: યુનોની ચેતવણી

World | 11 April, 2024 | 12:40 PM
2025 સુધીમાં ગેસ ઉત્સર્જન પર નિયંત્રણ ન આવે તો ધરતીની હાલત બગડી જશે: 20 સમૃદ્ધ દેશો જ જવાબદાર
સાંજ સમાચાર

ઓકસફર્ડ,તા.11
કલાયમેટ ચેન્જ- ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે દુનિયાના લોકો પાસે હવે માત્ર બે વર્ષનો સમય છે અને પૃથ્વી-જીવનને બચાવવુ હોય તો તાબડતોડ નકકર કદમ ઉઠાવવા પડે તેવી ચેતવણી યુનોની જલવાયુ સમીતીના પ્રમુખ સાઈમન સ્ટીલ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

તેઓએ કહ્યું કે પ્રદુષણ નિયંત્રીત કરવા માટે દુનિયાના દેશોને 2025 સુધીનો સમય આપવામાં આવ્યો છે. દુનિયાને બચાવવા માટે બે વર્ષનો જ સમય હોવાનું કહેવું ખોટુ નથી. ગેસ ઉત્સર્જન ઘટાડવા માટે બહુ ઓછો સમય છે. આ માટે બનાવવાના એકશન પ્લાન માટે નાણાંકીય ફાળવણી માટે પણ હવે બહુ ઓછો સમય છે.

તેઓએ કહ્યું કે અમારી (યુનો) ચેતવણી નાટકીય લાગતી હોવા છતાં વાસ્તવિકતા એ છે કે જલવાયુ પરિવર્તન સામે બે વર્ષમાં નકકર અને નિર્ણાયક કામગીરી અત્યંત જરૂરી બની ગઈ છે. જલવાયુ સચિવ સાયમન સ્ટીલે ગેસ ઉત્સર્જન ઘટાડવા માટે ગ્રીન હાઉસ બનાવવા પર ભાર મુકયો હતો. ગેસ ઉત્સર્જન રોકવા માટે હજુ સમય છે અને તે માટે નકકર-મજબૂત કદમ ઉઠાવવા પડશે.

તેઓએ વિકસીત તથા આર્થિક રીતે સદ્ધર દેશોને કલાયમેટ ચેન્જની અસરો રોકવા માટેના એકશન પ્લાનને કાર્યાન્વિત કરવા નાણાંકીય મદદ કરવાનું આહવાન કર્યુ હતું. આર્થિક રીતે શક્તિશાળી ‘જી20’ દેશોએ આ માટે આગળ આવવુ પડશે. દુનિયામાં ઉત્સર્જનને કારણે વધતા તાપમાન માટે 80 ટકા જવાબદારી આ દેશોની જ છે. ધરતી પર કાર્બન તથા મિથેનનું ઉત્સર્જન વર્તમાન ગતિએ વધતા રહેવાના સંજોગોમાં પૃથ્વીની હાલત બગડી જશે.

વાતાવરણમાં અસામાન્ય બદલાવ કાયમી બનશે: વધુ વકરશે
ભારતીય હવામાન વિભાગનાં વડા મૃત્યુંજય મહાપાત્રની લાલબતી: અતિભારે વરસાદ, હીટવેવ તથા આંધીના ઘટનાક્રમ વધશે, કાતિલ ઠંડીના દિવસો ઓછા થશે

નવી દિલ્હી તા.11
કલાયમેન્ટ ચેન્જ કારણે ભારતમાં વાતાવરણમાં અસામાન્ય ફેરફારોના ઘટનાક્રમમાં વધારો થતો રહેવાની ચેતવણી ભારતીય હવામાન વિભાગના વડા મૃત્યુંજય મહાપાત્રએ આપ્યો છે. છેલ્લા મહીના વર્ષોમાં એક સાથે અસાધારણ વરસાદ, હીટવેવનાં વધતા દિવસો તથા કાતિલ ઠંડીનાં દિવસોની ઘટતી સંખ્યા પાછળ કલાયમેન્ટ ચેન્જ જ જવાબદાર છે.

લોકસભાની ચૂંટણીનાં વર્તમાન સમયગાળા દરમ્યાન આકરી ગરમી પડવાની આગાહીનો પુનરોચ્ચાર કરતા તેઓએ કહ્યુ કે અતિ તીવ્ર વાતાવરણ ફેરફારો જોવા મળી રહ્યા છે વધુ પડતા વરસાદના દિવસો વધી રહ્યા છે. હીટવેવની સંખ્યા પણ વધી રહી છે. ગમે ત્યારે આંધી-તોફાન પણ સર્જાય જાય છે. સામે કાતિલ ઠંડીના દિવસો સતત ઓછા થઈ રહ્યા છે.

ગત માર્ચ મહિનો ગરમ બની રહ્યો હતો.અને સરેરાશ 14.14 કી.મી.તાપમાન નોંધાયુ હતું. આ પૂર્વે માર્ચ 2016 માં સર્જાયેલા રેકર્ડ કરતાં આ વખતે તાપમાન 0.16 ડીગ્રી વધુ રહ્યું હતું. સળંગ 10 મા મહિને સરેરાશ તાપમાનમાં વૃધ્ધિ જોવા મળી હતી. ફેબ્રુઆરી 2024 નું સરેરાશ તાપમાન તો 1.68 ડીગ્રીનો વધારો સુચવતુ હતું. 

હવામાન વિભાગે અગાઉ જ એપ્રિલથી જુનમાં અત્યાધક ગરમી પડવાની ચેતવણી આપી દીધી હતી. ખાસ કરીને મધ્ય તથા પશ્ર્ચિમ ભાગો વધુ ધમધમશે તેમ સ્પષ્ટ કરાયું હતું. દેશના જુદા જુદા ભાગોમાં જ હીટવેવનાં 10 થી 20 દિવસો રહેવાની પણ આગાહી છે જે સામાન્ય રીતે 4 થી 8 દિવસના રહેતા હોય છે.

મહત્વની વાત એ છે કે આ ગાળા દરમ્યાન ભારતમાં સાત તબકકામાં લોકસભાની ચૂંટણી થવાની છે. પ્રથમ તબકકાનું મતદાન 19 એપ્રિલે તથા અંતિમ તબકકાનું 1 જુને યોજાવાનુ છે.

મહાપાત્રએ કહ્યું કે હવામાન વિભાગે હવે દરરોજ આગાહી-માર્ગદર્શિકા સંબંધી બે બુલેટીન આપવાનું શરૂ કર્યું છે. સંબંધીત મંત્રાલયો ડીઝાસ્ટર મેનેજમેન્ટ સહીતની એજન્સીઓ વગેરેને રીપોર્ટ મોકલાય છે. જેના આધારે તેઓ તાબડતોબ પગલા લઈ શકે.ગ્રીનહાઉસ ગેસનાં ઉત્સર્જન પર અંકુશ ન આવે તો આવા અસાધારણ હવામાન ઘટનાક્રમો કાયમી થઈ જશે. એટલુ જ નહિં તેની સંખ્યા સતત વધતી રહેશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj