અદાલતમાં કોઈપણ એડવોકેટની ગેરવર્તણુંક નહીં ચલાવવાની ટકોર

ચીફ જસ્ટીસની કોર્ટમાં મહિલા એડવોકેટનુ ગેરવર્તન : બહાર કઢાયા

Gujarat | Ahmedabad | 19 April, 2024 | 09:33 AM
ભરણપોષણના કેસમાં તારીખ મળતી ન હોવાના મામલે ઉંચા અવાજે બોલતા હાઈકોર્ટ ખફા: કન્ટેમ્પ કાર્યવાહી કરવા ચીમકી: હવે ચીફ જસ્ટીસની કોર્ટમાં હાજરી આપવા પર મનાઈ
સાંજ સમાચાર

અમદાવાદ: હાઈકોર્ટના ચીફ જસ્ટીસની ખંડપીઠની કોર્ટરૂમમાં ઉપસ્થિત મહિલા એડવોકેટના વાણી-વર્તન પ્રત્યે ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલ અને જસ્ટીસ અનિરૂદ્ધ પી. માયીની ખંડપીઠે ભારે નારાજગી દર્શાવી હતી.

એક તબકકે ચીફ જસ્ટીસે મહિલા એડવોકેટને કહ્યું હતું કે, ‘તમે (એડવોકેટ) ચીફ જસ્ટિસની કોર્ટમાં આવું વર્તન કરી શકતા હોય તો અમે સમજી શકીએ છીએ કે અન્ય કોર્ટમાં તમારું વાણી-વર્તન કેવું હશે. તમને કોર્ટનું સન્માન કે ગૌરવ જાળવતાં આવડતું નથી.

આવું વર્તન અમે સહેજ પણ ચલાવી લઈશું નહીં. કોઈપણ એડવોકેટ કોઈ પણ જજ સાથે ગેરવર્તણુંક ન કરે એ સુનિશ્ચિત કરવાની જવાબદારી ચીફ જસ્ટીસ તરીકે મારી છે. આજ પછી તમને ચીફ કોર્ટમાં કેસ મેન્શનિંગ કરવાની મંજુરી મળશે નહીં. સોરી, પરંતુ પ્લીઝ લીવ ધી ડાયસ (તમે ડાયસ છોડીને જતાં રહો).’

ગુરુવારે ચીફ જસ્ટીસની કોર્ટમાં એક મહિલા એડવોકેટ એક કેસમાં પત્ની તરફથી ઉપસ્થિત રહીને રજુઆત કરી રહ્યા કે તેમનો કેસ લાંબા સમયથી પેન્ડીંગ છે અને સામાવાળા હાજર થતાં નથી. પત્નીના ભરણપોષણ અને હેરાનગતિનો આ કેસ છે.

ચીફ જસ્ટીસે સવાલ કર્યો હતો કે, તમારા કેસની તારીખ કઈ છે? ત્યારે એડવોકેટે કહ્યું હતું કે, ‘તેમની મેટર બોર્ડ પર આવતી જ નથી.’ આ તબકકે એડવોકેટનો અવાજ ઉંચો થયો હોવાથી ચીફ જસ્ટીસે બુમો નહીં પાડવા કહી ટકોર કરી હતી કે, ‘દરેક કેસમાં ચોકકસ તારીખ તો આપવામાં આવે છે. કોર્ટ તારીખ નકકી કરે અથવા તો સિસ્ટેમેટીક રીતે તારીખ આવતી જ હોય છે ત્યારે તમારે કહેવું પડે કે કઈ તારીખ છે.’

એડવોકેટે કહ્યું હતું કે, ‘અમને કોઈ ચોકકસ તારીખ અપાઈ નથી અને વેકેશન બાદ કેસ રાખવામાં આવ્યો છે.’ હાઈકોર્ટે ટકોર કરી હતી કે, ‘તમે એડવોકેટ છો અને તમારે કોર્ટમાં આવી રીતે બુમો પાડવી જોઈએ નહીં. તમે પહેલા બુમો પાડો છો અને પછી કહો છો કે આ તમારો કુદરતી અવાજ છે. અમે તમને આવી રીતે રજુઆતની મંજુરી આપશું નહીં.

એટલું જ નહીં કોર્ટ કે કોઈપણ જજને ‘યુ’ (તમે) કહીનો સંબોધી શકો નહીં. આ કોઈ એક જજની વાત નથી. આ કોર્ટનો વિષય છે અને તમે કોર્ટના ગૌરવને નજરઅંદાજ કરી રહ્યા છો. તમે ડ્રોઈંગ રૂમમાં બેઠા નથી કે આવું વર્તન કરી શકો. અમે તમારી સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહી કરીશું.’

આ પ્રકારની ટકોર છતાંય મહિલા એડવોકેટે ઉંચા અવાજે દલીલો ચાલુ રાખતાં ચીફ જસ્ટીસે ભારે નારાજગી સાથે કહ્યું હતું કે, ‘મહેરબાની કરીને તમારી ભાષા પર કાબુ રાખો અને ત્યારબાદ કોર્ટમાં આવો. નહીં તો તમને કોર્ટમાં કોઈપણ રજુઆત કરવાની તક નહીં આપવામાં આવે. તમને કોર્ટનું ગૌરવ કે સન્માન જાળવતા આવડતું નથી. કોઈપણ કાઉન્સીલ આ રીતે વર્તી શકે નહીં.

તમે ચીફ જસ્ટીસની કોર્ટમાં આવું વર્તન કરી શકવાની હિંમત રાખતા હોવ તો અમે સમજી શકીએ છીએ કે તમે અન્ય ન્યાયમૂર્તિની કોર્ટમાં કંઈ રીતે વર્તતા હશો. જો તમારી માફી માંગવી હોય તો લેખિતમાં માંગો. માફ કરજો, પરંતુ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે મારી જવાબદારી છે કે કોઈપણ એડવોકેટ કોઈ પણ જજ સાથે ગેરવર્તન ન કરે અને એની સીમા ન ઓળંગે એ સુનિશ્ચિત કરું.’

એડવોકેટે ફરીથી કહ્યું હતું કે, ‘મેં શું કર્યું છે? તમે કોઈ આદેશ જારી કરતા નથી એટલે હું અહી આવી છું.’ ત્યારે કોર્ટે કહ્યું હતું કે, ‘તમે ફીથી કોર્ટને ‘તમે’ (યુ) કહીને સંબોધી રહ્યા છો. તમને આ કોર્ટમાં ઉપસ્થિત થવાની મંજુરી હવે પછીથી આપવામાં નહીં આવે.’ ત્યારે એડવોકેટે કહ્યું હતું કે, ‘એક મહિલા અરજદાર કોર્ટથી ન્યાયની આશા રાખી શકે નહીં.’

હાઈકોર્ટે કહ્યું હતું કે, ‘તમે મહિલા છો તેથી તમને સુનાવણીમાં પ્રાથમીકતા મળી શકે નહીં.’ એડવોકેટે કહ્યું હતું કે, ‘અમે આટલા આવેદન આપ્યા છે અને હવે અમારે કોર્ટની બહાર જ ઉભા રહેવાનું.’ હાઈકોર્ટે કહ્યું હતું કે, ‘મહેરબાની કરીને તમે ડાયસ પરથી ઉતરી જાવ અને કોર્ટની બહાર જતાં રહો.’ ત્યારબાદ ચીફ જસ્ટીસે કોર્ટ ઓફિસરને કહ્યું હતું કે, ‘હવે પછીથી આ એડવોકેટને મારી કોર્ટમાં મેન્શનિંગ કરવા દેશું નહીં.’

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj