ચૂંટણીનો થાક ઉતારવા ભાજપના અનેક નેતાઓ-આગેવાનો હિલ સ્ટેશનમાં : હિટવેવથી બચી ગયા!

India, Politics | 17 May, 2024 | 05:36 PM
મંત્રી, ચૂંટાયેલા લોકો, હોદ્દેદારો દેશ-વિદેશના પ્રવાસે : કાશ્મીર-નેપાળમાં ઠંડકનો પરિવાર સાથે આનંદ લેતા અગ્રણીઓ : મત ગણતરીના અઠવાડિયા અગાઉ તમામ લોકો પરત ફરશે
સાંજ સમાચાર

રાજકોટ, તા. 17
લોકસભાની ચૂંટણી માટે તા.7ના રોજ મતદાન થઇ ગયા બાદ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અને નેતાઓ રિલેકસ મુડમાં આવ્યા છે. કેટલાક નેતાઓને અન્ય રાજયમાં ચૂંટણી જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભાજપના કેટલાક નેતાઓ ચૂંટણી પ્રચારમાં અને અનેક નેતાઓ વેકેશનમાં પરિવાર સાથે ઠંડા પ્રદેશોમાં ફરવા પહોંચી ગયા છે. 

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હાલ અગનવર્ષા થઇ રહી છે અને હિટવેવ જેવી સ્થિતિ છે ત્યારે નેતાઓ હિલ સ્ટેશન પર પહોંચીને થોડા દિવસ માટે હિટવેવથી બચી ગયા છે. ભાજપના ચૂંટાયેલા લોકો, સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યોથી માંડી મંત્રી પણ દેશ-વિદેશના પ્રવાસે ફરી રહ્યા છે. રાજકોટમાં  ટોચના ઘણા નેતાઓ હાજર નથી અને હવે આવતા અઠવાડિયે એક બાદ એક પરત ફરે તેમ જાણવા મળે છે. તા.4 જુનના રોજ મત ગણતરી છે તે પૂર્વે થાકેલા નેતાઓએ ઉનાળાની ગરમીથી દુર ઠંડકનો અનુભવ કરી લીધો છે. 

મંત્રી ભાનુબેન બાબરીયા પરિવાર સાથે વિદેશ પ્રવાસે ગયા છે. ચૂંટણીમાં વ્યસ્ત રહ્યા બાદ તેઓ પરિવાર સાથે  ફરવા ગયા છે. શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી પણ પરિવાર સાથે કાશ્મીરના પ્રવાસે છે. તો પૂર્વ મેયર પ્રદીપભાઇ ડવ પણ કાશ્મીર પારિવારિક પ્રવાસમાં પહોંચ્યા છે. 

સ્ટે.કમીટી ચેરમેન જયમીન ઠાકર ચૂંટણી અને યાત્રા પ્રવાસમાં હરીદ્વાર ગયા છે. પૂર્વ પ્રમુખો ધનસુખ ભંડેરી અને  કમલેશ મીરાણી વિજયભાઇ રૂપાણી સાથે પંજાબના ચૂંટણી કાર્યક્રમમાં સામેલ થયા છે. 

ભાજપના ઘણા આગેવાનો અને ચૂંટાયેલા લોકો દુબઇ, નેપાળ, સિકકીમ અને કેટલાક વિદેશ પ્રવાસમાં છે. ઉનાળામાં ભારે તાપ વચ્ચે મતદાન સમયે નેતાઓથી માંડીને કાર્યકરોએ તડકામાં દોડાદોડી કરી હતી. અમુક આગેવાનો દુબઇની ગરમીમાં પણ કુલ કુલ પળો માણી રહ્યા છે. 

હાલ રાજકોટમાં હીટવેવ જેવી સ્થિતિ છે. આ અગનવર્ષામાંથી નેતાઓ અને કોર્પોરેટરોની આ ટીમ બચી ગઇ છે.  કાશ્મીર, નેપાળ જેવી જગ્યાએ ઠંડકનો અનુભવ કરીને થાક ઉતારી રહ્યા છે. પરિવારથી ચૂંટણીના સમયમાં દુર રહ્યા બાદ હવે આ નેતાઓ પરિવાર સાથે વેકેશન માણે છે. આથી કમલમ કાર્યાલય, મહાપાલિકા, જિલ્લા પંચાયત સહિતની કચેરીઓમાં ભાજપના ચૂંટાયેલા લોકો, સભ્યો, કાર્યકરોની અવરજવર નહીંવત દેખાઇ રહી છે. 

હજુ મત ગણતરી સુધી તમામ કચેરીમાં આચારસંહિતાનો અમલ ચાલુ છે. વહીવટી તંત્ર કે ચૂંટાયેલા લોકો કોઇ નવી કામગીરી કરી શકે તેમ નથી. સરકારી સુવિધાનો ઉપયોગ પણ કરી શકતા નથી. આથી મોટા ભાગના લોકો ફોન પર લોકોના કામ કરી જરૂરી સુચનાઓ આપી દે છે. અગત્યના કામ મોબાઇલ ફોન પર દુરથી પણ થઇ શકે છે. બાકી રૂબરૂ મળવા માટે હજુ આવતા સપ્તાહનો સમય કાર્યાલયોમાંથી આપવામાં આવી રહ્યો છે.  આમ લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ નેતાઓનો એક મોટો વર્ગ થાક ઉતારવા ગુજરાત બહાર પહોંચી ગયો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj