બોર અને મીયાવાંકી જંગલોના નિર્માણ વચ્ચે સૌથી મોટો બીઆરટીએસ ટ્રેક સાથેનો રોડ વૃક્ષો વગર ભઠ્ઠીની જેમ ધગધગતો રહે છે

ગાર્ડનના 25 પ્લોટમાં મીની સીટી ફોરેસ્ટ : ગ્રીન કવર વધારવા મનપાનું નવું આયોજન

Saurashtra | Rajkot | 21 May, 2024 | 05:35 PM
માત્ર વૃક્ષો અને પક્ષીઓ માટેના બગીચા બનશે-લોકોને નો-એન્ટ્રી : હરિયાળી વધશે અને તાપમાન નીચુ રહેશે : જળસંચય માટે પેવીંગ બ્લોક હેઠળ જગ્યા કરવાની પણ જરૂર
સાંજ સમાચાર

રાજકોટ, તા.21
પૂરા રાજયની સાથે રાજકોટમાં પણ આ વર્ષે ખતરનાક હિટવેવનો અનુભવ લોકો કરી રહ્યા છે ત્યારે મહાપાલિકા દ્વારા પર્યાવરણના જતન, હરિયાળો વિસ્તાર વધે તે માટે ચાલતા પ્રયાસના ભાગરૂપે શહેરના જુદા જુદા વિસ્તારમાં પણ  મીની સીટી ફોરેસ્ટ જેવા ગાર્ડન બનાવવાનો વિચાર હાથ પર લેવામાં આવ્યો છે. આવા ગ્રીન આઇલેન્ડ બનાવવા માટે 20 થી 25 પ્લોટ નકકી કરવામાં આવ્યાનું આજે કમિશ્નર આનંદ પટેલે જણાવ્યું હતું. 

એક તરફ જળસંચય માટે બોર બનાવવા, ઉંડા ઉતારવા, ચેકડેમ ઉતારવાના આયોજન ચાલી રહ્યા છે ત્યારે ગ્રીનરી  પણ વધે તે માટે બજેટમાં ભંડોળ રાખવામાં આવે છે. બીજી તરફ શહેરના સૌથી મોટા એવા હયાત 150 ફુટ રીંગ રોડના 10.7 કિ.મી. માર્ગે અર્ધો ડઝન બ્રીજ બનાવવામાં આવ્યા છે. મોટા મોટા સીમેન્ટના બિલ્ડીંગ આ રોડ પર છે ત્યારે વૃક્ષોનું પ્રમાણ નહીંવત હોય આ માર્ગ દર ઉનાળામાં ભઠ્ઠીની જેમ તપે છે. આ રસ્તે પણ જતન સાથેનું વૃક્ષારોપણ કરવા કમિશનરનો વિચાર છે. 

મહાનગરમાં હાલ નાકરાવાડી પ્લાન્ટ સહિતની જગ્યાએ મીયાવાંકી વૃક્ષારોપણના કામ ચાલી રહ્યા છે. અનેક વિસ્તારમાં તેના પરિણામ પણ મળવાના છે. ન્યારી ડેમ, રામવન ખાતે પણ આવું કામ કરાયું છે પરંતુ શહેરમાં વૃક્ષોની જરૂરીયાત, હિટવેવ રોકવાના પ્રયાસો માટે ગ્રીન કવર વધવું જરૂરી છે. રેસકોર્સ સહિતના ગાર્ડનમાં તો વૃક્ષારોપણ થાય છે પરંતુ અનેક રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારો ધગધગતા હોય છે. વૃક્ષો પણ ઓછી સંખ્યામાં હોય છે. તેનું સૌથી મોટું ઉદાહરણ બીઆરટીએસ ટ્રેક છે. 

હવે કોર્પો. દ્વારા જુદા જુદા વિસ્તારમાં ગાર્ડનના 25 જેટલા પ્લોટનું લીસ્ટ બનાવવામાં આવ્યું છે. આનંદ પટેલે કહ્યું હતું કે, શહેરની અંદર આવેલા વિસ્તારોમાં પણ સીટી ફોરેસ્ટ જેવું વૃક્ષારોપણ કરવા વિચાર કરાયો છે. એટલે કે આ પ્લોટમાં માત્ર વૃક્ષો અને પક્ષીઓ માટેનું વૃક્ષારોપણ કરવામાં આવશે. આ ગાર્ડન લોકો માટે નહીં હોય. માત્ર વૃક્ષનો ઉછેર થશે. કોઇ પણ વિસ્તારમાં આટલા મોટા ગ્રીન ગાર્ડન બને તો થોડા વિસ્તારમાં તાપમાન 1 થી 2  ડિગ્રી નીચુ રહે છે. ટુંક સમયમાં આ માટેની કામગીરી ફાઇનલ કરવામાં આવશે. 

રાજકોટમાં જળસંચય, રીચાર્જ સાથે હવે આવા ડેન ફોરેસ્ટ પણ બનાવવામાં આવે તો ભવિષ્યમાં આકરા તાપ અને ગરમીમાં રાહત મળી શકશે. જોકે કોર્પો. જળસંચય માટે ચેકડેમ સહિતના પ્લાન કરી રહી છે ત્યારે પૂરા શહેરમાં  મોટુ બજેટ ઉપયોગ કરતા પેવીંગ બ્લોકના કામમાં પણ સુધારાની જરૂર હોવાનો મત છે. રહેણાંક વિસ્તારોમાં પેવીંગ બ્લોકના કારણે જમીનમાં પાણી ઉતરવાની જગ્યા રહેતી નથી. આથી જમીનમાં પાણી ઉતરી શકે તે પ્રકારે પેવર બ્લોક બનાવવાનો વિકલ્પ પણ મહાપાલિકાની વિચારણા હેઠળ છે. 

વર્ષો પહેલા જુદા જુદા વિસ્તારમાં વરસાદી પાણી જમીનમાં ઉતરે એવી જગ્યા રહેતી હતી. હવે ડામર અને પેવીંગ બ્લોક વોલ ટુ વોલ થતા હોય, ભૂગર્ભમાં જળ ઉતરતું નહીં હોવાનો પણ અભિપ્રાય છે. જોકે આ રીતે કામ કરવામાં ન આવે તો ગંદકી સહિતની ફરિયાદ લોકો કરે છે. આથી પેવીંગ બ્લોક પણ રહે અને પાણી ઉતરવાની જગ્યા પણ મળે  તેવો રસ્તો કાઢવાની જરૂર છે.

► આચારસંહિતા દુર થવાની રાહ : મનપામાં દોઢસો ટેન્ડર તૈયાર 
    નવા બજેટનું પ્રથમ કવાર્ટર ચૂંટણી વચ્ચે જ પુરૂ થઇ જશે

નવું નાણાકીય વર્ષ શરૂ થવાની સાથે લોકસભા ચૂંટણીની આચારસંહિતા આવી જતા મનપા સહિતની સરકારી કચેરીમાં નવા કામો ઠપ્પ થઇ ગયા છે. તેવામાં હવે આચારસંહિતા પૂરી થાય એટલે તુરંત દોઢસો જેટલા કામોના ટેન્ડર બહાર પાડવામાં આવશે.

એપ્રિલ, મે અને જુન મહિનો આચારસંહિતામાં નીકળવાનો છે. નવું બજેટ એપ્રિલથી અમલમાં આવે છે. એટલે કે નાણાકીય વર્ષનું પ્રથમ કવાર્ટર કોઇ નીતિ વિષયક કામો વગર જ નીકળી જવાનું છે. તા.6 સુધી કોડ ઓફ ક્ધડકટ લાગુ છે. આથી બીજા સપ્તાહથી ટેન્ડર અપલોડ થશે. એકાદ પખવાડીયામાં 150 જેટલા કામના ટેન્ડર ઓનલાઇન મુકવામાં આવશે. તે બાદ ઝડપથી કામ આપવામાં આવે અને શરૂ થાય તેવા પ્રયાસો કરાશે એમ કમિશ્નરે કહ્યું હતું.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj