જ્ઞાનથી દરેક સમસ્યાઓનું સમાધાન મળે છે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

Gujarat | Veraval | 17 January, 2025 | 10:31 AM
ગીરગઢડાના દ્રોણેશ્વરના એસ.જી.વી.પી.ગુરૂકુળ ખાતે કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત : દાતાઓ અને સમાજ શ્રેષ્ઠીઓનુ સન્માન : સંતો - મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિ
સાંજ સમાચાર

( દેવાયતભાઈ રાઠોડ દ્વારા) પ્રભાસપાટણ,તા.17
ગીરગઢડાના દ્રોણેશ્વરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એસ.જી.વી.પી.ના સંત માધવપ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેના કન્યા છાત્રાલયનું આજે સાંજે ખાતમુહૂર્ત કર્યું હતું.

સંસ્કૃતિ, સંસ્કાર, સદવિદ્યાના ત્રિવેણી સંગમ એવા એસ.જી.વી.પી., ગુરુકુળ ખાતે ગુરુકૂળની વિદ્યાર્થીનીઓની બેન્ડની સૂરાવલીઓ વચ્ચે આ ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંસ્કારયુક્ત શિક્ષણના પાયા સમાન નૂતન કન્યા છાત્રાલયના ખાતમુહૂર્ત અવસરે જણાવ્યું હતું કે, દરેક સમસ્યાનું સમાધાન જ્ઞાન છે. જીવન વ્યવહારના તમામ પ્રશ્નો ઉકેલ શિક્ષણ દ્વારા આવી શકે છે, ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ગીર ગઢડાના અંતરિયાળ વિસ્તારમાં દીકરીઓ માટેનું છાત્રાલય બનાવવા માટેનું કદમ નવા અધ્યાયની શરૂઆત સમાન છે. 

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અત્યારે સમાજમાં ભણતર સાથે ચારિત્ર્ય ઘડતરની પણ એક પ્રકારની ચિંતા હોય છે, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતોએ ગુરુકુળની વ્યવસ્થા દ્વારા એક એવી અદભુત વિરાસતનું નિર્માણ કર્યું છે કે, ગુરુકુળમાં આવનાર દીકરીનું ભણતર તો સારું થશે જ, પરંતુ ઉત્તમ ચરિત્રનું નિર્માણ થશે તે બાબતે વાલીઓ પણ નિશ્ચિત બની જાય છે. 

સ્વામિનારાયણ ગુરુકુળ પરંપરામાં વડાપ્રધાન શ્રીના ’વિકાસ ભી, વિરાસત ભી’ ના ધ્યેય મંત્રને પણ સાકાર થતો જોઈ શકાય છે તેમ જણાવી તેમણે દીકરીઓ માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ’નમો સરસ્વતી’ અને ’નમો લક્ષ્મી’ યોજનાઓનો ઉલ્લેખ કરીને તેનો પણ મહત્તમ લાભ લેવા માટે અપીલ કરી હતી. 

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 75 માં બંધારણ દિવસની ઉજવણી અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ’વી ધ પીપલ’ અંતર્ગત 11 સંકલ્પો આપ્યાં હતાં. જેમાં એક મહત્વપૂર્ણ સંકલ્પ ’વુમન લેડ ડેવલપમેન્ટ’ છે. ’વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત’ની સંકલ્પના માટે શિક્ષણ ખૂબ મહત્વનું માધ્યમ બની રહેવાનું છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. 

મુખ્યમંત્રી વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન કર્તવ્ય પાલન માટે પણ ખૂબ જ આગ્રહી છે. હક્ક સાથે કર્તવ્યનું પાલન પણ સુપેરે કરીએ ત્યારે વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવા માટે આપણને કોઈ તકલીફ પડવાની નથી. 

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ સંસ્થા સાથે હું 1995 માં મેમનગરમાં કોર્પોરેટર હતો, ત્યારથી સાથે કાર્ય કરવાનું બન્યું છે. સ્વામિનારાયણ ગુરુકુળ, અમદાવાદ દ્વારા કાઢવામાં આવતી રથયાત્રા દરમિયાન સ્વચ્છતાનો એટલું બધું ધ્યાન રાખવામાં આવે છે કે, રોડ પર રથયાત્રા નીકળ્યા પછી કચરો પણ જોવા ના પડે. આ રીતે આ સંસ્થા વડાપ્રધાનશ્રીના ’સ્વચ્છતા અભિયાન’માં પણ શિરમોર રહી કાર્ય કરી રહી છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. 

ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ આ તકે જણાવ્યું હતું કે, એસ.જી.વી.પી.ના આ વિસ્તારમાં આગમનને કારણે આ વિસ્તારની દશા અને દિશા બન્ને બદલાઈ ગઈ છે. સંસ્કારયુક્ત શિક્ષણ એ આજના સમયની જરૂરિયાત છે, જે ગુરુકુળ પરંપરામાં આદર્શ રીતે અહીં પ્રાપ્ત થઈ રહ્યું છે.

સંત માધવપ્રિયદાસજી સ્વામીએ આશીર્વાદ આપતાં જણાવ્યું કે, સંપત્તિ તો ઘણાં બધા લોકો પાસે હોય છે, પરંતુ વાપરવાનું દિલ ઘણા ઓછા લોકો પાસે હોય છે. શિક્ષણના યજ્ઞ માટેનું દાન એ વિશુદ્ધ ભાવે ભગવાનને રાજી કરવાનું કાર્ય છે.આ તકે આર.ડી. વરસાણી સહિતના મહાનુભાવોએ પ્રસંગિક પ્રવચન કર્યું હતું.

મુખ્યમંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે અદ્યતન નૂતન કન્યા છાત્રાલયના નિર્માણમાં યોગદાન આપનાર દાતાઓ અને સમાજશ્રેષ્ઠીઓનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રૂ.20 કરોડના ખર્ચે તૈયાર થનાર ચાર માળની આ અદ્યતન નૂતન કન્યા છાત્રાલયમાં 500 વિદ્યાર્થીનીઓ રહી શકે એવાં અત્યાધુનિક છાત્રાલયનું નિર્માણ કરવામાં આવશે. આ રમણીય કેમ્પસમાં દિકરીઓ માટે નિ:શુલ્ક સર્વશ્રેષ્ઠ અભ્યાસ સાથે સંસ્કારમય વાતાવરણ પ્રાપ્ત થવાનું છે.

આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચૂડાસમા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મૂછાર, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પિઠીયા, કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા  મનોહરસિંહ જાડેજા, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, હરિકૃષ્ણદાસજી સ્વામી, ભક્તવત્સલદાસજી સ્વામી, ધર્મવત્સલદાસજી સ્વામી સહિતના સંતો-મહંતો, મહાનુભાવો અને આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. (તસ્વીર: દેવાભાઇ રાઠોડ) 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj