ગાંધીનગર,તા.25
દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. પરિણામે, ઉત્તરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે.
આ વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન તા. 26 ઓક્ટોબરથી 15 નવેમ્બર 2024 સુધી વીસ દિવસના સમયગાળામાં, રાજ્યના 16 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 61 લાખ 70 હજાર 716 લોકોએ મુલાકાત લીધી હતી.
આ સમયગાળામાં ગુજરાતના પ્રસિદ્ધ આકર્ષણો અને યાત્રાધામ જેમ કે સ્ટેચ્યુ ઑફ યુનિટી-આકર્ષણો, અટલ બ્રિજ, રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક, કાંકરિયા તળાવ, પાવાગઢ દિર, અંબાજી મંદિર, ગિરનાર રોપવે, સાયન્સ સિટી, વડનગર, સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, નડાબેટ, મોઢેરા સૂર્ય મંદિર, સ્મૃતિવન, ગીર અને દેવળીયા તેમજ દાંડી સ્મારક ખાતે બહોળી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા.
અમદાવાદમાં સાડા પાંચ લાખથી વધુ પ્રવાસીઓએ કાંકરિયા પરિસરમાં વિવિધ આકર્ષણોની મોજ માણી હતી. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને મંદિરોમાં સૌથી વધુ દ્વારકામાં 13 લાખથી વધુ લોકો દર્શનાર્થે આવ્યા હતાં.
કચ્છમાં રણોત્સવ શરૂ, ગતવર્ષે 7.42 લાખ પ્રવાસીઓ આવ્યા હતા
દેશ વિદેશના પ્રવાસીઓના ફેવરિટ ગણાતા રણોત્સવની શરૂઆત થઇ ગઇ છે. રણોત્સવની મુલાકાત દરમ્યાન પ્રવાસીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિવિધ એડવેન્ચર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ યોજવામાં આવે છે.
રણોત્સવ 2024-25માં એડ્વેન્ચર ઝોન (20 અલગ-અલગ એડ્વેન્ચર પ્રવૃત્તિઓ જેવી કે પેરા મોટરિંગ, એ.ટી.વી રાઈડ વગેરે), ચિલ્ડ્રન એક્ટિવિટી વિથ ફન/નોલેજ પાર્ક (10 અલગ-અલગ પ્રવૃત્તિઓ જેમ કે, ન્યુટ્રિશનની સમજ આપતી ગેમ અને એક્ટિવિટી, વી. આર ગેમ ઝોન વગેરે)નું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારે, કચ્છના ધોરડો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વકક્ષાના પ્રવાસન સ્થળોએ G-20 બેઠકોનું સફળતાપૂર્વક આયોજન કરીને, G-20 દેશના પ્રતિનિધિઓને રાજ્યના સમૃદ્ધ વારસાનો પરિચય કરાવ્યો હતો.
G-20 પ્રતિનિધિઓએ ધોળાવીરા, મોઢેરા સૂર્યમંદિર, અમદાવાદનો ઐતિહાસિક વારસો, ગિફ્ટ સિટી અને દાંડી કુટીર સહિતના આકર્ષણોની મુલાકાત લઇને તેની સરાહના કરી હતી.
પ્રાચીન નગરોની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણું બની હતી અને તેમના પ્રતિભાવોમાં તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર વિશ્વની ધરોહર છે, જેને આવનારી પેઢી માટે સાચવી રાખવી જરૂરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy