મારામારીની ઘટનામાં આગેવાનો - પોલીસ માટે ‘નીચુ જોવાપણુ’ થતા ગંભીર નોંધ

ખોડલધામ - સરદારધામની સંયુક્ત બેઠકનો તખ્તો : ગાઈડલાઈન ઘડાશે

Saurashtra | Rajkot | 03 December, 2024 | 04:24 PM
વ્યક્તિગત વિવાદમાં સંસ્થાઓને ઢસડવાના પ્રયાસથી માંડીને ટ્રસ્ટીઓ સુધીના દરેક માટે કોમન નીતિનિયમો તૈયાર કરાશે: તુર્તમાં બેઠક
સાંજ સમાચાર

રાજકોટ,તા.3
પાટીદાર સંસ્થા સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા તથા પોલીસ ઈન્સ્પેકટર સંજય પાદરીયાના વિવાદને કારણે ખોડલધામ તથા તેના ચેરમેન નરેશ પટેલ સામે આંગળી ચિંધાયા બાદ તેનુ સૂરસૂરીયુ થતા સરધારાની પડખે ચડેલા સમાજના જ આગેવાનો ઉપરાંત પોલીસ માટે પણ નીચા જોણા પણુ થયુ છે.

ભવિષ્યમાં કોઈપણ સંસ્થા કે હોદેદારો ખોટા વિવાદમાં ન સપડાય તે માટે ખોડલધામ-સરદારધામ જેવી સંસ્થાઓએ એક પ્લેટફોર્મ પર નવી ગાઈડલાઈન બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. બન્ને સંસ્થાઓની સંયુક્ત બેઠક તુર્તમાં યોજાશે અને તેમાં ઉપસ્થિત કોમન નીતિ નિયમો ઘડવામાં આવે તેવી સંભાવના છે.

પાટીદાર સંસ્થાના સૂત્રોએ જણાવ્યું હતું કે, જયંતિ સરધારા તથા સંજય પાદરીયા વચ્ચેની મારામારીની ઘટના બાદ સંસ્થાને વિવાદમાં ઢસડવાનો પ્રયાસ થતા માત્ર હોદેદારો જ નહીં પરંતુ સમાજમાં પણ તીવ્ર પ્રત્યાઘાતો પડયા હતા. સમગ્ર ઘટનાનુ બે દિવસ ચિત્ર સ્પષ્ટ થતા તથા વિવાદ ઉભો કરવાનો પ્રયાસ હોવાની છાપ ઉપસતા સમાજમાં જ ઘણી નારાજગી ઉભી થઈ છે.

ખોડલધામ તથા સરદારધામ બન્ને પાટીદારોની જ સંસ્થા છે અને રાજયભરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ, આગેવાનોથી માંડીને સામાન્ય લોકો તેમાં જોડાયેલા છે. બન્ને સંસ્થાઓનો ઉદેશ સમાજના વિકાસનો જ હોવાથી અનેક આગેવાનો તો બન્ને સંસ્થાઓ સાથે જોડાયેલા છે. કોઈ વિવાદના સંજોગોમાં આવા આગેવાનોની હાલત કફોડી બની જતી હોય છે.

રાજકોટની ઘટના બાદ ભવિષ્યમાં તેનું પુનરાવર્તન રોકવા માટે આગેવાનોએ કોમન ગાઈડલાઈનનો વિચાર રજુ કર્યો હતો. ખોડલધામ તથા સરદારધામ એમ બન્ને સંસ્થાઓના વડાઓએ આ પહેલને વધાવીને તે દિશામાં આગળ વધવાનુ નકકી કર્યુ છે.

સૂત્રોએ જણાવ્યું છે કે, ખોડલધામ તથા સરદારધામ એમ બન્ને સંસ્થાના આગેવાનો-પ્રતિનિધિઓની સંયુક્ત બેઠક થશે. સંસ્થાઓ કોઈ વિવાદમાં ન ઢસડાઈ કે આવો પ્રયાસ પણ સફળ ન થાય સહિતના અનેકવિધ મુદાઓ પર ચર્ચા-વિચારણા કરીને વિસ્તૃત ગાઈડલાઈન તૈયાર કરવામાં આવે તેવી સંભાવના છે.
બન્ને સંસ્થાઓ રાજકોટ, અમદાવાદ, સુરત સહિત રાજયભરમાં સક્રીય છે અને મોટા પ્રોજેકટો હાથ પર લઈ રહી છે તેવા સમયે સંયુકત ગાઈડલાઈન સમાજ અને સંસ્થાઓના જ હિતમાં રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અઠવાડીયા પુર્વે મવડી-કણકોટ રોડ પરના પાર્ટીપ્લોટમાં જયંતિ સરધારા અને પોલીસ ઈન્સ્પેકટર સંજય પાદરીયા વચ્ચે વિવાદ સર્જાયો હતો. વાત મારામારી સુધી પહોંચી હતી. જયંતિ સરધારાને ઈજા થતા હોસ્પીટલમાં દાખલ થયા હતા જયાં તેઓએ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલના ઈશારે હુમલો કરાયાનો આક્ષેપ કરતા સમગ્ર સમાજ સ્તબ્ધ થયો હતો.

સરદારધામના આગેવાનોએ, જો કે, ખોડલધામ સાથે કોઈ વિવાદ ન હોવાનું સ્પષ્ટ કર્યુ હતું. પરંતુ પાદરીયા સામે કડક પગલા લેવાની માંગ કરી હતી. આ દરમ્યાન હુમલા સ્થળને સીસીટીવી વિડીયો વાઈરલ થયા હતા જેમાં પ્રથમ ઝપાઝપી-લાત સરધારાએ મારી હોવાનુ સ્પષ્ટ થયુ હતુ. સરધારાએ હથિયારથી હુમલાનો પણ આક્ષેપ કર્યો હતો તેના આધારે પાદરીયા સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ થયો હતો.

જો કે, ઈજા ગંભીર ન હોવાનુ કે હથિયારના પણ ઉપયોગ ન હોવાનુ સ્પષ્ટ બનતા પોલીસે પણ કોઈની મંજુરી મેળવીને હત્યાની કોશિશની કલમ રદ કરવી પડી હતી. ઘટનાનું સમગ્ર ચિત્ર સ્પષ્ટ થતા સામાજીક દ્દષ્ટીએ ઘટનાની ગંભીર નોંધ લઈને ગાઈડલાઈન ઘડવાની પહેલ કરવામાં આવી છે.

વિવાદ સર્જનારાને સંસ્થામાંથી હાંકી કઢાશે
માહિતગાર સૂત્રોએ કહ્યું કે સૂચિત ગાઈડલાઈનમાં વિવાદ સર્જનારા કે સંસ્થાને તેમાં ઢસડવાનો પ્રયાસ કરનારાને સંસ્થામાંથી હાંકી કાઢવાનો મુદો મુખ્ય રહેશે. ગાઈડલાઈનમાં અત્યંત સ્પષ્ટ જોગવાઈ કરાશે અને પાટીદાર સંસ્થાઓને સમાન રીતે લાગુ પડશે. એક સંસ્થામાંથી કાઢી નાખવામાં આવે તો બીજી સંસ્થા પણ તેને એન્ટ્રી ન આપે તેવો પણ નિયમ નકકી કરાશે.

સુચીત બેઠકમાં રાજકોટ, અમદાવાદ, સુરત સહિત રાજયભરની મુખ્ય પાટીદાર સંસ્થાના પ્રતિનિધિઓને ઉપસ્થિત રાખવાની પણ હિલચાલ છે. કોમન ગાઈડલાઈન મારફત સંસ્થામાં તથા સમાજમાં વિવાદ રોકવાનો ઈરાદો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj